Kutch Bulletin, ભુજ: સરહદી કચ્છ જીલ્લાના ચાર દિવસીય પ્રવાસે આવેલા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આજે કચ્છની મુલાકાત દરમિયાન ભુજ સ્થિત સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં જીવ ગુમાવનારા દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભૂકંપનો અનુભવ કરી મંત્રીશ્રી થયા ભાવુક
સ્મૃતિવન મ્યુઝિયમમાં વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પૈકીના એક એવા થિયેટરમાં મંત્રીશ્રીએ ૨૦૦૧ના ભૂકંપની અનુભૂતિ કરી હતી. આ ક્ષણે તેઓ અત્યંત દ્રવિત હ્રદયે દિવંગતોને યાદ કર્યા હતા. તેમણે સ્મૃતિવનની સાતેય ગેલેરીઓ - પુનઃજન્મ, પુનઃપ્રાપ્તિ, પુનઃસ્થાપના, પુન:નિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને નવીનીકરણની મુલાકાત લઈને પૃથ્વીની ઉત્પત્તિથી લઈને કચ્છની વિકાસગાથા સુધીની વિગતો મેળવી હતી.
કચ્છની સાફલ્યગાથા અને સંસ્કૃતિને નિહાળી
મંત્રીશ્રીએ મ્યુઝિયમમાં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ગુજરાતની કલા અને સંસ્કૃતિ, તેમજ વાવાઝોડા અને ભૂકંપ જેવા કુદરતી આપદાઓ સામેની સજ્જતા વિશે ટેકનિકલ સમજૂતી મેળવી હતી. વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા તેમણે ભૂકંપ બાદ કચ્છે કરેલા બેમિસાલ પુનઃનિર્માણ અને રાજ્યની વિકાસયાત્રાને બિરદાવી હતી.
હિંમતની માનવકથાઓ
આ મુલાકાત દરમિયાન ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોના સંસ્મરણો અને તેમની અવિરત હિંમતની ગાથાઓ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ સ્મૃતિવનના આ પ્રોજેક્ટને માનવીય સંવેદના અને આધુનિક ટેકનોલોજીનો અદભૂત સમન્વય ગણાવ્યો હતો.
કચ્છની મુલાકાતો અને તમામ સરકારી સમાચારો માટે જોતા રહો Kutch Bulletin.
તાજા અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે અમારી WhatsApp ચેનલમાં જોડાવો.
👉 Join Kutch Bulletin on WhatsApp


0 ટિપ્પણીઓ