Kutch Bulletin: કચ્છના પાટનગર ભુજમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભક્તિ, શ્રદ્ધા અને અતુલનીય ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત ૧૨મી ભવ્ય શોભાયાત્રામાં ભુજવાસીઓ શિવભક્તિમાં તરબોળ થયા હતા. હર હર મહાદેવના ગગનભેદી નારાઓથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું.
ભોલેનાથનો રથ ખેંચવાની નવી પરંપરા
આ વર્ષે શોભાયાત્રામાં એક વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. ભુજમાં પ્રથમ વખત અમદાવાદની જગન્નાથ રથયાત્રાની જેમ ભગવાન ભોલેનાથના રથને ભક્તો દ્વારા રસ્તા પર ખેંચીને યાત્રા કાઢવામાં આવી હતી. આ અનોખા દ્રશ્યએ નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ ભવ્ય આયોજન માટે આયોજકો દ્વારા છેલ્લા ૧૫ દિવસથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.
સંતો-મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિ
આજે સવારે ૯ વાગ્યે પાળેશ્વર ચોક સ્થિત મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શોભાયાત્રાનું મંગલ પ્રસ્થાન થયું હતું. આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરના સંતો તેમજ સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી (આર્ષ અધ્યયન કેન્દ્ર, માધાપર) સહિતના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અન્ય રાજકીય-સામાજિક અગ્રણીઓએ મહાદેવના પૂજન-અર્ચન કર્યા હતા.
કેસરીમય બન્યા ભુજના રાજમાર્ગો
શોભાયાત્રા પાળેશ્વર ચોકથી નીકળી મહાદેવ ગેટ, જ્યુબિલી ગ્રાઉન્ડ, વાણિયાવાડ અને બસ સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારોમાં ફરી હતી. ડીજેના તાલે ગુંજતા શિવ ભજનો અને વિવિધ સમાજો દ્વારા તૈયાર કરાયેલા આકર્ષક ફ્લોટ્સ અને જીવંત ટેબ્લોઝ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર રૂટ પર ઠંડા પીણા અને આઈસક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રાના અંતે હમીરસર તળાવના મહાદેવ નાકે ભક્તો માટે ફળાહારી મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું.
વધુ વાંચો:
- આજનું રાશિફળ: મહાશિવરાત્રી પર કેવું રહેશે તમારું ભાગ્ય?
- ભુજ એરપોર્ટ રિંગરોડ પર ભારે વાહનો માટે નવો રૂટ જાહેર
કચ્છની પળેપળની અપડેટ અને સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp



0 ટિપ્પણીઓ