શું છે ૮ વર્ષ જૂની ઓડિયો ક્લિપનો વિવાદ?
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રશ્મિકા અને વિજયના લગ્ન પછી સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. આ ક્લિપમાં રશ્મિકાના માતા સુમન મંદાના કથિત રીતે રશ્મિકા અને તેમના પૂર્વ સહ-કલાકાર રક્ષિત શેટ્ટી વચ્ચેની સગાઈ તૂટવા પાછળના કારણો વિશે ચર્ચા કરી રહ્યા છે. રક્ષિત શેટ્ટી સાથે ૨૦૧૭માં સગાઈ કર્યાના એક વર્ષ બાદ જ બંને અલગ થઈ ગયા હતા.
ઓડિયોમાં સુમન મંદાના તે સમયની પરિસ્થિતિનું વર્ણન કરતા કહે છે કે, "તેમણે કહ્યું કે આ છોકરી વ્યવસ્થિત વિચારી રહી નથી. તેઓએ મારા ઘરે આવીને હોબાળો મચાવ્યો હતો. રક્ષિતે તે સમયે મને ટેકો આપવાને બદલે મારી સાથે દલીલો કરી હતી. તેની અંતિમ શરત એ હતી કે રશ્મિકાએ ટ્વિટ કરવું જોઈએ કે તે લગ્ન પછી અભિનય છોડી દેશે."
સુમન મંદાનાએ વધુમાં ઉમેર્યું, "મારી યુવાન પુત્રીએ કઈ ભૂલ કરી હતી? વડીલોએ ફોન શરૂ કર્યા. તેની માતાએ કહ્યું કે મારી પુત્રીની માતાએ આવવું જોઈએ અને માફી માંગવી જોઈએ. શા માટે મારે કોઈ કારણ વગર માફી માંગવી જોઈએ? મેં મારા જીવનમાં ઘણા લોકોને મદદ કરી છે... સારું થયું કે તેઓ અલગ થઈ ગયા." કેરળ કૌમુદીના રિપોર્ટ અનુસાર, તેમણે જણાવ્યું કે 'ગીતા ગોવિંદમ' મૂવીમાં રશ્મિકાના ઇન્ટિમેટ સીનને કારણે રક્ષિત સાથેના સંબંધોમાં તિરાડ પડી હતી.
રશ્મિકાની ભાવનાત્મક અને કડક પ્રતિક્રિયા
પોતાના ઈન્સ્ટાગ્રામ પર રશ્મિકાએ લખ્યું: "છેલ્લા ૮ વર્ષથી મારા વિશે ખોટી માહિતી અને સતામણીનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મારા શબ્દોને સંદર્ભમાંથી બહાર કાઢીને ખોટી વાર્તાઓ બનાવવામાં આવી છે. મેં હંમેશા ધૈર્ય જાળવ્યું છે, પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં જે થયું છે તે સહનશીલતાની બહાર છે."
તેમણે વધુમાં જણાવ્યું કે આ એક ખાનગી વાતચીત હતી જે ૮ વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે, જે કોઈ પણ સંમતિ વિના રેકોર્ડ કરીને લગ્નના માહોલમાં સહેતુક વાયરલ કરવામાં આવી છે. આ ગંભીર રીતે પ્રાઈવસીનો ભંગ છે.
કાયદાકીય કાર્યવાહીની ચેતવણી
રશ્મિકાએ મીડિયા હાઉસ, ઈન્ફલ્યુઅન્સર્સ અને વ્યક્તિગત યુઝર્સને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે જો આ કન્ટેન્ટ હટાવવામાં નહીં આવે, તો આવતીકાલથી કાયદાકીય નોટિસ પાઠવવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ પગલું તે વ્યક્તિઓની જવાબદારી નક્કી કરવા માટે છે જેઓ પોતાની વ્યૂઝ કે એન્ગેજમેન્ટ માટે કોઈના સન્માન સાથે ચેડાં કરે છે.

0 ટિપ્પણીઓ