🚨 ગાંધીધામમાં નશીલા પદાર્થો સામે પોલીસની લાલ આંખ: એમ.ડી. ડ્રગ્સ અને પોષડોડા સાથે એક શખ્સની ધરપકડ
‘SAY NO TO DRUGS’ મિશન હેઠળ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસની મોટી કાર્યવાહી
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તેમજ વેચાણ અટકાવવા માટે ‘SAY NO TO DRUGS’ મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. આ અભિયાન હેઠળ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી અને તેમની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં આવેલા રાયમા ચોક મધ્યે પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે રાયમા ચોક ખાતે રહેતા ૩૦ વર્ષીય મોહસીન હાસમભાઇ હાલેપોત્રા નામના ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અને એફ.એસ.એલ. અધિકારીના પરીક્ષણમાં આ શખ્સ પાસેથી ૮.૦૬ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, ૧૯૦ ગ્રામ પોષડોડા અને ૨૩ ગ્રામ પોષડોડાનો પાવડર મળી આવ્યો હતો. પોલીસે નશીલા પદાર્થો ઉપરાંત ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો અને મિક્સરના ડબ્બા સહિત કુલ ૯૩,૯૮૫ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
🔍 રાજસ્થાનના સાંચોરથી આવતો હતો જથ્થો
ઝડપાયેલા આરોપી મોહસીન હાલેપોત્રા વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ માદક પદાર્થનો જથ્થો રાજસ્થાનના સાંચોર ખાતેથી કોઈ અજાણ્યા શખ્સે પૂરો પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી અગાઉ જુગારધારાના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલું છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. એમ.ડી. ચૌધરી, પીએસઆઈ વી.એચ. ઝાલા અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.
.png)

0 ટિપ્પણીઓ