ઓઈલ કંપનીઓને ડીઝલમાં લિટરે રૂ.36, પેટ્રોલમાં રૂ.17નું નુકસાન: માર્ચમાં અત્યાર સુધીમાં રૂ. 8,800 કરોડનું નુકસાન
• માર્ચમાં ઓઈલ કંપનીઓને અત્યાર સુધીમાં આશરે રૂ. ૮,૮૦૦ કરોડનું થયેલું નુકસાન
• ક્રૂડ ઓઈલમાં એકધારી ઊછળકૂદની અસર
અમદાવાદ : પશ્ચિમ એશિયામાં તણાવ વધતાં, ક્રૂડ ઓઈલ બજારને સૌથી મોટો ફટકો પડયો છે. સાઉદી અરેબિયા, ઇરાક અને યુએઈ જેવા મુખ્ય સપ્લાયર્સ અચાનક પાછા હટી જવાના કારણે પુરવઠામાં તીવ્ર ઘટાડો થયો છે. આમ બજારમાં અછત અને ભાવમાં વધારાને કારણે ઓઈલ કંપનીઓને ડીઝલ પર પ્રતિ લિટર રૂ.૩૬ અને પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ.૧૭નું નુકસાન થઈ રહયું છે. આજે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે.
ફેબ્રુઆરી સુધી દર અઠવાડિયે બજારમાં મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ આવી રહ્યું હતું, પરંતુ માર્ચમાં પુરવઠો લગભગ અદ્રશ્ય થઈ ગયો છે. જેના કારણે બજારમાં અછત ઊભી થવા સાથે તેના ભાવમાં વધારો થયો છે. તાજેતરમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૧૧૯ ડોલર પહોંચી ગયું હતું. આ આંચકાની સીધી અસર ભારત પર પડી છે. માર્ચના પહેલા અઠવાડિયામાં ભારતની તેલ આયાત ઘટીને ૧.૯ મિલિયન બેરલ થઈ ગઈ હતી, જે થોડા અઠવાડિયા પહેલા લગભગ ૨૫ મિલિયન બેરલ હતી. આનો અર્થ એ થયો કે પુરવઠા શૃંખલા એટલી હદે ખોરવાઈ ગઈ હતી કે ભારત જેવા મોટા આયાતકારને પણ ફટકો પડયો છે.
💰 આર્થિક ગણિત ખોરવાયું
ક્રૂડ ઓઇલના ભાવ વધતાં ભારતનું આર્થિક ગણિત બગડવા લાગ્યું છે. ફેબ્રુઆરીમાં ક્રૂડ ઓઇલનો સરેરાશ ભાવ ૬૯ ડોલર હતો, પરંતુ માર્ચમાં તે વધીને ૧૧૫ ડોલરને વટાવી ગયો હતો. આની સીધી અસર વેપાર ખાધ પર પડી છે. માત્ર એક મહિનામાં ૪ બિલિયન ડોલરથી વધુનો વધારાનો બોજ પડવાનો અંદાજ છે. દરેક ૧ ડોલરનો વધારો દર મહિને ભારતના આયાત બિલમાં આશરે ૧૬૬ મિલિયન ડોલર ઉમેરે છે.
⛽ પેટ્રોલ-ડીઝલ પર તોળાતું સંકટ
રિપોર્ટ મુજબ, પેટ્રોલ અને ડીઝલ વેચતી કંપનીઓ ભારે નુકસાન ભોગવી રહી છે. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૮,૮૦૦ કરોડનું નુકસાન થયું છે. દરરોજ રૂ. ૨,૦૦૦ કરોડથી વધુનું નુકસાન વધી રહ્યું છે. છેલ્લા ૧૫ દિવસની સરેરાશના આધારે, ડીઝલ પર પ્રતિ લિટર રૂ. ૩૬ અને પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. ૧૭.૫ના દરે નુકસાન થઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં, આ નુકસાન ડીઝલ પર પ્રતિ લિટર રૂ. ૫૫ અને પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. ૨૫ સુધી વધી શકે છે. જે જોતા ભાવ વધારો હવે લગભગ નિશ્ચિત છે.
📉 બ્રેન્ટ ક્રૂડ ૧૩૦ ડોલરને આંબશે
સિટી ગ્રુપના અહેવાલ મુજબ, ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં બ્રેન્ટ ક્રૂડનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૧૩૦ ડોલર સુધી પહોંચી શકે છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધની જ્વાળાઓથી ભારતમાં પેટ્રોલના ભાવમાં ભડકો થયો છે.
🚀 પ્રીમિયમ પેટ્રોલ અને ઔદ્યોગિક ડીઝલમાં ભાવવધારો:
દેશમાં પ્રીમિયમ એટલે કે, પાવર પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 2.30 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે. પાવર પેટ્રોલ બાદ તરત ઔદ્યોગિક વપરાશનાં ડીઝલની કિંમતમાં પણ 22 રૂપિયા જેટલો વધારો ઝીંકી દેતાં પ્રતિ લિટર 87.67માંથી 109.59 રૂપિયા ભાવ કરી દેવાયા છે. જો કે, સામાન્ય પેટ્રોલની કિંમતોમાં કોઇ વધારો કરાયો નથી.
નવા ભાવની શહેરવાર વિગત (પ્રીમિયમ પેટ્રોલ):
• દિલ્હી: 107 થી વધીને 112.30 રૂપિયા
• મુંબઇ: 115 થી વધીને 120.30 રૂપિયા
• ચેન્નાઈ: 112 થી વધીને 117.30 રૂપિયા
ઈન્ડસ્ટ્રીયલ ડીઝલનો ઉપયોગ સાધારણ વાહનોમાં થતો નથી બલકે ફેક્ટરી અને કારખાનાઓમાં વપરાય છે. તે જથ્થાબંધ વેચાતું હોય છે. ફેક્ટરી, શોપિંગ મોલ, ડેટા સેન્ટર અને મોટી ઈમારતોમાં વીજળીનાં જનરેટરમાં આ ડીઝલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જેસીબી, બુલડોઝર, માળખાગત પ્રોજેક્ટમાં વપરાતા ભારે મશીનમાં પણ ઔદ્યોગિક ડીઝલ વપરાતું હોય છે. આમ, તેની અંતિમ અસર તો સામાન્ય નાગરિકો ઉપર જ આવવાની છે.

0 ટિપ્પણીઓ