Kutch Bulletin, ભચાઉ: કચ્છના ભચાઉ પંથકમાં આજે ફરી એકવાર ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. ગુરુવારે બપોરે અચાનક આવેલી ધ્રુજારીને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકો ભયના માર્યા પોતપોતાના ઘર અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.
ભચાઉથી ૧૧ કિમી દૂર કેન્દ્રબિંદુ
ગાંધીનગર સ્થિત ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (ISR) ના જણાવ્યા અનુસાર, ગુરુવારે બપોરે ૦૧:૫૬ વાગ્યે આ આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૫ નોંધવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી માત્ર ૧૧ કિલોમીટર દૂર મેઘપર ગામ પાસે નોંધાયું હતું.
કોઈ જાનહાનિના સમાચાર નથી
બપોરના સમયે જ્યારે લોકો જમીને આરામ કરી રહ્યા હતા અથવા કામ પર હતા, ત્યારે અચાનક ધરતી ધ્રૂજતા લોકોમાં ૨૦૦૧ના ભૂકંપની યાદો તાજી થઈ ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે આ આંચકાને કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા માલ-મિલકતના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
કચ્છના પેટાળમાં હલચલ
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લો ભૂકંપના અત્યંત સંવેદનશીલ એવા ઝોન-૬ માં આવે છે. અહીંના પેટાળમાં અનેક સક્રિય ફોલ્ટલાઈનો હોવાને કારણે સમયાંતરે નાના-મોટા આંચકા આવતા રહે છે. નિષ્ણાંતોના મતે આવા નાના આંચકા પૃથ્વીના પેટાળમાં જમા થયેલી ઉર્જાને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.
કચ્છના ભૂકંપ અને અન્ય લાઈવ અપડેટ્સ માટે જોતા રહો Kutch Bulletin.
તાજા સમાચાર સીધા તમારા વોટ્સએપ પર મેળવવા માટે અમારી ચેનલમાં જોડાઓ.
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ