ગુજરાતમાં પૂરની સ્થિતિ માટે ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર જવાબદાર | શક્તિસિંહ ગોહિલના આકરા પ્રહારો

 Kutch Bulletin Desk | Gujarat Flood & Political Controversy Updates

BJP government's corruption responsible for the severe flood situation in Gujarat: Shaktisinh Gohil's scathing attack.

સ્ટ્રોમ ડ્રેનેજ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં થોડા જ વરસાદમાં વિસ્તારો જળમગ્ન થતા પ્રજા હેરાન.

જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટ કમિટીની ભલામણો જાહેર કરવા અને તટસ્થ જ્યુડિશિયલ તપાસ પંચ નિમવા કોંગ્રેસની માંગ.

કુદરતી જળપ્રવાહ પર થયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરી પીડિતોને 'જેને જેટલું નુકસાન, તેટલું વળતર' આપવા રજૂઆત.

Kutch Bulletin Desk | Gujarat Flood & Political Controversy Updates

Kutch Bulletin - અમદાવાદ : ગુજરાતમાં હાલમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા પૂર્વ સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરી સામે સખત પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યના અનેક શહેરોમાં પ્રજા પાસેથી કરોડો રૂપિયાનો ટેક્ષ વસૂલીને સ્ટ્રોમ ડ્રેનેજ પાછળ ખર્ચવામાં આવ્યા હોવા છતાં થોડા જ વરસાદમાં વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. લોકોના ઘરો, વાહનો અને મિલકતોને મોટું નુકસાન પહોંચ્યું છે, જેના માટે સીધી રીતે સરકારનો વહીવટી ભ્રષ્ટાચાર જ જવાબદાર છે.

🌊 ગ્રામીણ વિસ્તારોની દયનીય સ્થિતિ અને સુજ્ઞાબેન ભટ્ટ કમિટીનો ઉલ્લેખ

ગ્રામીણ વિસ્તારોની સ્થિતિ વધુ દયનીય હોવાનો ઉલ્લેખ કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ચોમાસા પહેલા ગ્રામીણ રસ્તાઓ, નાળા અને પુલિયાની યોગ્ય સફાઈ અને માળખાકીય સુરક્ષાની કોઈ દરકાર લેવામાં આવી નથી. થાગડ-થીગડ કામગીરી અને ભયમુક્ત ભ્રષ્ટાચારના કારણે આજે પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. ભૂતકાળમાં સુરત પૂર સમયે રચાયેલી જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટ કમિટીના સૂચનોનો ઉલ્લેખ કરતા તેમણે માંગ કરી હતી કે સરકારે આ કમિટીની ભલામણો જાહેર કરીને તેમાંથી અત્યાર સુધીમાં કેટલું અમલીકરણ કર્યું છે તેનો હિસાબ જનતા સમક્ષ મૂકવો જોઈએ.

🏗️ ગેરકાયદે બાંધકામો અને કુદરતી જળપ્રવાહ સાથે છેડાછેડી

વધુમાં તેમણે ગેરકાયદે બાંધકામો અને કુદરતી જળપ્રવાહ સાથે થયેલી છેડાછેડી સામે પણ આકરા પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલના જણાવ્યા મુજબ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં ભાજપ સાથે જોડાયેલા બિલ્ડરોએ પાણીના કુદરતી વહેણ અને કાંસ પર મોટા મોટા બાંધકામો ઊભા કરી દીધા છે. ભાવનગરના ભાલ વિસ્તારનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ત્યાંથી પસાર થતી ત્રણ મોટી નદીઓના પ્રવાહને લક્ષમાં રાખ્યા વગર મીઠાના અગરો માટે જમીનો ફાળવી દેવાતા સમગ્ર વિસ્તાર મુશ્કેલીમાં મુકાયો છે.

⚖️ જ્યુડિશિયલ તપાસ પંચ અને યોગ્ય વળતરની માંગ

તેમણે માંગ કરી હતી કે સરકારે મોટા માથાઓ સામે કાર્યવાહી કરીને કુદરતી પ્રવાહને અવરોધતા તમામ દબાણો તાત્કાલિક દૂર કરવા જોઈએ. સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાયદા હેઠળ ભૂતકાળની કોંગ્રેસ સરકારની જેમ નાના વેપારીઓ, ખેડૂતો અને પશુપાલકોને માનવતાના ધોરણે ‘જેને જેટલું નુકસાન, તેટલું વળતર’ આપવું જોઈએ. વરસાદી પાણીના નિકાલ અને કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ માટે તટસ્થ જ્યુડિશિયલ સુપરવિઝન હેઠળ એક પંચની રચના કરવાની માંગ પણ તેમણે કરી છે.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ