Kutch Bulletin: કચ્છમાં મતદાર યાદી સુધારણાની કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે આજે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના પ્રદેશ આગેવાન રફીકભાઈ મારાએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે રજૂઆત કરી હતી.
રફીકભાઈ મારાના જણાવ્યા અનુસાર, એસ.આઈ.આર.ની કામગીરી હેઠળ એક જ ગામના અંદાજે સાડા ત્રણસો જેટલા મતદારોના નામો રદ કરવામાં આવ્યા હતા. આ મામલે અગાઉ રજૂઆત કરવા છતાં, હજુ પણ 146 જેટલા નામો યાદીમાં પુનઃ સામેલ કરવામાં આવ્યા નથી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવતા બી.એલ.ઓ.એ પણ સ્વીકાર્યું છે કે આ મતદારો સ્થાનિક જ છે અને તેમના ફોર્મ યોગ્ય હોવા છતાં નામો કાઢી નાખવામાં આવ્યા છે.
"માત્ર વિરોધ પક્ષના મતદારોને નિશાન બનાવાયા"
રફીકભાઈએ વહીવટી તંત્રની આ કામગીરીને ભાજપ પ્રેરિત ગણાવતા ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે માત્ર વિરોધ પક્ષને સમર્થન આપતા હોય તેવા લોકોના નામો જ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ લોકશાહીની ગરિમા વિરુદ્ધની કામગીરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
કાળી શાહીથી વિરોધ કરવાની ચીમકી
જો આ 146 મતદારોના નામો તાકીદે યાદીમાં ઉમેરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર સામે જલદ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. રફીકભાઈએ કલેક્ટર કચેરીની અંદર અને બહાર કાળી શાહીથી વિરોધ વ્યક્ત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જો મતદારોને ન્યાય ન મળે તો કલેકટર કચેરી પર કાળી શાહીથી "ભાજપ કાર્યાલય" નામ લખવાની ચીમકી ઉચ્ચારી હતી. આ રજૂઆતને પગલે કલેક્ટર કચેરીમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
વધુ વાંચો:
- કચ્છ યુનિવર્સિટીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો: ઉદયપુરમાં જીતી લાવ્યા એવોર્ડ્સ
- રાપરમાં ભીષણ આગ: શ્રમજીવીઓના 4 મકાનો બળીને ખાખ
કચ્છના રાજકીય અને સામાજિક સમાચાર માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો:
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ