Gujarat Politics | UCC Update
ગુજરાત વિધાનસભામાં યુનિફૉર્મ સિવિલ કોડ (UCC) નું બિલ બહુમતિથી પસાર: લિવ-ઇન અને કોને છૂટ? જાણો સંપૂર્ણ વિગતો
કચ્છ બુલેટિન - ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં મંગળવારે યુનિફૉર્મ સિવિલ કોડ (સમાન નાગરિક સંહિતા - UCC) નું બિલ બહુમતિથી પસાર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તરાખંડ પછી ગુજરાત બીજું રાજ્ય બન્યું છે જેમાં યુનિફૉર્મ સિવિલ કોડનું બિલ લાવવામાં આવ્યું હોય. ગુજરાતની ભાજપ સરકાર તેને સમાનતા અને ન્યાયની દિશામાં ઐતિહાસિક પગલું ગણાવે છે જ્યારે કે વિપક્ષ તેને ચૂંટણીની રણનીતિ ગણાવે છે.
## ઐતિહાસિક પગલું અને વિપક્ષનો વિરોધ
આ બિલ વિધાનસભામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે રજૂ કર્યું હતું. આ બિલના ડ્રાફ્ટ માટે નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની કમિટી બનાવવામાં આવી હતી. બિલ રજૂ થાય એ પહેલાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું. લશ્કરી બાબતો સિવાય, લગભગ સાડા સાત કલાક સુધી આ બિલ પર ચાલેલી ચર્ચા બાદ જ્યારે તેના પર વોટિંગ થયું ત્યારે તે બહુમતથી પસાર થઈ ગયું હતું. વોટિંગ દરમિયાન મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે ગૃહમાંથી વૉક-આઉટ કર્યું હતું.
## યુનિફૉર્મ સિવિલ કોડ કોને લાગુ નહીં પડે?
આ બિલના ડ્રાફ્ટમાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બિલ ઘણા સમુદાયોને લાગુ પડવાનું નથી. તેમાં એ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ બિલ કાયદામાં રૂપાંતરિત થશે તો ભારતના બંધારણ પ્રમાણે કલમ ૩૪૨ હેઠળ, તથા કલમ ૩૬૬ના ખંડ ૨૫ હેઠળ આવતી અનુસૂચિત આદિજાતિના સભ્યોને લાગુ નહીં પડે. આ કલમો હેઠળ દેશમાં અંદાજે આદિવાસીઓના ૭૦૦થી વધુ અલગ-અલગ સમુદાયોનો સમાવેશ થાય છે. આ સિવાય ભારતના બંધારણના ભાગ ૨૧ હેઠળ જેમના પરંપરાગત અધિકારોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે એવી વ્યક્તિઓ કે તેમનાં જૂથને પણ યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ નહીં પડે.
## રજૂ કરાયેલા બિલમાં મુખ્ય મુદ્દાઓ શું છે?
આ બિલ ઉપરના તમામ સમુદાયો સિવાયના તમામ જાતિ અને ધર્મના લોકોને લાગુ પડશે. તેમાં કેટલીક મહત્ત્વની જોગવાઈઓ છે:
- લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
- લિવ-ઇન સંબંધોનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નોંધણી ન કરાવવાથી ૩ મહિના સુધીની સજા અને ૧૦ હજાર સુધીનો દંડ થઈ શકે છે.
- બળજબરી કે ધાકધમકીથી લગ્ન કરાવવાના કિસ્સામાં ૭ વર્ષ સુધીની સજાની જોગવાઈ.
- એકથી વધુ લગ્ન કરવાના કિસ્સામાં ૭ વર્ષથી વધુની સજાની જોગવાઈ.
- છૂટાછેડા માટે સૌ માટે સમાન નિયમો, કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય રહેશે.
- મુસ્લિમ દીકરીઓને મિલકતના વારસામાં પણ પુત્ર જેટલો હક્ક મળશે.
- નિકાહ-હલાલા જેવી પ્રથાનો કાયમી અંત લાવવામાં આવશે.
- લઘુમતી સમુદાયોમાં પિતરાઈ સાથેના લગ્ન એ તે સમુદાયની પરંપરામાં હોય તો, તેને કાયદો બન્યે પણ માન્ય ગણવામાં આવશે.
## લિવ-ઇન રિલેશનશિપ માટે શું નિયમો લવાશે?
આ બિલમાં લિવ-ઇન રિલેશનશિપ માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. રાજ્યની અંદર લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા સાથીદારોએ, ગુજરાતના રહેવાસીઓ હોય કે પછી ન હોય, તેમણે લિવ-ઇન રિલેશનશિપનું નિવેદન રજિસ્ટ્રારને સુપરત કરવાનું રહેશે. ગુજરાતની બહારના પ્રદેશમાં રહેતા હોય, પરંતુ ગુજરાતમાં જન્મેલા હોય તેવા લોકોએ પણ જ્યાંના તે રહેવાસીઓ હોય ત્યાં નિવેદન આપવાનું રહેશે. લિવ-ઇન રિલેશનશિપનું બાળક એ તે દંપતીનું કાયદેસર બાળક ગણાશે. કોઈ સ્ત્રીને તેના લિવ-ઇન પાર્ટનર દ્વારા ત્યજી દેવામાં આવે તો તે ഭરણપોષણનો દાવો કરવા માટે હકદાર થશે.
## છૂટાછેડાની અરજી માટે સ્વીકાર્ય આધાર
બિલમાં કહેવામાં આવ્યું છે કે સમાન નાગરિક સંહિતા લાગુ થયા પછી કે પહેલાં થયેલાં કોઈ પણ લગ્ન માટે લગ્નવિચ્છેદ તો જ કરી શકાશે જો અરજદાર સિવાયની કોઈ વ્યક્તિ સાથે સ્વૈચ્છિક જાતીય સંભોગ કર્યો હોય, ક્રૂરતાથી વર્તન કર્યું હોય, અગાઉનાં બે વર્ષ કરતાં ઓછા ન હોય તેવા સમયગાળા માટે ત્યજી દીધો હોય, અરજદારે કોઈ અન્ય ધર્મમાં રૂપાંતરણ કર્યું હોય, અથવા અરજદારને અસાધ્ય માનસિક બીમારી હોય.
## ભાજપ અને વિપક્ષનું શું કહેવું છે?
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, "સમાન નાગરિક સંહિતાના અમલના લીધે તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું અમલમાં આવશે, અને તમામ મહિલાઓને સમાન અધિકારો મળશે." ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ વિરોધ કરતાં જણાવ્યું, "આ બિલ ઉતાવળે લાવવામાં આવ્યું છે અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેને રાજનીતિના લાભ માટે લાવવામાં આવ્યું છે." આમ આદમી પાર્ટીએ પણ બિલનો વિરોધ કર્યો અને ભાજપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દબાણને કારણે ઉતાવળ કરી રહ્યો છે, તેમ જણાવ્યું હતું.
વધુ વાંચો:
કચ્છના અધિકૃત સમાચાર સૌથી પહેલા મેળવવા માટે:
Follow Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ