Kutch Bulletin Desk | Gandhidham Chudva Land Demolition
Illegal construction worth over two lakh rupees belonging to Ramju, a listed bootlegger from Gandhidham, was demolished.
ગાંધીધામ તાલુકાના ચુડવા ગામની સીમમાં સાયક્લોન સેન્ટર સામે સરકારી જગ્યા પર ખડકી દેવાયેલી બે મોટી પાકી કોમર્શિયલ દુકાનો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું.૫ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા પડાણા ગામના વતની અને પ્રોહિબિશનના લિસ્ટેડ ગુનેગાર રમજુ મામદ ગંઢ વિરુદ્ધ તંત્ર દ્વારા લાલ આંખ કરીને આજે મોટી કાર્યવાહી કરાઈ.
૧૦૦ થી ૧૫૦ ચોરસ મીટર વિસ્તારમાં કરાયેલા આ ગેરકાયદેસર દબાણની વર્તમાન જંત્રી દર મુજબ અંદાજિત કિંમત ₹૨,૦૫,૦૦૦/- જેટલી થવા જાય છે.
Kutch Bulletin - ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકાના પડાણા ગામના વતની અને પ્રોહિબિશનના લિસ્ટેડ ગુનેગાર રમજુ મામદ ગંઢ વિરુદ્ધ તંત્ર દ્વારા લાલ આંખ કરીને આજે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ અલગ-અલગ પાંચ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આ માથાભારે તત્વ દ્વારા સરકારી જમીન પર કરાયેલું પાકું દબાણ વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યું છે.
ચુડવા ગામની સીમમાં ખડકી દીધી હતી કોમર્શિયલ દુકાનો
આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, નામચીન આરોપી રમજુ મામદ ગંઢ દ્વારા ગાંધીધામ તાલુકાના ચુડવા ગામની સીમમાં આવેલા સાયક્લોન સેન્ટરની સામેના ભાગે સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવવામાં આવ્યો હતો. આરોપીએ આ સ્થળે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના આશરે ૧૦૦ થી ૧૫૦ ચોરસ મીટર જેટલા સરકારી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પાકું કોમર્શિયલ બાંધકામ ખડકી દીધું હતું અને ત્યાં બે મોટી દુકાનો બનાવી લીધી હતી. જેની વર્તમાન જંત્રી દર મુજબ અંદાજિત કિંમત રૂપિયા ૨,૦૫,૦૦૦ જેટલી થવા જાય છે.
સ્થાનિક પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું
સ્થાનિક વહીવટી તંત્ર અને પૂર્વ કચ્છ પોલીસ પ્રશાસન દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવાના ભાગરૂપે આજે પાંચમી જુલાઈના રોજ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. તંત્રએ જેસીબી મશીન વડે આખું બાંધકામ જમીનદોસ્ત કરીને સરકારી જમીનને ભૂમાફિયાના કબ્જામાંથી મુક્ત કરાવી હતી.
બુટલેગર આરોપીનો ગુનાહિત ઇતિહાસ
ઉલ્લેખનીય છે કે આરોપી રમજુ ગંઢ સામે અગાઉથી જ પોલીસ ચોપડે અનેક ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૫ દરમિયાન પ્રોહિબિશન એક્ટ (દારૂબંધી) ની વિવિધ કલમો હેઠળ ચાર મોટા ગુનાઓ તેમજ લોહીલુહાણ મારામારી, ધાકધમકી અને જાહેર શાંતિનો ભંગ કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ એક ગુનો મળી કુલ ૫ ગંભીર ગુનાઓ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ માથાભારે તત્વના ગેરકાયદેસર સામ્રાજ્ય પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવતા ગાંધીધામ પંથકના ભૂ-માફિયાઓ અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ