આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ-૨૦૨૬ | ભુજ ખાતે વન વિભાગ, ગાઈડ અને બાયોડાયવર્સિટી બોર્ડના ઉપક્રમે વિશેષ ઉજવણી

Kutch Bulletin | Environment & Nature

ગુનેરી ઈનલેન્ડ મેન્ગ્રુવ સાઈટનો થશે આર્થિક વિકાસ : જૈવ વિવિધતા દિવસ પર વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલ અને તજજ્ઞોનું મોટું નિવેદન

▶ ‘સ્થાનિક સ્તરે કાર્ય – વૈશ્વિક સ્તરે પ્રભાવ’ (Acting Locally for Global Impact) થીમ સાથે વન વિભાગ અને ગાઇડ સંસ્થા દ્વારા નાગરિકોને કરાઈ જાગૃત

Bhuj International Biodiversity Day 2026 Celebration Kutch Forest Department GUIDE Guneri Kutch Bulletin News

Kutch Bulletin - ભુજ : ગુજરાત જૈવ વિવિધતા બોર્ડ-ગાંધીનગર દ્વારા કચ્છ વન વર્તુળ, ગુજરાત વન વિભાગ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઇડ)-ભુજના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા. ૨૨ મે, ૨૦૨૬ના રોજ ભુજ ખાતે 'આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬' ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ અને જૈવવિવિધતાના જતન માટે નાગરિકોમાં વ્યાપક જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી આયોજિત આ વર્ષના કાર્યક્રમનો મુખ્ય વિષય "વૈશ્વિક અસર માટે સ્થાનિક પ્રયાસ" (Acting locally for global impact) રાખવામાં આવ્યો હતો.

Sponsored Content

🌳 ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રુવ એ પ્રકૃતિની કચ્છને વિશેષ દેન: ડૉ. ધીરજ મિત્તલ

આ શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલે કચ્છમાં બાયોડાયવર્સિટી દિવસની ઉજવણી થઈ રહી છે તે વાતની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો જૈવિક સંપદાઓથી અત્યંત સમૃદ્ધ જિલ્લો છે. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ ‘ગુનેરી ઈનલેન્ડ મેન્ગ્રુવ’ એ પ્રકૃતિની કચ્છને વિશેષ દેન છે. તેઓએ નાનામાં નાના જીવની પરવા કરીને જીવસૃષ્ટિનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શ્રી મિત્તલે ઉમેર્યું કે, દુનિયામાં બાયોડાયવર્સિટીનું જતન કરવું હશે તો સ્થાનિક કક્ષાએ સંરક્ષણ પ્રયાસો થાય એ ખૂબ જ જરૂરી છે. સ્થાનિક લોકોને આજીવિકા પ્રાપ્ત થાય એવા પ્રોજેક્ટના અમલીકરણ માટે વન વિભાગ સતત પ્રયત્નશીલ છે.

Bhuj International Biodiversity Day 2026 Celebration Kutch Forest Department GUIDE Guneri Kutch Bulletin News

📜 જૈવિક વિવિધતા અધિનિયમ અને સ્થાનિક સમિતિઓની ભૂમિકા

આ પ્રસંગે ગાંધીનગર બાયોડાયવર્સિટી બોર્ડના ડી.સી.એફ. શ્રી શ્રેયસ પટેલે 'જૈવિક વિવિધતા અધિનિયમ-૨૦૦૨', બોર્ડની વિવિધ કામગીરીઓ અને એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ માળખા વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તેમણે ગ્રામજનોની બાયોડાયવર્સિટી સંરક્ષણમાં ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું કે સ્થાનિક લોકોને આર્થિક વળતર મળે તે રીતે ગુનેરી ઈનલેન્ડ મેન્ગ્રુવ સાઈટનો વિકાસ કરાશે. જ્યારે ગાઇડ સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. જયેશ ભટ્ટ દ્વારા બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી અને પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માહિતી આપી ગ્રામજનોને ખરા સંરક્ષક ગણાવ્યા હતા.

🦌 કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ આપણી સહિયારી જવાબદારી: પશ્ચિમ કચ્છ વન વિભાગના ડી.સી.એફ. શ્રી હર્ષ ઠક્કરે "જૈવવિવિધતા - માનવ જીવનનો અભિન્ન ભાગ" વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં નોંધાયેલા વન વિસ્તારો અને વન્યજીવોનું સંરક્ષણ એ આપણી સૌની સહિયારી જવાબદારી છે. કચ્છ હવે બાયોસ્ફિયર રિઝર્વ વિસ્તાર જાહેર થયો છે ત્યારે તેનું સંરક્ષણ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. તેઓએ કચ્છની વિશેષ વનસ્પતિ તેમજ વન્યજીવો વિશે સૌને વિસ્તારપૂર્વક સમજણ પુરી પાડી હતી.

🎖️ વૃક્ષ સંરક્ષકો અને ઉત્કૃષ્ટ વ્યક્તિઓનું સન્માન

કાર્યક્રમમાં ગાઇડના પ્રોજેક્ટ આસિસ્ટન્ટ શ્રી વિવેક ચૌહાણે કચ્છ જિલ્લામાં જોવા મળતી વૃક્ષોની વિવિધતા અંગે રસપ્રદ માહિતી ફોટોગ્રાફ સાથે આપી હતી, જ્યારે સરહદ ડેરીના મધમાખી પ્રોજેક્ટ હેડ શ્રી અનિલ કે. મહેતા દ્વારા મધમાખી ઉછેરના પર્યાવરણીય અને આર્થિક મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજણ પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે પર્યાવરણ અને જૈવવિવિધતા સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વિશિષ્ટ વ્યક્તિઓ તેમજ ગુનેરી બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગાઈડ સંસ્થાના ડીરેક્ટર શ્રી વી. વિજયકુમારે કચ્છના સંતુલિત વિકાસ માટે સૌને અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ સુશ્રી તૃપ્તિ ગોહેલ દ્વારા કરવામાં આવી હતી.

આ વિશેષ મહોત્સવમાં ભુજ તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિત ઠક્કર, નાબાર્ડના ડીડીએમ શ્રી નિરજકુમાર સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સંશોધકો, વિદ્યાર્થીઓ, વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં પર્યાવરણપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છના પર્યાવરણ, સરકારી વહીવટ અને જનજાગૃતિના સમાચારો માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ