Kutch Bulletin | Health & Pride

થેલેસેમિયા પીડિત બાળકો માટે સંજીવની: ભુજની રેડક્રોસ બ્લડ બેન્કને દેશનું સર્વોચ્ચ બહુમાન, કોઈપણ કટોકટી માટે હેલ્પલાઇન જાહેર

Bhuj Red Cross Blood Center Achieves NABH Accreditation Kutch Bulletin News

Kutch Bulletin - ભુજ : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખા દ્વારા બ્લડ બ્યુરો માટે એક મોટી કલ્યાણકારી સિદ્ધિ હાસિલ કરવામાં આવી છે. સંસ્થા સંચાલિત ‘માતૃશ્રી અમરબાઇ ભીમજી કરશન રાઘવાણી બ્લડ સેન્ટર’ને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ (NABH) દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય માન્યતા એનાયત કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ સાથે આ સેન્ટર હવે ગુણવત્તા અને શ્રેષ્ઠ સેવાના રાષ્ટ્રીય માપદંડો પર સો ટકા ખરું ઉતાર્યું છે.

Sponsored Content

🩸 રક્તની અછતથી કોઈ જીવ નહીં ગુમાવે: ચેરમેન ધવલ આચાર્ય

આ સુવર્ણ સિદ્ધિ અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતાં સંસ્થાના ચેરમેન શ્રી ધવલભાઇ આચાર્યએ જણાવ્યું હતું કે, "આ સમગ્ર કચ્છ જિલ્લા માટે અત્યંત ગૌરવની બાબત છે. રેડક્રોસ દ્વારા બ્લડ બેન્ક ચલાવવાનો મુખ્ય હેતુ જ એ છે કે સમગ્ર જિલ્લામાં લોહીની અછતને કારણે ક્યારેય કોઈ દર્દીએ પોતાનો અમૂલ્ય જીવ ગુમાવવો ન પડે. આ માન્યતા અમારી વહીવટી પારદર્શિતા અને નૈતિક મૂલ્યો પર મહોર મારે છે."

🚗 વિના મૂલ્યે રીપ્લેસમેન્ટ અને હોસ્પિટલો સુધી ડિલિવરી

આ બ્લડ સેન્ટરની સૌથી મોટી વિશેષતા અને માનવતાવાદી અભિગમ એ છે કે અહીં દર્દીઓને લોહી મેળવવા માટે સામે કોઈપણ પ્રકારના બ્લડ રીપ્લેસમેન્ટ (સામે લોહી આપવાની શરત) ની જરૂર પડતી નથી. આ ઉપરાંત, દર્દીની કટોકટીના સમયે ભુજની તમામ હોસ્પિટલો સુધી જરૂરિયાત મુજબ રક્ત સમયસર પહોંચાડવાની આદર્શ વ્યવસ્થા પણ રેડક્રોસ દ્વારા જ ઊભી કરવામાં આવી છે જેથી હોસ્પિટલમાં દાખલ દર્દીના સગા-સંબંધીઓને મુશ્કેલીના સમયે દોડધામ ન કરવી પડે.

☎️ ૨૪ કલાક હેલ્પલાઇન અને થેલેસેમિયા સેવા: સંસ્થાના સેક્રેટરી મીરાબેન સાવલીયાએ જણાવ્યું કે, કોઈપણ કટોકટીના સમયે રક્તની જરૂરિયાત ઊભી થાય, તો ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 8238823880 પર સંપર્ક કરવો. આ બ્લડ બેન્ક દ્વારા થેલેસેમિયા પીડિત માસૂમ બાળકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક રક્ત પૂરું પાડવામાં આવે છે.

🤝 સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ મહાજનોને આહવાન

સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી વિમલ મહેતા અને ટ્રેઝરર શ્રી સંજયભાઇ ઉપાધ્યાયે સંસ્થાની આ સફર પાછળ માર્ગદર્શક ડો. ભાવેશ આચાર્ય, પૂર્વ ચેરમેન શ્રી અરુણભાઇ જૈન, તેમજ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઇ પટેલ અને પ્રતિનિધિ શ્રી મુકેશભાઇ આચાર્યનો આભાર માન્યો હતો. તમામ હોદ્દેદારોએ સમગ્ર કચ્છની સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને રક્તદાન જેવી પવિત્ર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાવા અને નિયમિત કેમ્પ યોજવા અપીલ કરી છે.

કચ્છના લોકઉપયોગી અને આરોગ્ય વિષયક સમાચારો માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp