ભુજ, કચ્છ: કચ્છના ગૌરવમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારના છેડે આવેલ ‘છારી-ઢંઢ’ કન્ઝર્વેશન રિઝર્વને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ સાઇટ એટલે કે ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા બાદ છારી-ઢંઢ હવે ગુજરાતની પાંચમી અને કચ્છ જિલ્લાની પ્રથમ રામસર સાઇટ બની છે.
વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન
આ ઐતિહાસિક સિદ્ધિ અંગે માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ, પ્રવાસન અને વૈશ્વિક ઓળખ - આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વેટલેન્ડ સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ છે.
વેટલેન્ડ સંરક્ષણમાં ગુજરાત દેશમાં મોખરે
શ્રી મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું કે, દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળનો ૨૧ ટકા હિસ્સો ગુજરાતનો છે, જે અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે. ગુજરાતમાં ૫ રામસર સાઇટ અને ૮ રાષ્ટ્રીય વેટલેન્ડ્સ આવેલા છે, જે પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે ગુજરાતની ઓળખને વધુ મજબૂત બનાવે છે.
નામની સાર્થકતા અને ભૌગોલિક મહત્વ
કચ્છી ભાષામાં ‘છારી’ એટલે ક્ષારવાળી અને ‘ઢંઢ’ એટલે છીછરું સરોવર. અંદાજે ૨૨૭ ચોરસ કિલોમીટર (૨૨,૭૦૦ હેક્ટર) વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે એક અદભૂત નિવસનતંત્ર ધરાવે છે. વર્ષ ૨૦૦૮ માં તેને ગુજરાતનું પ્રથમ ‘કન્ઝર્વેશન રિઝર્વ’ જાહેર કરવામાં આવ્યું હતું.
પક્ષીઓ અને વન્યજીવોનું સ્વર્ગ
છારી-ઢંઢ ખાતે પક્ષીઓની ૨૫૦થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન અહીં સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના ૨૫,૦૦૦ થી ૪૦,૦૦૦ જેટલા કોમન ક્રેન (કુંજ), મળતાવડી ટીટોડી અને ચોટીલી પેણ સ્થળાંતર કરીને આવે છે. આ ઉપરાંત લેસર ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો (હંજ), લુપ્તપ્રાય ડાલમેશિયન પેલિકન અને સારસ પણ અહીં જોવા મળે છે. વન્યજીવોમાં ચિંકારા, રણ લોમડી (Desert Fox), હેણોતરો (કેરેકલ) અને રણ બિલાડીનું પણ આ મહત્વનું આશ્રયસ્થાન છે.
વિશ્વ વેટલેન્ડ્સ દિવસ પર મોટી જાહેરાત
૦૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ 'વિશ્વ વેટલેન્ડ્સ દિવસ' પહેલા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનું રામસર નેટવર્ક ૨૦૧૪માં ૨૬ સ્થળોથી વધીને હવે ૯૮ સ્થળોએ પહોંચી ગયું છે, જે ૨૭૬ ટકાથી વધુનો વધારો દર્શાવે છે.
પર્યટન અને સ્થાનિક રોજગારી પર અસર
રામસર સાઇટનો દરજ્જો મળવાથી છારી-ઢંઢને હવે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળશે, જેનાથી કચ્છમાં ઇકો-ટૂરિઝમનો વિકાસ થશે અને સ્થાનિક સમુદાય માટે રોજગારની નવી તકો ઊભી થશે. વહીવટી તંત્ર અને વન વિભાગના વૈજ્ઞાનિક પ્રયાસોને પરિણામે આ આંતરરાષ્ટ્રીય માન્યતા શક્ય બની છે.
તાજા સમાચાર અને અપડેટ્સ માટે જોડાઓ Kutch Bulletin સાથે:
👉 Join Kutch Bulletin on WhatsApp


.jpeg)
0 ટિપ્પણીઓ