ભુજમાં PGVCLની દાદાગીરી | ગ્રાહકોને અંધારામાં રાખી સ્ટેશન રોડના કોમ્પ્લેક્સમાં પધરાવી દેવાયા સ્માર્ટ મીટર

Kutch Bulletin | Public Outcry

ભુજમાં ગ્રાહકોને અંધારામાં રાખી વ્યાપારિક સંકુલમાં સ્માર્ટ મીટર પધરાવી દેવાયા; વીજ કર્મીઓની દાદાગીરી

સરકાર કહે છે 'મરજિયાત' અને તંત્ર કરે છે 'ફરજિયાત': ભુજમાં દુકાનદારોની ગેરહાજરીમાં જૂના મીટર ઉતારી લેવાયા

Smart Meter Controversy Bhuj Station Road PGVCL Kutch Bulletin News
પ્રતિકાત્મક તસ્વીર 

કચ્છ બુલેટિન - ભુજ: કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હાલ પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવી રહેલા નવા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. રીડિંગમાં વિસંગતતા અને ઝડપી ચાર્જ સામે ગ્રાહકોમાં વ્યાપક અસંતોષ છે, ત્યારે રાજ્ય સરકારે આ મીટર મરજિયાત હોવાની જાહેરાત કરી હતી. આમ છતાં, ભુજના વ્યસ્ત સ્ટેશન રોડ વિસ્તારમાં સરકારી આદેશોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે.

Sponsored Content

🛑 વિશ્વાસમાં લીધા વગર જ જૂના મીટર બદલાયા

સ્ટેશન રોડ પર આવેલા ખમુ સુલેમાન કોમ્પ્લેક્સમાં વીજ કંપનીના કર્મચારીઓએ ગ્રાહકોની ગેરહાજરીમાં કે તેમને કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર જૂના મીટર ઉતારીને નવા સ્માર્ટ મીટર લગાડી દેતા ભારે હોબાળો મચ્યો છે. કોમ્પ્લેક્સમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા શૈલેષભાઈ સોલંકીએ જણાવ્યું કે, સવારે જ્યારે દુકાનદારો આવ્યા ત્યારે ખબર પડી કે આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે. આ પ્રક્રિયા પૂર્વે કોઈ નોટિસ આપવામાં આવી નહોતી.

⚠️ બીમાર વૃદ્ધ સાથે અભદ્ર વર્તનનો આક્ષેપ

જ્યારે વેપારીઓએ આ બાબતે સ્થળ પર હાજર વીજ કર્મીઓને સવાલ કર્યા, ત્યારે તેમણે નમ્રતાને બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું. શૈલેષભાઈ, જેમણે તાજેતરમાં જ હૃદયની બાયપાસ સર્જરી કરાવી છે, તેમની સાથે પણ વીજ કર્મચારીઓએ તોછડાઈથી વાત કરી હોવાનો આક્ષેપ છે. કર્મચારીઓએ ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે, "હવે મીટર ઓનલાઇન ચડી ગયા છે, જૂના મીટર પાછા નહીં મળે, ગ્રાહકથી જે થાય તે કરી લે."

સરકારના દાવાઓ પોકળ: એક તરફ ઉર્જા મંત્રી અને સરકાર સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ દબાણ નહીં કરવામાં આવે તેવા દાવા કરે છે, તો બીજી તરફ ગ્રાહકની મંજૂરી વગર જ વ્યાપારિક સંકુલોમાં આ મીટર પધરાવી દેવામાં આવે છે. તંત્રના આવા વલણથી વેપારીઓમાં ભારે રોષ છે.

હાલમાં સ્ટેશન રોડના વેપારીઓ આ અન્યાય સામે મક્કમ લડત આપવાની તૈયારી કરી રહ્યા છે. ગ્રાહકોની માંગ છે કે તેમને વિશ્વાસમાં લીધા વગર લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવે અને જૂના મીટર પરત કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ છે.

કચ્છના બ્રેકિંગ ન્યૂઝ અને ગ્રાહક સુરક્ષાના સમાચાર માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ