TAT-S મુખ્ય પરીક્ષા | કચ્છના ઉમેદવારો સાથે ફરી અન્યાય | સ્થાનિકે કેન્દ્ર ન ફાળવાયું | ૪૦૦થી ૬૦૦ કિમી દૂર ધક્કા ખાવા ઉમેદવારો મજબૂર

 Kutch Bulletin Desk | Kutch Student & Education Issues

Education Department's Step-motherly Treatment Towards Kutch: Candidates Outraged as No Exam Center is Allotted Again for TAT-S Main Exam

૨૦ સપ્ટેમ્બરે યોજાનારી TAT-S Mains પરીક્ષા માટે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સેન્ટર ફાળવાયા, કચ્છની બાદબાકી.

ભુજ, અંજાર, ગાંધીધામમાં સુવિધા હોવા છતાં કચ્છી ઉમેદવારોને ૪૦૦થી ૬૦૦ કિલોમીટર દૂર ધકેલાયા.

પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા હોવા છતાં નેતાઓનું અકળ મૌન, વિપક્ષ પણ નિષ્ક્રિય હોવાનો આરોપ.

Kutch Bulletin | Kutch Student & Education Issues

Kutch Bulletin - ભુજ : રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લા સાથે કરાતો ભૌગોલિક અને વહીવટી અનાદર ફરી એકવાર ખુલ્લો પડી ગયો છે. શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) - TAT-S Mains માટે કચ્છના હજારો ઉમેદવારોને આશા હતી કે આ વખતે સ્થાનિક સ્તરે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. પરંતુ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રે કચ્છી યુવાનોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ૨૦ સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ મુખ્ય પરીક્ષા માટે અમદાવાદ (પૂર્વ/પશ્ચિમ), રાજકોટ, સુરત અને વડોદરા જેવાં શહેરો પસંદ કરાયાં છે, પરંતુ રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છની સરેઆમ બાદબાકી કરી દેવામાં આવી છે.

🏫 સુવિધાસભર શહેરો હોવા છતાં સેંકડો કિલોમીટર દૂર ધકેલાતા ઉમેદવારો 

કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર અને ગાંધીધામ જેવાં અદ્યતન શહેરોમાં શૈક્ષણિક માળખું, સુસજ્જ શાળા-કોલેજો અને વિશાળ વહીવટી વ્યવસ્થા ઉપલબ્ધ છે. આમ છતાં, પરીક્ષાર્થીઓને ૪૦૦થી ૬૦૦ કિલોમીટર દૂર ધકેલવાની શિક્ષણ વિભાગની નીતિ અત્યંત સંવેદનાહીન છે. ખાસ કરીને લખપત, અબડાસા કે રાપર જેવા છેવાડાના તાલુકાઓમાંથી પરીક્ષા આપતી મહિલા ઉમેદવારો માટે આ નિર્ણય ભારે મુશ્કેલીઓ સર્જનારો છે. વાહન વ્યવહાર અને રહેવાની સુવિધા ખાતર પરિવારના એક સભ્યએ ફરજિયાત સાથે જવું પડે છે, જેના કારણે ઉમેદવારો પર માનસિક તણાવની સાથે આર્થિક બોજ પણ બમણો થઈ જાય છે.

🤐 જન પ્રતિનિધિઓની નારેબાજી અને દાવાઓ વચ્ચે વહીવટી નિષ્ફળતા 

આ સમગ્ર વિવાદમાં સૌથી શરમજનક બાબત કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની નીતિ-રીતિ છે. પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી કચ્છમાં એકચક્રી શાસન હોવા છતાં, તમામ ધારાસભ્યો, સાંસદ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નેતાઓ રાજ્ય કક્ષાએ કચ્છી યુવાનોના હક માટે એક અવાજ પણ ઉઠાવી શક્યા નથી. ચૂંટણી ટાણે "કચ્છનો વિકાસ" અને "યુવાનોને ન્યાય"ના દાવા કરનારા શાસક પક્ષના નેતાઓ શિક્ષણ વિભાગના આ અયોગ્ય નિર્ણય સામે તદ્દન લાચાર અને મોન ધારણ કરીને બેસી ગયા છે.

⚠️ વિપક્ષ પણ માત્ર કાગળ પર: યુવાનોમાં આક્રોશનો જ્વાળામુખી 

બીજી તરફ, પોતાની જાતને જનતાનો અવાજ ગણાવતા વિપક્ષી દળો પણ આ ગંભીર મુદ્દે માત્ર કાગળ પરની નિવેદનબાજી સુધી જ સીમિત રહ્યા છે. ઉમેદવારોના ભવિષ્ય સાથે થઈ રહેલા ખીલવાડ સામે મજબૂત આંદોલન ઊભું કરવામાં કે સરકારને ઘેરમાં લેવામાં વિપક્ષી નેતાઓ તદ્દન નિષ્ક્રિય સાબિત થયા છે. ૧૪ સપ્ટેમ્બરથી હોલ ટિકિટ ડાઉનલોડ થવાની છે અને ૨૦ સપ્ટેમ્બરે પરીક્ષા યોજાવાની છે. આવી સ્થિતિમાં કચ્છી ઉમેદવારો પાસે હવે દૂરના કેન્દ્રો પર ધક્કા ખાવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી, જેને લઈને કચ્છી યુવાનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ