Kutch Bulletin | Wildlife Wildlife Project
કચ્છ બુલેટિન વિશેષ: કુનો બાદ હવે કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં ચિત્તાઓ મુક્ત કરાશે; વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે ભવ્ય પ્રારંભ
- બન્નીના છછલા વિસ્તારમાં ૬૧૪ હેક્ટરમાં અત્યાધુનિક ચيت્તા સંરક્ષણ સેન્ટર સંપૂર્ણ તૈયાર: પ્રથમ તબક્કે ૪ ચિત્તાઓ લાવવાની ગણતરી
- વન સંરક્ષકનું સત્તાવાર સમર્થન: NTCA સાથે અંતિમ તબક્કાની ચર્ચા, માત્ર પીએમઓ તરફથી તારીખ અને સમયની રાહ
- ચિત્તા પ્રોજેક્ટ માટે હદ વધારીને ૨૦ હજાર હેક્ટર કરાશે: આ શુક્રવારે NTCA ના આઈજી સંજયન કુમાર કચ્છની બે દિવસીય મુલાકાતે
Kutch Bulletin - ભુજ : દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો જંગલ વિસ્તારમાં મૂકવામાં આવ્યા બાદ ભારતની આબોહવા સાથે તાલમેલ થઇ જતાં હવે તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે હવે કચ્છના પર્યાવરણ પ્રેમીઓ માટે બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. આવનારા દિવસોમાં કચ્છના વૈશ્વિક પ્રખ્યાત બન્નીના ઘાસિયાં મેદાનમાં ત્રણથી ચાર ખતરનાક ચિત્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે છૂટા મૂકવામાં આવે તેવી યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. બન્નીના છછલા વિસ્તારમાં ૬૧૪ હેક્ટર વિસ્તારમાં ખાસ ‘ચિત્તા સંરક્ષણ સેન્ટર’ બનાવવામાં આવ્યું છે અને આ જ સેન્ટરમાં ચિત્તાઓને આશરો આપવામાં આવશે.
Sponsored Content
🐆 રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ તરફથી માર્ગ મોકળો થયો
કચ્છમાં આ પ્રોજેક્ટ માટેની સંપૂર્ણ તૈયારીઓ વન વિભાગ દ્વારા પહેલેથી જ કરી લેવામાં આવી હતી, પરંતુ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની સંખ્યા કેટલી વધે છે અને તેઓ ભારતીય વાતાવરણમાં કેવા સેટ થાય છે તેની રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA) દ્વારા રાહ જોવાતી હતી. આખરે કુનોમાં પ્રાણીઓની સંખ્યા વધતાં જ હવે કચ્છ માટેનો નવો માર્ગ મોકળો બની ગયો છે અને ટૂંક સમયમાં જ બન્નીના ગ્રાસલેન્ડમાં ચિત્તાઓ મુક્ત રીતે વિહરતા જોવા મળશે.
🌿 વનસંરક્ષક ધીરજ મિત્તલનું સત્તાવાર નિવેદન અને તૈયારીઓ
કચ્છના મુખ્ય વનસંરક્ષકે આ બાબતે સત્તાવાર સમર્થન આપતા જણાવ્યું હતું કે, બન્ની ગ્રાસલેન્ડ પ્રોજેક્ટ દ્વારા ચિત્તા પ્રોજેક્ટ માટેની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. એન.ટી.સી.એ. (NTCA) સાથે ચાલી રહેલી વન વિભાગની બેઠકો અને ચર્ચા મુજબ, આ ચિત્તાઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે જ કુનોની જેમ બન્નીમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગ અત્યારે માત્ર પીએમઓ (PMO) તરફથી પ્રોગ્રામની તારીખ અને સમય ફાળવવામાં આવે તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યું છે. પ્રથમ તબક્કે ચાર જેટલા ચિત્તાઓ લાવવામાં આવશે અને આગામી સમયમાં વધુ સંખ્યા વસાવવા માટે પણ વન વિભાગ સજ્જ છે.
અત્યારે સંરક્ષણ વિસ્તારની હદ છે, તેને વધારીને ભવિષ્યમાં ૨૦ હજાર હેક્ટર કરવાની વહીવટી પરવાનગી પણ મળી ચૂકી છે. આ માટે ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ નડતરરૂપ ગાંડા બાવળોને દૂર કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરી દેવામાં આવી છે. સંરક્ષણ સેન્ટરની હદ વધવાની સાથે જ આગામી સમયમાં કચ્છમાં ચિત્તાઓની સંખ્યા પણ બહુ સરળતાથી વધારી શકાશે.
🔍 આ શુક્રવારે NTCA ના આઈજી સંજયન કુમાર કચ્છની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે આવી શકે છે તેવા સવાલ સામે મુખ્ય વનસંરક્ષકે જણાવ્યું કે, બસ હવે NTCA તરફથી આખરી લીલીઝંડી મળે તેની જ રાહ જોવાઈ રહી છે. આ જ શુક્રવારે NTCA ના આઇ.જી. સંજયન કુમાર ખાસ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બન્ની સ્થિત ચિત્તા સંરક્ષણ સેન્ટરની રૂબરૂ મુલાકાત લેશે. તેઓ ત્યાં સુરક્ષા, વાતાવરણ અને વ્યવસ્થા સહિતના તમામ પાસાંઓ અંગે ઝીણવટભર્યો અભ્યાસ કરશે. આ સેન્ટરમાં કોઈ અધૂરાશ કે ખામી છે કે નહીં તે જાણ્યા બાદ તેઓ પોતાનો અંતિમ હેવાલ પીએમઓ (PMO) ને સોંપશે, ત્યારબાદ વડાપ્રધાનના આગમનની સત્તાવાર તારીખ નક્કી કરવામાં આવશે. આ ઉચ્ચ અધિકારી બે દિવસ સુધી કચ્છમાં રોકાવાના છે અને વન વિભાગ તેમની તમામ સૂચનાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે.
🚩 પ્રવાસન ક્ષેત્રે નવો ઇતિહાસ લખાશે: બન્નીના ઘાસિયા મેદાનમાં ચિત્તા પ્રોજેક્ટ સફળ થવાથી કચ્છના વન્યજીવ સૃષ્ટિ તેમજ ઇકો-ટૂરિઝમને બહુ મોટો વેગ મળશે. સફેદ રણ અને કાળો ડુંગર જોવા આવતા પ્રવાસીઓ માટે હવે બન્નીના ચિત્તાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેનાથી સ્થાનિક કક્ષાએ રોજગારીની અનેક નવી તકો ઊભી થશે.
વધુ વાંચો:
કચ્છના સાંસ્કૃતિક, ધાર્મિક અને સ્થાનિક સમાચારો માટે જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ