કચ્છના પ્રવાસીઓએ વિદેશ પ્રવાસ માંડી વાળ્યો: ઉનાળુ વેકેશનમાં દેશના પ્રવાસન સ્થળો પર પસંદગીનો કળશ
દુબઈ-અબુધાબીને બદલે હવે 'સેફ પેકેજ' તરીકે કાશ્મીર, હિમાચલ અને ખુદ કચ્છના સ્થળો હોટ ફેવરિટ બન્યા
ભુજ - કચ્છ બુલેટિન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની આગ હવે કચ્છવાસીઓના ઉનાળુ વેકેશનનાં પ્રવાસ કાર્યક્રમોને દઝાડી રહી છે. કચ્છ પ્રવાસન ક્ષેત્રે અને વિદેશ પ્રવાસના શોખીન કચ્છી માડુઓ માટે ચાલુ વર્ષે ઉનાળુ વેકેશનના આયોજનોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અખાતી દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધની સ્થિતિ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના તણાવની સીધી અસર હવે કચ્છના ટુરિઝમ માર્કેટ પર પણ વર્તાઈ રહી છે.
![]() |
| પ્રતિકાત્મક છબી |
🌍 વિદેશ પ્રવાસમાં કેમ આવ્યો ઘટાડો?
છેલ્લા બે વર્ષથી ઉનાળુ વેકેશનમાં દુબઈ, અબુધાબી, કતાર અને ઓમાન જેવા દેશો કચ્છી પ્રવાસીઓ માટે પ્રથમ પસંદગી રહ્યા હતા, પરંતુ વર્તમાન અસ્થિરતા અને ફ્લાઈટના ભાડામાં થયેલા તોતિંગ વધારાને પગલે હવે લોકો કોઈ જોખમ લેવા માંગતા નથી.
એડવાન્સ બુકિંગ રદ કરાવવા મથામણ
ખાસ કરીને જે પરિવારોએ અગાઉથી વિદેશ પ્રવાસ માટે એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું, તેઓ હવે પેકેજ રદ કરવા અથવા તારીખ બદલાવવા માટે મથામણ કરી રહ્યા છે. વ્યાપારિક દ્રષ્ટિએ પણ આ સ્થિતિની અસર જોવા મળી રહી છે. ચીનમાં યોજાતા પ્રસિદ્ધ કેન્ટોન ફેરમાં કચ્છ અને ગુજરાતના અનેક વેપારીઓ દર વર્ષે જતા હોય છે, પરંતુ આ વર્ષે વેપારીઓના બુકિંગમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
લોકલ ટુરિઝમને મળશે વેગ
ટુર ઓપરેટરોના જણાવ્યા અનુસાર, આ વખતે કચ્છના પ્રવાસન સ્થળો અને દેશના અન્ય હિલ સ્ટેશનો માટે બુકિંગ વધી રહ્યા છે. લોકો હવે મોંઘા અને અનિશ્ચિત વિદેશ પ્રવાસને બદલે પોતાના જ દેશના સુરક્ષિત અને શાંત સ્થળોએ પરિવાર સાથે વેકેશન માણવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

0 ટિપ્પણીઓ