ટ્રેનમાં હવે હોટલ જેવી સુવિધા | સ્વચ્છતામાં અમદાવાદ રેલવે અવ્વલ | કાંકરિયા મિકેનાઇઝ્ડ લોન્ડ્રી દેશની સૌથી કાર્યક્ષમ લોન્ડ્રી જાહેર

અમદાવાદ મંડળની આધુનિક મેકેનાઈઝ્ડ લોન્ડ્રી: મુસાફરોને મળી રહ્યા છે ફાઈવ-સ્ટાર હોટલ જેવા સ્વચ્છ બેડરોલ

કચ્છ બુલેટિન (Kutch Bulletin) : ભારતીય રેલવેમાં મુસાફરી કરતા એસી કોચના પેસેન્જરો માટે સૌથી મહત્વની બાબત 'બેડરોલ' (ચાદર, તકિયા અને બ્લેન્કેટ) ની સ્વચ્છતા હોય છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આ દિશામાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં આવ્યું છે. કાંકરિયા ખાતે કાર્યરત BOOT મોડેલ આધારિત અત્યાધુનિક મેકેનાઈઝ્ડ લોન્ડ્રી દ્વારા મુસાફરોને હવે ઉચ્ચ ગુણવત્તાની લિનેન સેવા ઉપલબ્ધ કરાવાઈ રહી છે.

Western Railway Ahmedabad Division Kankaria mechanized laundry for train bedrolls.

🏆 દેશમાં પ્રથમ: CAG (કેગ) દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં દેશની ૧૯ લોન્ડ્રીઓના નિરીક્ષણ દરમિયાન કાંકરિયા લોન્ડ્રીને સૌથી કિફાયતી, કાર્યક્ષમ અને પર્યાવરણ અનુકૂળ જાહેર કરવામાં આવી છે.

વિશાળ ક્ષમતા અને અત્યાધુનિક ટેકનોલોજી

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આશરે ૧૮૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ એકમ રેલવેની સ્વચ્છતા ઝુંબેશનું હૃદય સમાન છે. આ લોન્ડ્રીની કાર્યક્ષમતા જાણીને તમે દંગ રહી જશો:

  • ધોલાઈ ક્ષમતા: દરરોજ આશરે ૧૯.૫ ટન લિનેન (૧૮ ટન બેડરોલ અને ૧.૫ ટન અન્ય કપડા) ની ધોલાઈ કરવામાં આવે છે.
  • દૈનિક આંકડો: દરરોજ અંદાજે ૪૩,૦૦૦ બેડશીટ અને ૨૧,૦૦૦ તકિયાના કવર સહિત કુલ ૭૨,૦૦૦ લિનેન ધોવામાં આવે છે.
  • ટ્રેન કવરેજ: આ લોન્ડ્રી દ્વારા દરરોજ લગભગ ૧૨ લાંબા અંતરની ટ્રેનો માટે બેડરોલ સેટ તૈયાર કરવામાં આવે છે.
  • માનવશક્તિ: આ એકમમાં અંદાજે ૨૦૦ કુશળ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે.

પર્યાવરણની જાળવણી સાથે સફાઈ

રેલવેએ માત્ર સફાઈ જ નહીં પણ પર્યાવરણનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે. લોન્ડ્રીમાં વપરાતા બોઈલરમાં કોલસા કે તેલને બદલે મગફળીની છાલ (Groundnut Shell) નો ઈંધણ તરીકે ઉપયોગ થાય છે. આનાથી પ્રદૂષણ તો ઘટે જ છે, પણ ઉર્જાની કાર્યક્ષમતા પણ વધે છે. સાથે જ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) દ્વારા ભૂગર્ભ જળને RO સિસ્ટમથી શુદ્ધ કરીને દરરોજ ૧,૨૦,૦૦૦ લીટર પાણીનો ઉપયોગ ધોલાઈ માટે કરવામાં આવે છે.

Western Railway Ahmedabad Division Kankaria mechanized laundry for train bedrolls.

ફરિયાદોમાં ૪૦% નો તોતિંગ ઘટાડો

આધુનિકીકરણના પરિણામે મુસાફરોનો સંતોષ વધ્યો છે અને ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આંકડાકીય રીતે જોઈએ તો:

વર્ષ લિનેન ફરિયાદોની સંખ્યા સુધારો (%)
૨૦૨૩ ૬૦૭૫ -
૨૦૨૪ ૫૯૬૨ ૧.૮૬%
૨૦૨૫ ૩૬૬૯ ૩૮.૪૬%

લિનેન સંબંધિત ફરિયાદોમાં ૪૦% અને ગંદા લિનેન સંબંધિત ફરિયાદોમાં ૩૪% નો ઘટાડો એ અમદાવાદ મંડળની મોટી સફળતા છે.

નવીનતમ પ્રયોગ: ૨ વર્ષથી જૂના લિનેનને 'રિટાટરમેન્ટ'

રેલવેએ એક મહત્વનો નિર્ણય લીધો છે કે મુસાફરોને જૂના અને ઘસાઈ ગયેલા લિનેન ન અપાય. વર્ષ ૨૦૨૪માં ૨૩% લિનેન ૨ વર્ષથી વધુ જૂના હતા, જે હવે ઘટાડીને **૦%** કરી દેવામાં આવ્યા છે. એટલે કે, હાલમાં અમદાવાદ મંડળમાં કોઈ પણ બેડરોલ ૨ વર્ષથી વધુ જૂનો હોતો નથી. વધુમાં, ગુજરાત મેલ એક્સપ્રેસમાં પ્રાયોગિક ધોરણે બ્લેન્કેટ કવર આપવાની શરૂઆત કરાઈ છે, જે મુસાફરોમાં ખૂબ લોકપ્રિય થઈ રહી છે.

સ્ટાફનું શિસ્ત અને મુસાફરોની સુરક્ષા

માત્ર મશીનરી જ નહીં, પણ માનવ વ્યવહાર પર પણ ધ્યાન અપાયું છે. એસી કોચ એટેન્ડન્ટ્સ માટે નિયમિત કાઉન્સેલિંગ અને બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ (દારૂના સેવનની તપાસ) ફરજિયાત કરવામાં આવી છે. ૧૦૦% એટેન્ડન્ટ્સના પ્રસ્થાન અને આગમન સમયે ટેસ્ટ લેવામાં આવે છે જેથી મુસાફરોની સુરક્ષા અને શિસ્ત જળવાય.

💡 ખાસ નોંધ: વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫માં લિનેન ચોરી અથવા ગુમ થવાને કારણે રેલવેને અંદાજે ₹૪.૨૧ કરોડનું નુકસાન થયું છે. મુસાફરોને વિનંતી છે કે રેલવેની મિલકતને પોતાની સમજીને સાચવે.

🚉 ભારતીય રેલવેની આવી જ નવી સુવિધાઓ, મુસાફરીના નિયમો અને મહત્વની જાણકારીઓ સીધી તમારા મોબાઈલ પર મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જાઓ.

WhatsApp ચેનલ જોઈન કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ