ભુજમાં સેવાભાવી વૃદ્ધની કરપીણ હત્યા | કરિયાણાના બાકી પૈસાના વિવાદમાં દુકાનદારે ખેલ્યો લોહીનો ખેલ

Crime Alert | Bhuj News

ભુજમાં માનવતાના સેવકની કરુણ હત્યા: સાધર્મિક ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકની નાણાંની લેતીદેતીમાં દુકાનદારે હત્યા કરી

Kutch Bulletin - Crime News - ભુજ: કચ્છના ભુજ શહેરમાં ગરીબ અને જરૂરતમંદ પરિવારોને રાહતદરે રાશન કીટ પૂરી પાડતા સાધર્મિક ચેરિટેબલ ટ્રસ્ટના ૭૧ વર્ષીય વૃદ્ધ સંચાલકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શહેરના વાણિયાવાડ વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા અપરિણીત રશ્મિકુમાર કનકલાલ શાહ (ભુલાણી) ની ગત રાત્રે તેમના જ ઘરમાં અનાજ કરિયાણાના દુકાનદાર નિલેશ હસમુખલાલ શાહ દ્વારા નાણાંની લેતીદેતીના વિવાદમાં હત્યા કરવામાં આવી હતી.

Bhuj Murder Case Rashmikumar Shah Sadharmik Charitable Trust Kutch Bulletin News

📍 પૈસાની બોલાચાલીમાં ખેલાયો લોહીનો ખેલ

આ આઘાતજનક ઘટનાની વિગત એવી છે કે રશ્મિકુમાર શાહ પોતાની સંસ્થા માટે નિલેશની દુકાનેથી રાશનની ખરીદી કરતા હતા. રાત્રે અંદાજે સાડા નવ વાગ્યાના સુમારે નિલેશ રાશનના બાકી નાણાં લેવા માટે રશ્મિકુમારના ઘરે આવ્યો હતો, જ્યાં બંને વચ્ચે પૈસાની બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો.

Sponsored Content

ઝઘડા દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા નિલેશે પ્રથમ રશ્મિકુમારના માથામાં પાણીની મેટલની બોટલનો ફટકો માર્યો હતો, જેના કારણે તેઓ બેડરૂમમાં જમીન પર ફસડાઈ પડ્યા હતા. ત્યારબાદ હત્યારાએ ઘરમાં પડેલા દસ્તા વડે તેમના માથામાં ઉપરાછાપરી ઘા ઝીંકીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા કર્યા બાદ આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર કાઢી લીધું હતું અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

🚨 આરોપી પોતે જ પોલીસ મથકે હાજર થયો

અંદાજે ચાર કલાક બાદ મધરાતે સવા બે વાગ્યાના અરસામાં આરોપી નિલેશ શાહ પોતે જ ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે હાજર થયો હતો અને ‘મેં રશ્મિભાઈનું ખૂન કરી નાખ્યું છે’ તેવી કબૂલાત કરતા ફરજ પરના પોલીસ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે આરોપીની કબૂલાતના આધારે તાત્કાલિક વાણિયાવાડની પાંજરાપોળ શેરીમાં આવેલી અષ્ટાપદ બિલ્ડિંગના બીજા માળે ફ્લેટ નંબર ત્રણ પર તપાસ હાથ ધરી હતી, જ્યાં બેડરૂમમાં રશ્મિકુમારનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો.

🔍 પુરાવા નાશ કરવા તળાવમાં ફેંક્યું DVR

પોલીસે આ અંગે મૃતકના નાના ભાઈ પંકજભાઈ શાહને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પંકજભાઈની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ પોલીસ મથકે હાજર થવા સુધીના ચાર કલાકના સમયગાળા દરમિયાન ગુનાના પુરાવા સમાન ડીવીઆર અને પોતાનો મોબાઈલ ફોન હમીરસર તળાવમાં ફેંકી દીધા હતા. હાલ પોલીસ આ મહત્વના પુરાવાઓને રીકવર કરવા માટેના પ્રયાસો કરી રહી છે.

એક સેવાભાવી વૃદ્ધની નજીવી બાબતે થયેલી આ કરપીણ હત્યાને પગલે સ્થાનિક જૈન સમાજ અને ભુજવાસીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

કચ્છના ક્રાઈમ અને મહત્વના સમાચાર માટે:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ