પડતર માંગણીઓ ન સંતોષાતા આંગણવાડી બહેનોની આવતીકાલથી હડતાળ: ગુજરાતભરમાં 1.06 લાખ કાર્યકરો જોડાશે
કચ્છ સહિત ગુજરાતના ૧,૦૬,૦૦૦ આંગણવાડી કાર્યકરો ૧૮ થી ૨૦ માર્ચ સુધી કામગીરીથી અળગા રહેશે
ભુજ - કચ્છ બુલેટિન: ગુજરાત રાજ્યના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ પોતાની લાંબા સમયની પડતર માંગણીઓને લઈને સરકાર સામે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU) સંલગ્ન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, વારંવારની રજૂઆતો છતાં પગાર વધારા સહિતની ૧૨ જેટલી મુખ્ય માંગણીઓનો ઉકેલ ન આવતા રાજ્યભરની આંગણવાડી બહેનો આગામી તારીખ ૧૮, ૧૯ અને ૨૦ માર્ચના રોજ પ્રથમ તબક્કાની હડતાળ પર જશે.
![]() |
| પ્રતિકાત્મક તસ્વીર |
📍 મહત્વનો નિર્ણય
સીઆઈટીયુની રાજ્ય કારોબારીની બેઠકમાં ૨૬ જિલ્લાના ૧૦૬ જેટલા આગેવાનોની હાજરીમાં આ હડતાળનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન તમામ બહેનો તમામ પ્રકારની શૈક્ષણિક અને પોષણક્ષમ કામગીરીથી અળગા રહેશે.
શું છે આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓ?
- 📢 પગાર વધારો: વેતનમાં મોંઘવારી મુજબ નોંધપાત્ર વધારો કરવો.
- 📱 નવા મોબાઈલ: ડિજિટલ કામગીરી માટે વર્ષ ૨૦૨૨ના વચન મુજબ નવા હેન્ડસેટ પૂરા પાડવા.
- ⏳ નિવૃત્તિ વયમર્યાદા: નિવૃત્તિની વયમર્યાદા વધારીને ૬૦ વર્ષની કરવી.
- 🍲 પોષણ આહાર દર: વર્ષ ૨૦૧૯ પછી બાળકોના આહાર દરમાં કોઈ વધારો થયો નથી, તેમાં સુધારો કરવો.
- 💸 ખર્ચ એડવાન્સ: આંગણવાડીના રોજિંદા અને પરચુરણ ખર્ચ માટે એડવાન્સ રકમની ફાળવણી કરવી.
27 બેઠકો છતાં પરિણામ 'શૂન્ય'
સંગઠનના જણાવ્યા અનુસાર, ૧૦ માર્ચ ૨૦૨૫ના રોજ મુખ્યમંત્રી દ્વારા ખાતરી આપવામાં આવી હોવા છતાં અત્યાર સુધી એક પણ માંગણીનો ઉકેલ આવ્યો નથી. અત્યાર સુધી સરકાર સમક્ષ ૨૭ વખત બેઠકો યોજીને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૨માં થયેલા આંશિક પગાર વધારા બાદ મોંઘવારીમાં મોટો ઉછાળો આવ્યો છે, પરંતુ વેતનમાં કોઈ ફેરફાર થયો નથી.
આ સંજોગોમાં જીવન નિર્વાહ મુશ્કેલ બનતા આખરે ૧,૦૬,૦૦૦ જેટલી બહેનોએ ત્રણ દિવસ માટે રજા રિપોર્ટ ભરી અને સ્થાનિક અધિકારીઓને આવેદનપત્ર આપીને હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું છે. સંગઠનના અગ્રણીઓ અરુણ મહેતા અને સતીષ પરમારે આશા વ્યક્ત કરી છે કે સરકાર તાત્કાલિક બેઠક યોજીને ન્યાયી ઉકેલ લાવશે.
કચ્છના લેટેસ્ટ ન્યૂઝ માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો:

0 ટિપ્પણીઓ