Special Report | History & Science
સોનાની દ્વારકા શોધવા દરિયાના પેટાળમાં ગયેલા મરજીવાઓને શું મળ્યું? જાણો શું કચ્છ ફરી એક વખત દ્વીપ બની જશે?
⚠️ મહત્વની આશંકા: નૅચર કૉમ્યુનિકેશન્સ જર્નલના અહેવાલ પ્રમાણે, જળસ્તર વધવાને કારણે કચ્છ ફરી એક વખત દ્વીપ બની જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
કચ્છ બુલેટિન - ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબ સાગરના કિનારે આવેલું દ્વારકા હિંદુઓના ચાર પવિત્ર ધામોમાંથી એક છે, જે 'સપ્તપુરી'માંથી એક છે. હિંદુ માન્યતા પ્રમાણે, મૂળે આ શહેરની સ્થાપના શ્રીકૃષ્ણે કરી હતી અને તેમના દેહોત્સર્ગ પછી તે પાણીમાં ડૂબી ગઈ હતી. દ્વારકા નગરી એક કરતાં વધુ વખત કાળના પેટાળમાં સમાઈ ગઈ હતી. તેના ડૂબી જવાનો ચોક્કસ સમય નક્કી કરવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ તેની આસપાસનું અનુમાન ચોક્કસથી મૂકી શકાય તેવા સાંયોગિક પુરાવા છે. ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા દ્વારકાના દરિયામાં સંશોધન અને ઉત્ખનનનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાંથી કેટલીક રસપ્રદ ચીજો અને તથ્યો બહાર આવ્યા છે.
Sponsored Content
📜 પૌરાણિક માન્યતા અને ભૂસ્તરશાસ્ત્ર
પશ્ચિમી દેશોમાં ઍટલાન્ટિસના ડૂબી જવાની માન્યતા છે. પ્લૅટોએ આ દંતકથાને રસાળ શૈલીમાં પ્રચલિત બનાવી છે. ભારત સહિત વિશ્વભરમાં પ્રલય, જલપ્રલય, વિનાશ, જ્વાળામુખી જેવી ઘટનાઓમાં પૂર કે શહેર ડૂબી જવાની માન્યતાઓ કે ઘટનાઓની કોઈ કમી નથી. આને પગલે 1966માં વિજ્ઞાની ડૉરથી વિટાલિયાનોએ ભૂસ્તરશાસ્ત્રની ઉપશાખા જિયોમાઇથૉલૉજીની સ્થાપના કરી, જેનો હેતુ કોઈ 'પૌરાણિક માન્યતા કે દંતકથા પાછળની ભૂસ્તરીય ઘટના' વિશે તપાસ કરવાનો હતો.
🏛️ શ્રીકૃષ્ણ અને દ્વારકાની સ્થાપના
હિંદુઓના પવિત્ર ધર્મગ્રંથ 'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'માં કૃષ્ણના જન્મ, ઉછેર, કંસવધ, મથુરામાં પુનરાગમન, પલાયન, દ્વારકાની સ્થાપના, યાદવોનાં પરાક્રમ અને પતનનો ઉલ્લેખ છે. આ સિવાય 'મહાભારત' અને 'વિષ્ણુપુરાણ' સહિતના ધર્મગ્રંથોમાં પણ તેમના વિશે ઉલ્લેખ મળે છે. 'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ' તથા મહાકાવ્ય 'મહાભારત' અનુસાર કૃષ્ણ દ્વારા કંસનો વધ કરવાથી મગધના શાસક જરાસંઘને તેમના ઉપર ભારે કોપ ચડ્યો, કારણ કે કંસ તેમનાં બે પુત્રી અસ્તી અને પ્રાપ્તીના પતિ હતા. જરાસંઘે 17 વખત મથુરા ઉપર આક્રમણ કર્યા, દરેક વખતે કૃષ્ણ તથા બલરામે તેમના નગરની સુરક્ષા કરી. જોકે, 18મી વખતે મથુરાનું પતન નિશ્ચિત જણાતા તેઓ યોગબળથી નગરવાસીઓને દ્વારકા લાવ્યાં અને વસાવ્યાં.
સ્થાનિકોની માન્યતા છે કે નવું નગર વસાવવા માટે કૃષ્ણે દરિયા પાસેથી 12 યોજન જગ્યા મેળવી હતી. દેવોના સ્થપતિ (આર્કિટેક્ટ) મનાતા વિશ્વકર્માએ તેનું નિર્માણ કર્યું હતું. જેમાં કૃષ્ણનાં 16 હજાર 108 પત્નીઓ માટે મહેલો હતાં અને નગરજનો માટે રહેણાંક હતા. કૃષ્ણે યુદ્ધનું (રણ) મેદાન છોડ્યું હોવાથી તેઓ 'રણછોડ' તરીકે ઓળખાયા અને દ્વારકાના સ્થાપક હોવાથી તેઓ 'દ્વારકાધીશ' એવું નામ મળ્યું.
🌊 જલપ્રલય અને પુરાતત્ત્વીય સંશોધન
હિંદુ માન્યતા મુજબ, વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામ હતા અને 'રામાયણ' તેમનું જીવનવૃત્તાંત જેવું છે. તેઓ 'મર્યાદા પુરુષોત્તમ' હતા તો કૃષ્ણ 'પૂર્ણ પુરુષોત્તમ' હતા. તેમના અવસાન પછી દ્વારકામાં જલપ્રલય થયો. આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાના (એએસઆઈ) પૂર્વ પુરાતત્ત્વજ્ઞ કે. કે. મહોમ્મદનું કહેવું છે કે, મહાભારતનો કાળ ઈસુ પૂર્વે 1400 કે 1500નો હતો. પુરાતત્ત્વવિદો આ સમય હોવાનું અનુમાન મૂકે છે. ભારતમાં પુરાતત્ત્વીય સંશોધનનું કામ અંગ્રેજોના સમયથી ચાલી રહ્યું છે. જ્યારે એએસઆઈનું કામ સંશોધન, ઉત્ખનન અને સંરક્ષણનું છે.
'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'ના ઉલ્લેખ પ્રમાણે, 'પૃથ્વી પર 125 વર્ષ શાસન કર્યા બાદ કૃષ્ણ વૈકુંઠવાસી થયા. એ પછી શ્રીકૃષ્ણના મહેલને છોડીને દરિયાએ તમામ જમીન પરત લઈ લીધી.' જોકે, હિંદુઓની ધાર્મિક માન્યતા અને પુરાતત્ત્વવિદોના સમયના આકલન વચ્ચે લગભગ એક હજાર 500 વર્ષનો તફાવત જોવા મળે છે.
વર્ષ 1960ના દાયકાના શરૂઆતના ભાગમાં દ્વારકાના જગત મંદિર પાસે એક ઘરને તોડતી વખતે ત્યાં મંદિરની ટોચ જોવા મળી હતી. એ પછી પુનાની ડેક્કન કૉલેજ દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નવમી સદીના વિષ્ણુ મંદિરના અવશેષ મળ્યા. અન્ય સ્થળોએ સંશોધન દરમિયાન ચીજવસ્તુઓ મળી એ પછી ખોદકામ ચાલુ રાખતા લગભગ ત્રણેક મીટર પછી ફરી ચીજવસ્તુઓ મળી અને સંશોધન ચાલુ રખાતા ફરી ચીજવસ્તુઓ મળી. આના આધારે વિજ્ઞાનીઓ એવું અનુમાન લગાવે છે કે દ્વારકાનો એક કરતાં વધુ વખત નાશ થયો છે. સ્થાનિકોમાં માન્યતા છે કે દ્વારકા છ વખત ડૂબી છે અને અત્યારે જે દ્વારકા છે, તે સાતમી દ્વારકા છે.
💎 દરિયાના પેટાળમાંથી શું મળ્યું?
વર્ષ 1989 આસપાસ દરિયાના પાણીમાં તપાસ હાથ ધરવામાં આવતા દરિયાઈ વનસ્પતિ અને રેતીની નીચે લંબચોરસ પથ્થર મળી આવ્યા હતા, જે કોઈ ઢાંચાના ભાગરૂપ હોવાનું સંશોધકો માને છે. આ સિવાય અર્ધવર્તુળાકાર પથ્થર મળી આવ્યા છે, જે સ્વાભાવિક રીતે જ માનવસર્જિત છે. આ સિવાય પથ્થરના લંગર મળી આવ્યા હતા, જેમાં છીણીટાંકણાથી કાણાં પાડવામાં આવ્યા હતાં. જે લગભગ સમાન આકારના જ છે. આ પથ્થર લાઇમસ્ટૉન છે, જે આસપાસના વિસ્તારમાં સદીઓથી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
આ સિવાય માટીના વાસણ, ઘરેણાં, મુદ્રા પણ મળી આવ્યાં હતાં. ઓમાન, બહેરીન તથા મૅસોપોટામિયામાં પણ આ પ્રકારની મુદ્રાઓ મળી આવી છે. ડૉ. આલોક ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ખૂબ સારી રીતે રંગ કરેલાં વાસણો મળી આવ્યાં છે. પોલિક્રોમ કરેલી વસ્તુઓ મળેલી છે, જેમાં ઘણા બધા રંગોનો ઉપયોગ છે. 500 કરતાં વધારે અવશેષો મળ્યા છે. આ રીતે મળેલા પદાર્થોનું કાર્બન ડેટિંગ કરાયું તેના પરથી સાબિત થાય છે કે કઈ રીતે અહીં સંસ્કૃતિ તબક્કાવાર વિકસી હશે.
🚨 ભવિષ્યનું સંકટ: ગુજરાતના આ શહેરો પર ખતરો
દ્વારકા ગુજરાતના એકદમ પશ્ચિમના છેડે અરબ સાગરના કિનારે આવેલું છે. નૅચર કૉમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, દરિયાઈ જળસ્તર વધવાથી સુરત, કચ્છ, ભાવનગર અને ભરૂચને તેની અસર થઈ શકે છે. દહેજ, હઝીરા અને કંડલાને તેની વ્યાપક અસર થઈ શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ગીરસોમનાથને તેની પ્રમાણમાં મધ્યમથી ઓછી અસર થશે. નૅચર કૉમ્યુનિકેશન્સ જર્નલના અહેવાલ પ્રમાણે, જળસ્તર વધવાને કારણે કચ્છ ફરી એક વખત દ્વીપ બની જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
વધુ વાંચો:
કચ્છ અને ગુજરાતના ઐતિહાસિક અને તાજા સમાચાર માટે:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ