બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ, વિદ્યાર્થીઓ આનંદિત | કચ્છમાં 'પરીક્ષા સ્વચ્છ પરીક્ષા' સૂત્ર વધુ એક વાર સાર્થક થયું
જિલ્લા વહીવટી તંત્રની વધુ એક સિદ્ધિ: ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ કોઈ પણ ગેરરીતિ વિના નિર્વિઘ્ને સંપન્ન
ભુજ - કચ્છ બુલેટિન: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થયેલ ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આજે નિર્વિઘ્ને પૂર્ણ થઈ છે. લાંબી પરીક્ષાના અંતે વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો અને મોટાભાગના પ્રશ્નપત્રો સરળ રહેતા પરીક્ષા કેન્દ્રો બહાર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
📍 'કચ્છ પરીક્ષા, સ્વચ્છ પરીક્ષા'
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હકારાત્મક સહયોગ અને પોલીસ, આરોગ્ય, એસ.ટી. તથા પીજીવીસીએલ જેવા વિવિધ વિભાગોના સંકલનથી આ પરીક્ષા યજ્ઞ સફળતાપૂર્વક પાર પડ્યો છે.
છેલ્લા દિવસે કેન્દ્રોની મુલાકાત
આજે પરીક્ષાના અંતિમ દિવસે જિલ્લા શિક્ષણાધિકારી અને તેમની ટીમ દ્વારા લખપત, નખત્રાણા અને ખાવડાના અંતરિયાળ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. અન્ય જિલ્લામાંથી આવેલી ફ્લાઇંગ સ્ક્વોર્ડની ટીમોએ પણ કચ્છમાં પરીક્ષાની પારદર્શક કામગીરી જોઈને ખુશી વ્યક્ત કરી હતી અને કચ્છની પરીક્ષા ખરેખર 'સ્વચ્છ પરીક્ષા' હોવાનું પ્રમાણપત્ર આપ્યું હતું.
તંત્રની કામગીરી બિરદાવી
જિલ્લા શિક્ષણાધિકારીએ સ્થાનિક સ્ક્વોર્ડ, સ્થળ સંચાલકો, સરકારી પ્રતિનિધિઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાની સકારાત્મક ભૂમિકાને બિરદાવી હતી. કોઈ પણ પ્રકારની મોટી ગેરરીતિ વગર આટલી વિશાળ સ્તરની પરીક્ષા પૂર્ણ થવી તે કચ્છ જિલ્લા વહીવટી તંત્રની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાવા સમાન છે.

0 ટિપ્પણીઓ