Kutch Crime Update | LCB Action
અંજારના દેવળીયા સીમમાં LCBની ત્રાટકતી પાંખ; ગેરકાયદેસર બાયોડીઝલના મસમોટા નેટવર્કનો પર્દાફાશ
Kutch Bulletin - Crime Desk - ગાંધીધામ/અંજાર: પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર પેટ્રોલીયમ પદાર્થોના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી દેવળીયા સીમમાં 'ખોડલ ઇન્ફ્રા'ની સાઇટ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ દરોડો પાડી, પરવાના વગર ધમધમતા શંકાસ્પદ બાયોડીઝલના વેચાણ કેન્દ્રને ઝડપી પાડ્યું છે. પોલીસે આ કાર્યવાહીમાં ૮૦૦૦ લીટર જથ્થો સીલ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Sponsored Content
📍 ગુપ્ત બાતમી અને પોલીસની વ્યૂહરચના
સરહદી રેન્જ આઈ.જી. ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણને નાબૂદ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે LCB પી.આઈ. જે.એમ. વાળા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે દેવળીયા સીમમાં આવેલી 'ખોડલ ઇન્ફ્રા (કન્સ્ટ્રક્શન)'ની સાઇટ પર કન્ઝ્યુમર પંપની આડમાં ટ્રાન્સપોર્ટેશનના વાહનોમાં શંકાસ્પદ ઈંધણ ભરવામાં આવી રહ્યું છે.
🚨 દરોડા દરમિયાન થયેલી મોટી કાર્યવાહી
બાતમીની ખરાઈ કર્યા બાદ, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. ભાટીયાની ઉપસ્થિતિમાં પોલીસે સાઇટ પર રેઇડ કરી હતી. તપાસ દરમિયાન નીચે મુજબની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે:
- વિશાળ સંગ્રહ ક્ષમતા: સાઇટ પર ૪૦,૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતો મોટો ટાંકો મળી આવ્યો હતો.
- મુદ્દામાલની જપ્તી: ટાંકામાંથી ૮૦૦૦ લીટર શંકાસ્પદ બાયોડીઝલ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. ૬,૪૦,૦૦૦/- થાય છે.
- પુરાવાનો અભાવ: સ્થળ પર હાજર ઇસમ પાસે આ જથ્થાના વેચાણ કે સંગ્રહ માટેના કોઈ પણ કાયદેસરના બિલ કે આધાર પુરાવા મળી આવ્યા નહોતા.
👤 આરોપીઓની વિગત અને ધરપકડ
પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એકની શોધખોળ જારી છે:
૧. પકડાયેલ આરોપી: પંકજભાઈ રતનસિંહ ડાભી (ઉ.વ. ૩૫), રહે. દેવળીયા સીમ (મૂળ રહે. પાલનપુર).
૨. વોન્ટેડ આરોપી: જયંતીભાઈ લાલજીભાઈ હડિયા (રહે. શીણાઈ, તા. ગાંધીધામ), જે હાલ પોલીસ પકડથી દૂર છે.
કાયદેસરની કાર્યવાહી: પોલીસે શંકાસ્પદ જથ્થાના સેમ્પલ મેળવી, કન્ઝ્યુમર પંપ અને ટાંકાને સીલ કરી દીધો છે. અંજાર પોલીસ સ્ટેશનમાં આ બદલ બી.એન.એસ. કલમ ૨૮૦, ૨૮૭, ૫૪ અને ૩(૫) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વધુ વાંચો:
કચ્છના ક્રાઈમ અને બ્રેકિંગ ન્યૂઝ માટે જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ