કેરામાં કચ્છના શિક્ષણનો સુવર્ણ ઉત્સવ | ૮૬૭ તેજસ્વી વિદ્યાર્થીઓ અને ૧૦૦% પરિણામ લાવનારી ૨૧૭ શાળાઓનું ભવ્ય સન્માન

Kutch Bulletin | Education Excellence

કચ્છ બુલેટિન વિશેષ: ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય…’; કેરા ખાતે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કચ્છની ૨૧૭ શાળાઓ અને ૮૬૭ તેજસ્વી છાત્રોનું મહાસન્માન

  • ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષામાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી A1 ગ્રેડ મેળવનારા તેજસ્વી તારલાઓ મેડલ અને પ્રશસ્તિપત્રથી ઝળક્યા
  • કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના વિઝનથી કચ્છમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ મેરિટમાં વધારે આગળ આવી
  • મોટી જાહેરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શન હેઠળ કચ્છ જિલ્લા માટે ૪૦૦૦થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે

Kutch District Student Samman Samaroh Kera Laljibhai Ruda Pindoriya Auditorium Kutch Bulletin

Kutch Bulletin - ભુજ/કેરા : કચ્છ જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રે નવો ઇતિહાસ રચાયો છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, કચ્છ અને શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ કેરા મુકામે શેઠ જે.પી. એન્ડ એલ.એસ. હાઇસ્કૂલના લાલજીભાઈ રૂડા પિંડોરીયા ઓડિટોરિયમ ખાતે કચ્છના જિલ્લાકક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓના ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમામય કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૫-૨૬ ની ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી ઝળહળતો A1 ગ્રેડ મેળવનાર ૮૬૭ છાત્ર-છાત્રાઓ તેમજ ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરનારી ૨૧૭ જેટલી શાળાઓને વિશિષ્ટ સન્માનિત કરવામાં આવી હતી.

Sponsored Content

🎓 કચ્છના તેજસ્વી વિદ્યાર્થીઓ આપણી સામાજિક પૂંજી છે: મંત્રી ત્રિકમભાઈ છાંગા

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાંથી ૮૬૭ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી તેમજ ૨૧૭ જેટલી શાળાઓએ ૧૦૦% પરિણામ મેળવીને કચ્છ જિલ્લામાં શિક્ષણની આખી દિશા અને દશા બદલી નાખી છે. કચ્છ જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આપણી સામાજિક પૂંજી છે. શિક્ષણક્ષેત્રે આવેલા આ આમૂલ પરિવર્તનનો શ્રેય તેમણે શૈક્ષણિક તંત્ર, જનપ્રતિનિધિઓ અને સમાજના શ્રેષ્ઠીઓને આપ્યો હતો. તેમણે ખાસ નોંધ્યું હતું કે, આજે દીકરાઓ કરતા દીકરીઓ વધારે સંખ્યામાં મેરિટમાં આગળ આવી રહી છે, જે વડાપ્રધાનશ્રીના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના દૂરંદેશી વિઝનથી શક્ય બન્યું છે. મંત્રીશ્રીએ તેજસ્વી તારલાઓને વિકસિત ભારતના સંકલ્પમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.

Kutch District Student Samman Samaroh Kera Laljibhai Ruda Pindoriya Auditorium Kutch Bulletin

🌟 વડાપ્રધાનના વિઝનથી સરકારે અંતરિયાળ ગામો સુધી પહોંચાડી શૈક્ષણિક સવલતો

કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના સંયુક્ત પ્રયાસોથી કચ્છ જિલ્લાને અનેક ઉચ્ચ શૈક્ષણિક સવલતો ઉપલબ્ધ થઈ છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ મેરિટમાં સ્થાન મેળવીને કચ્છનું ગૌરવ વધાર્યું છે. સરકારે જિલ્લાના અંતરિયાળ ગામડાઓ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડ્યું છે. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પ્રાસંગિક પ્રવચનમાં ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૫-૨૬ ના બોર્ડના ઐતિહાસિક પરિણામો સાબિત કરે છે કે કચ્છ જિલ્લામાં શિક્ષણનો અસલી સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે સૌનું શાબ્દિક સ્વાગત કરી કચ્છની શૈક્ષણિક સિદ્ધિઓની વિગતો રજૂ કરી હતી.

Kutch District Student Samman Samaroh Kera Laljibhai Ruda Pindoriya Auditorium Kutch Bulletin

📜 મેડલ-પ્રશસ્તિપત્ર એનાયત અને શિક્ષકોને ઓર્ડરનું વિતરણ

આ મંગળ સમારોહમાં મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા અને ઉપસ્થિત સામાજિક અગ્રણીઓ-દાતાશ્રીઓના હસ્તે તેજસ્વી છાત્રોને મેડલ અને પ્રશસ્તિપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા. આ સાથે જ, ગ્રાન્ટેડ શાળાઓના પાંચ વર્ષની સેવા પૂર્ણ કરીને કાયમી થનારા લાયક શિક્ષકોને મંત્રીશ્રીના હસ્તે કાયમી નોકરીના નિમણૂક હુકમો (ઓર્ડર) એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે એજ્યુકેશન ઈન્સ્પેક્ટરશ્રી પૃથ્વીરાજસિંહ ઝાલાએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

Kutch District Student Samman Samaroh Kera Laljibhai Ruda Pindoriya Auditorium Kutch Bulletin

🚩 સમાજના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓની પ્રેરણાદાયી હાજરી: આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, જિલ્લા પંચાયત સદસ્ય રાજેશભાઈ ચાવડા, સામાજિક અગ્રણીઓ કે.કે.પટેલ, રવજીભાઈ વરસાણી, ઘનશ્યામ ટપરીયા, અરજણભાઈ પિંડોરિયા સહિત મોટી સંખ્યામાં દાતાશ્રીઓ, ઉદ્યોગપતિઓ, વાલીઓ, શિક્ષકો અને છાત્રો હાજર રહ્યા હતા. શાળાઓમાં આર્થિક સહયોગ આપનારા દાતાઓનું પણ મંત્રીશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

કચ્છના સાંસ્કૃતિક, ધાર્મિક અને સ્થાનિક સમાચારો માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ