Kutch Bulletin: મુંદ્રા શહેરમાં તારીખ ૦૯/૦૨/૨૦૨૬ના રોજ એક જ્વેલર્સની દુકાનમાં ધોળા દિવસે થયેલા લૂંટના પ્રયાસની ઘટનાએ સમગ્ર કચ્છમાં ચકચાર મચાવી હતી. આ ગંભીર ગુનાના મૂળ સુધી પહોંચવા પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ૧૪ દિવસ સુધી ચાલેલા એક અત્યંત જોખમી અને મુશ્કેલ ઓપરેશન બાદ ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
૧૪ દિવસનું ગુપ્ત ઓપરેશન અને વેશપલટો
આ કેસનો ભેદ ઉકેલવા માટે બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડા દ્વારા વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી. LCB ના PSI મહિપાલસિંહ શીણોલ અને SOG ના PI એ.ડી. પરમારના નેતૃત્વ હેઠળની ટીમોએ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. આરોપીઓ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં છુપાયા હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં ધામા નાખ્યા હતા.
પોલીસ માટે આ ઓપરેશન ઘણું પડકારજનક હતું, કારણ કે આરોપીઓ અત્યંત કુખ્યાત હતા. તપાસ દરમિયાન પોલીસ જવાનોએ પોતાની ઓળખ છુપાવવા માટે રિક્ષાચાલક, શાકભાજી વેચનાર અને ગુર્જર સમાજની વેશભૂષા ધારણ કરી હતી. સતત ૧૪ દિવસ સુધી ટીમે સુરત સહિત યુપીના આગ્રા, અલીગઢ, મથુરા, ફતેહાબાદ અને રાજસ્થાનના ધોલપુર તેમજ મધ્યપ્રદેશના ચંબલ જેવા કુખ્યાત વિસ્તારોમાં તપાસ કરી અંતે આરોપીઓને દબોચી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ
પોલીસે આ ઓપરેશન દરમિયાન જે ત્રણ આરોપીઓને ઝડપ્યા છે, તેમાં મુખ્યત્વે રાજસ્થાનના ધોલપુરનો કુખ્યાત સતીષ સોરણસિંગ શિકરવાલ, આગ્રાનો રાજેશ ઉર્ફે પટેલ (મોટુ) નરેશભાઇ ગુર્જર અને આરોપીઓને આશરો આપનાર યુસુફ ઉર્ફે ટલ્લે શરીફ ખાનનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં ધોલપુરના એસપીએ પણ પશ્ચિમ કચ્છ પોલીસને ખાસ સહકાર આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી બે દેશી કટ્ટા અને બે જીવંત રાઉન્ડ પણ જપ્ત કર્યા છે.
લૂંટનું કાવતરું અને ગુનાહિત ઇતિહાસ
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે સતીષ શિકરવાલ અને રાજેશ ગુર્જર આ લૂંટના પ્રયાસના મુખ્ય સૂત્રધારો હતા. સતીષ શિકરવાલ એક રીઢો ગુનેગાર છે, જેની સામે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સુરતમાં હત્યાના પ્રયાસ અને લૂંટ જેવા ૧૪થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ પોલીસે આ મામલે ભુજમાં કેટરીંગનું કામ કરતા એક શખ્સની પણ ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં મહત્વની કડીઓ મળી હતી.
આ સમગ્ર ઓપરેશનમાં મુંદ્રા પોલીસ સ્ટેશનના PI એસ.એમ. રાણા અને પોલીસ સ્ટાફનું સંકલન રહ્યું હતું. હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેમાં લૂંટમાં સામેલ અન્ય એક ફરાર શખ્સ વિશે પણ વિગતો મળવાની સંભાવના છે.
વધુ વાંચો:
- ક્રાઈમ અપડેટ: પૂર્વ કચ્છમાં ૨.૮૧ કરોડના દારૂ પર ફરી વળ્યું બુલડોઝર
- નખત્રાણા સમાચાર: સરકારી જમીન પરના દબાણો તોડી પડાયા - સંપૂર્ણ અહેવાલ
કચ્છના સમાચાર સીધા તમારા મોબાઈલ પર!
કચ્છની સુરક્ષા અને ક્રાઈમની પળેપળની વિગતો મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ આજે જ જોઈન કરો:
#MundraCrime #KutchPolice #LcbKutch #SogKutch #CrimeSolved #KutchBulletin #PoliceOperation #BhujNews #GujaratCrime

0 ટિપ્પણીઓ