યુદ્ધ લાંબુ ખેંચાવાના સંકેત વચ્ચે ઊર્જા કટોકટીનો સામનો કરવા 'લોકડાઉન' માટે તૈયાર રહો!
- જાપાન, દક્ષિણ કોરિયા સહિત એશિયામાં ઈંધણનું રેશનિંગ શરૂ.
- એર ઈન્ડિયાની ૨,૫૦૦ સહિત વિશ્વમાં ૨૦,૦૦૦ થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ.
- હોર્મુઝની ખાડીની નાકાબંધીથી ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $૧૧૨ ને પાર.
Kutch Bulletin - Iran vs Israel and USA War Updates: મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર આક્રમણ કર્યા પછી તહેરાને દુનિયામાં ક્રૂડ ઓઈલનું સૌથી વધુ પરિવહન થતા સમુદ્રી માર્ગોમાંના એક હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી દીધી છે. આ વ્યૂહાત્મક માર્ગ બંધ થતા જ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૧૧૨ ડોલર સુધી પહોંચી ગયો છે.
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનનું યુદ્ધ શરૂ થયાને ૨૩ દિવસ થઈ ગયા છે. બંને પક્ષો શાંત થવાના બદલે વધુ ઉગ્ર બની રહ્યા હોવાથી ઊર્જા સંકટ ઘેરાયું છે. આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સી (IEA) એ 'શેલ્ટરિંગ ફ્રોમ ઓઈલ શોક્સ' નામે ૧૦ મુદ્દાનો પ્લાન જાહેર કરી દેશોને 'એનર્જી લોકડાઉન' જેવી કડક રણનીતિ અપનાવવા સૂચન કર્યું છે.
🛑 IEA નો ૧૦ મુદ્દાનો 'એનર્જી સેવિંગ' પ્લાન
દુનિયાની સરકારોને ક્રૂડ ઓઈલનો વપરાશ તાત્કાલિક ઘટાડવા નીચે મુજબના પગલાં લેવા ભલામણ કરાઈ છે:
- વર્ક ફ્રોમ હોમ: અઠવાડિયામાં ૩ દિવસ ઘરેથી કામ કરવું.
- સ્પીડ લિમિટ: હાઈવે પર વાહનોની સ્પીડ ૧૦ કિમી/કલાક ઘટાડવી.
- કાર-ફ્રી સન્ડે: મોટા શહેરોમાં રવિવારે વાહનો પર પ્રતિબંધ.
- ઓડ-ઈવન: ખાનગી વાહનો માટે એકાંતરે નંબર પ્લેટની સિસ્ટમ.
- પબ્લિક ટ્રાન્સપોર્ટ: ખાનગી વાહનોને બદલે બસ અને ટ્રેનનો ઉપયોગ વધારવો.
- કાર શેરિંગ: એક જ વાહનમાં વધુ લોકો મુસાફરી કરે તેવા પ્રયાસો.
- ફ્લાઈટમાં કાપ: બિનજરૂરી હવાઈ મુસાફરી અને બિઝનેસ ટ્રિપ્સ ટાળવી.
- ઇલેક્ટ્રિક રસોઈ: ગેસને બદલે ઇલેક્ટ્રિક ગેજેટ્સનો ઉપયોગ કરવો.
- ઈંધણનું રેશનિંગ: ઈંધણના વેચાણ પર મર્યાદા નક્કી કરવી.
- માલવાહક પરિવહનમાં સુધારો: ટ્રક અને ડિલિવરી વાહનોના રૂટ ઓપ્ટિમાઈઝ કરવા.
✈️ એવિએશન સેક્ટર પર મોટો ફટકો
ઈંધણના ભાવમાં અસહ્ય વધારાના કારણે એર ઈન્ડિયાએ છેલ્લા ત્રણ સપ્તાહમાં અંદાજે ૨,૫૦૦ ફ્લાઈટ્સ રદ કરી છે. કંપનીના સીઈઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું કે એરલાઈન હાલ તેના સામાન્ય શેડયૂલના માત્ર ૩૦ ટકા જ સંચાલન કરી રહી છે. વૈશ્વિક સ્તરે ૨૦,૦૦૦ થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ હોવાના અહેવાલ છે, જે ૨૯ માર્ચ સુધી લંબાઈ શકે છે.
🌏 વિશ્વના દેશોની સ્થિતિ
- જાપાન અને દક્ષિણ કોરિયા: ઈંધણનું રેશનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
- ઓસ્ટ્રેલિયા: નાગરિકો પર બિનજરૂરી પ્રવાસ કરવા પર પ્રતિબંધ લાદ્યો છે.
- અમેરિકા: પેટ્રોલમાં ભાવ ૫ ડોલરની નજીક પહોંચી ગયા છે.
- ભારત: પ્રીમિયમ પેટ્રોલ અને ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. સાદા પેટ્રોલ પર હાલ જોખમ તોળાઈ રહ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે જો આ સ્થિતિ એપ્રિલના મધ્ય સુધી ચાલુ રહેશે, તો સરકારો ઊર્જા સુરક્ષાના નામે નાગરિકો પર કડક 'લોકડાઉન' લાદી શકે છે, જેમાં મંજૂરી વિના ઘરની બહાર નીકળવા પર પણ મર્યાદા આવી શકે છે.

0 ટિપ્પણીઓ