Kutch Bulletin Crime Special | Bhuj Fraud Case
Fraud of lakhs in Bhuj: Businessman cheated of ₹72 lakh on the pretext of getting a house at a cheap price, case registered against two people
ભુજ બસ સ્ટેશન રોડ પાસે 'માંડવી ડબલ રોટી' ની દુકાન ધરાવતા ૭૪ વર્ષીય વયોવૃદ્ધ વેપારી તુલસીદાસ સેજપાલ બન્યા ઠગાઈનો ભોગ.
૨૫ વર્ષ જૂના પૂર્વ નોકર યુનસ અને તેના મિત્ર ઈકબાલે ભુજના વાલરામ નગરમાં મકાન અપાવવાના નામે ટુકડે-ટુકડે ₹૭૨,૦૦,૦૦૦/- પડાવ્યા.
રજીસ્ટ્રાર ઓફિસે અસલી માલિકનું નામ ખુલતાં ભાંડો ફૂટ્યો, ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા.
![]() |
| પ્રતિકાત્મક તસ્વીર |
Kutch Bulletin - ભુજ : ભુજ શહેરમાં જમીન-મકાનની લે-વેચ અને દલાલીના નામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વર્ષો જૂના પરિચિત અને તેના મિત્રએ ભેગા મળીને એક વયોવૃદ્ધ વેપારીને સસ્તામાં રહેણાંકનું મકાન અપાવવાની લાલચ આપી, કાયદેસરનો દસ્તાવેજ કરી આપવાના બહાને કુલ ₹૭૨,૦૦,૦૦૦/- (બોતેર લાખ રૂપિયા) ની માતબર રકમ પડાવી લઈ હાથ અધ્ધર કરી દીધા છે. આ અંગે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે બે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
૨૫ વર્ષ જૂની ઓળખાણનો ગેરફાયદો ઉઠાવ્યો
ફરિયાદી તુલસીદાસ ચત્રભુજ સેજપાલ (ઉં.વ. ૭૪, રહે. વિજયનગર, હોસ્પિટલ રોડ, ભુજ) છેલ્લા ૫૦ વર્ષથી ભુજમાં બસ સ્ટેશન રોડ પાસે 'માંડવી ડબલરોટી' ની દુકાન ચલાવે છે. આશરે ૨૫ વર્ષ પહેલાં તેમની દુકાને યુનસ હારૂન કાતીયાર નામનો વ્યક્તિ નોકરી કરતો હતો. બાદમાં યુનસે પોતાની બેકરી શરૂ કરી હતી અને તે જમીનની દલાલીના વ્યવસાયમાં પણ જોડાયો હતો. આ જ વ્યવસાય દરમિયાન યુનસે તેના મિત્ર ઈકબાલ સુલેમાન લોહારવાઢા સાથે ફરિયાદી તુલસીદાસની મુલાકાત કરાવી હતી.
₹૭૫ લાખનું મકાન ₹૭૦ લાખમાં આપવાની જાળ બિછાવી
માર્ચ ૨૦૨૫માં યુનસ અને ઈકબાલ બંને વેપારી તુલસીદાસ પાસે આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ભુજના વાલરામ નગર મધ્યે પ્લોટ નં-૧૧૫ માં એક રહેણાંકનું મકાન આવેલું છે જે તેમની માલિકીનું છે અને તેઓ તે ₹૭૫ લાખમાં વેચવા માંગે છે. તુલસીદાસે બજાર કિંમત કઢાવતા મકાનની કિંમત ₹૭૦ લાખ આસપાસ હોવાનું માલૂમ પડતાં તેમણે આ કિંમતે મકાન ખરીદવાની તૈયારી બતાવી હતી. આરોપીઓએ સાટા કરાર કરવાના બદલે સીધો જ દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપી વેપારીનો વિશ્વાસ જીતી લીધો હતો.
ટુકડે-ટુકડે ₹૭૨ લાખ પડાવ્યા અને ફોન બંધ કરી દીધા
મે ૨૦૨૫માં બંને આરોપીઓએ વેપારીના ઘરે જઈ દસ્તાવેજ લખવા આપી દીધો હોવાનું બહાનું કર્યું હતું અને ચેક તથા રોકડા રૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ વિશ્વાસ રાખીને એ.યુ. સ્મોલ ફાઇનાન્સ બેંકનો ₹૧૮,૫૦,૦૦૦/- નો ચેક આપ્યો હતો (જે આરોપી યુનસે પોતાના ખાતામાં વટાવી લીધો) અને ₹૫૩,૫૦,૦૦૦/- ની રોકડી રકમ ચૂકવી હતી, જેમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીના અંદાજે ₹૨,૦૦,૦૦૦/- નો પણ સમાવેશ થતો હતો. ૧૬ મે ૨૦૨૫ના રોજ આરોપી ઈકબાલે ફોન કરીને જણાવ્યું કે દસ્તાવેજનું ટોકન મળી ગયું છે, તમે રજીસ્ટ્રાર ઓફિસે પહોંચો. જો કે, વેપારી ત્યાં પહોંચ્યા ત્યારે બંને આરોપીઓએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. વેપારીએ ત્યાં જઈને દસ્તાવેજ તપાસતા ખરી હકીકત સામે આવી. દસ્તાવેજમાં વેચનાર તરીકે યુનસ કે ઈકબાલનું નહીં, પરંતુ તે મકાન પરાગ ભગલાણી અને નૂતનબેન ભગલાણીના નામે હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ શરૂઆતમાં બહાનાબાજી કરીને મામલો ટાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમય જતાં તેમણે ફોન ઉપાડવાના સાવ બંધ કરી દીધા હતા.
અસલી માલિકનો સંપર્ક થતાં ભાંડો ફૂટ્યો
જ્યારે ઘણા દિવસો સુધી દસ્તાવેજ ન થયો, ત્યારે વેપારી તુલસીદાસે મૂળ માલિક પરાગભાઈનો સંપર્ક કર્યો. પરાગભાઈએ ચોંકાવનારો ખુલાસો કર્યો કે યુનસ અને ઈકબાલ તેમની પાસે મકાન ખરીદવા આવ્યા હતા અને માત્ર ₹૫,૧૦૦/- સોદા પેટે આપ્યા હતા, ત્યારબાદ તેઓ ક્યારેય આવ્યા જ નથી અને સોદો રદ થઈ જતાં આ મકાન અન્ય વ્યક્તિને વેચી દીધું છે. આ સાંભળી વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે તેમણે બંને આરોપીઓ પાસે પોતાના રૂપિયા પાછા માંગ્યા, ત્યારે આરોપીઓએ ઉદ્ધત વર્તન કરી "હવે રૂપિયા પાછા નહીં મળે, તમારે જે થાય તે કરી લેજો" તેવી ધમકી આપી હતી.
પોલીસ કાર્યવાહી અને તપાસ
આખરે છેતરાયાનો અહેસાસ થતાં વેપારીએ ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે તુલસીદાસ સેજપાલની ફરિયાદના આધારે આરોપી (૧) યુનસ હારૂન કાતીયાર અને (૨) ઈકબાલ સુલેમાન લોહારવાઢા (બંને રહે. ભુજ) વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ ૩૧૬(૨) (વિશ્વાસઘાત), ૩૧૮(૪) (છેતરપિંડી) અને ૫૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સરોજેન રાઠોડ અને પોલીસ સબ ઇન્સપેક્ટર ભાગ્યશ્રી દિનેશભાઇ શ્રીમાળી ચલાવી રહ્યા છે.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ