Kutch Bulletin | Kutch Crime & Consumer Alert
ભારે આક્રોશ: ભુજમાં મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી, વેજ બર્ગરના ઓર્ડરમાં નોનવેજ પીરસાતા ગ્રાહકોમાં ભારે રોષ
- શાકાહારી પરિવારે મંગાવેલા પાર્સલમાંથી ચિકન બર્ગર નીકળતા ધાર્મિક લાગણી દુભાઈ
- ૫ વર્ષની માસૂમ દીકરીએ અજાણતામાં નોનવેજ બર્ગરનો કેટલોક ભાગ ખાઈ લેતા પરિવાર આઘાતમાં
- ગ્રાહક સુરક્ષા અને આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી આઉટલેટ કાયમી બંધ કરાવવાની માંગ સાથે હોબાળો
Kutch Bulletin - ભુજ : ભુજ શહેરમાં આવેલી જાણીતી આંતરરાષ્ટ્રીય ફાસ્ટ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સ (McDonald's) ના આઉટલેટ પરથી એક અત્યંત ગંભીર અને લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભuજના સ્થાનિક રહીશ જાડેજા મિતરાજસિંહ નામના ગ્રાહકે આ આઉટલેટ પરથી શુદ્ધ શાકાહારી (વેજ) ભોજનનો ઓર્ડર આપ્યો હતો અને તેનું નિયમ મુજબ બિલ પણ ચૂકવ્યું હતું. જો કે, રેસ્ટોરન્ટના સ્ટાફ દ્વારા પાર્સલ આપતી વખતે ઘોર બેદરકારી દાખવીને વેજ આઈટમને બદલે નોનવેજ બર્ગર પેક કરી દેવામાં આવ્યું હતું.
Sponsored Content
👧 ૫ વર્ષની બાળકીએ અજાણતામાં બર્ગર ખાધું, મેનેજરે સ્વીકારી ભૂલ
પાર્સલ ઘરે પહોંચ્યા બાદ આ બાબતની જાણ થતાં જ શાકાહારી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારની પાંચ વર્ષની માસૂમ દીકરીએ અજાણતામાં આ નોનવેજ બર્ગરનો કેટલોક ભાગ ખાઈ લીધો હતો, જેના કારણે પરિવારની ધાર્મિક ભાવનાઓ આહત થઈ હતી. આ ગંભીર છબરડા અંગે પીડિત ગ્રાહકો તાત્કાલિક મેકડોનાલ્ડ્સના આઉટલેટ પર પહોંચ્યા હતા અને ત્યાં હાજર સ્ટાફ તેમજ મેનેજર સમક્ષ કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. ગ્રાહકોએ જ્યારે બિલ અને રેપિંગ સાથે પુરાવા રજૂ કર્યા ત્યારે આઉટલેટના મેનેજર અને અન્ય કર્મચારીઓએ પણ પોતાની ભૂલ સ્વીકારી હતી અને સ્વીકાર્યું હતું કે વેજ ઓર્ડરની સામે ભૂલથી નોનવેજ આઈટમ અપાઈ ગઈ છે. આ ઘટનાને પગલે આઉટલેટની બહાર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
⚖️ ગ્રાહક સુરક્ષા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દ્વાર ખખડાવાશે
ભોગ બનનાર ગ્રાહકોએ ભારે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે ભુજ અને સમગ્ર કચ્છ વિસ્તારમાં ૭૦ થી ૮૦ ટકા વસ્તી જૈન અને સનાતની મહાજન સમાજની છે, જે સંપૂર્ણપણે શાકાહારી જીવનશૈલી ધરાવે છે. આવા ક્ષેત્રમાં આટલી મોટી ગ્લોબલ બ્રાન્ડ દ્વારા આ પ્રકારની ગુનાહિત બેદરકારી ચલાવી શકાય નહીં. સામાન્ય નાગરિકો કે માસૂમ બાળકો માત્ર પેકિંગ જોઈને વેજ-નોનવેજનો તફાવત પારખી શકતા નથી, જેના કારણે કોઈનું પણ વર્ષોનું વ્રત કે ધર્મ ભ્રષ્ટ થઈ શકે છે. ગ્રાહકોએ આ મામલે સ્થાનિક આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ તેમજ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જવાની સ્પષ્ટ જાહેરાત કરી છે. સ્થાનિકોમાં માંગ છે કે લોકોના સ્વાસ્થ્ય અને ધાર્મિક લાગણીઓ સાથે રમત રમનારી આ હોટેલ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરી આઉટલેટને સીલ કરવામાં આવે.
વધુ વાંચો:
કચ્છના સચોટ અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ સાથેના બ્રેકિંગ ન્યૂઝ માટે જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ