Kutch News | કચ્છમાં NEETની પુનઃ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન | ૧૫૬૩માંથી ૧૪૧૬ વિદ્યાર્થીઓ આપ્યું પેપર, વહીવટી તંત્રને હાશકારો

Kutch Bulletin | Education Update

ચુસ્ત બંદોબસ્ત: કચ્છમાં નીટની પુનઃ પરીક્ષા સજ્જડ, પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન

  • ગત ૪ મે ૨૦૨૬ના લેવાયેલી નીટ પરીક્ષા રદ્દ થયા બાદ દેશભરની સાથે કચ્છમાં પણ એક્ઝામ ફરી લેવાઈ
  • કચ્છના કુલ ૧૫૬૩ વિદ્યાર્થીઓમાંથી ૧૪૧૬ હાજર રહ્યા, જ્યારે ૧૪૭ વિદ્યાર્થીઓ પરીક્ષાથી અળગા રહ્યા
  • મેટલ ડિટેક્ટર, ફ્રિસ્કિંગ અને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ વિદ્યાર્થીઓને કેન્દ્રોમાં અપાયો પ્રવેશ

NEET Re-Exam Completed Peacefully In Kutch Kutch Bulletin

Kutch Bulletin - ભુજ : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની અતિ મહત્વની નીટ (NEET) પરીક્ષા રવિવારે કચ્છ જિલ્લામાં પણ ફરીથી યોજાઈ ગઈ. ગત ૪ મે ૨૦૨૬ના લેવામાં આવેલી નીટ પરીક્ષા રદ્દ થયા બાદ સમગ્ર દેશની સાથે કચ્છ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુનઃ પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કોઈ પણ વિદ્યાર્થીને ખોટી અગવડ કે માનસિક તણાવ ન થાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર ખાસ તકેદારી રાખવામાં આવી હતી. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.

Sponsored Content

👥 આ ઉચ્ચ અધિકારીઓને સોંપાઈ હતી નોડલ અને કો-ઓર્ડિનેટરની જવાબદારી

આ મહત્ત્વની પરીક્ષાને સફળ બનાવવા માટે ભુજ સિટીના નોડલ અધિકારી તરીકે પ્રાંત અધિકારી અનિલ જાદવ તેમજ ગાંધીધામના નોડલ અધિકારી તરીકે અંજારના પ્રાંત અધિકારી એસ. ડી. ચૌધરીએ જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત ભુજ સેન્ટરના સિટી કો-ઓર્ડિનેટર તરીકે કેન્દ્રીય વિદ્યાલય (એરફોર્સ) ના આચાર્યા સરિતાબેન શર્મા અને ગાંધીધામ ખાતે કેન્દ્રીય વિદ્યાલય (રેલ્વે) ના આચાર્ય વિનોદભાઈ મહાવરે સંકલનની મહત્વની કામગીરી સંભાળી હતી. સમગ્ર જિલ્લામાં ડૉ. અશ્વિનસિંહ વાઘેલાએ પરીક્ષાનું સુચારુ સંકલન કર્યું હતું.

NEET Re-Exam Completed Peacefully In Kutch Kutch Bulletin

🏫 કચ્છના ૪ પરીક્ષા કેન્દ્રોનું સંપૂર્ણ વિગતો સાથેનું સરકારી માળખું

કચ્છમાં ભુજ અને ગાંધીધામના બે-બે કેન્દ્રો પર સવારે ૧૧ વાગ્યાથી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તમામ કેન્દ્રો પર ડ્યૂટી મેજિસ્ટ્રેટ અને સુપરીન્ટેન્ડન્ટ ખડેપગે રહ્યા હતા:

૧. આલ્ફ્રેડ હાઇસ્કૂલ, ભુજ: અહીં ડ્યૂટી મેજિસ્ટ્રેટ તરીકે ભુજ (શહેરી) ના મામલતદાર તેજસભાઈ પટેલ તેમજ સેન્ટર સુપરીન્ટેન્ડન્ટ તરીકે પૃથ્વીરાજસિંહ ઝાલાએ ફરજ બજાવી હતી.
૨. ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કૂલ, ભુજ: અહીં ડ્યૂટી મેજિસ્ટ્રેટ તરીકે ભુજ (ગ્રામ્ય) ના મામલતદાર એમ. ડી. માળી અને સેન્ટર સુપરીન્ટેન્ડન્ટ તરીકે ભૂમિકાબેન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
૩. સરકારી હાઇસ્કૂલ ગણેશનગર, ગાંધીધામ: આ સેન્ટર પર ડ્યૂટી મેજિસ્ટ્રેટ તરીકે મામલતદાર જે. જે. સિંધી તેમજ સેન્ટર સુપરીન્ટેન્ડન્ટ તરીકે દિલીપભાઈ ગોહિલે વ્યવસ્થા સંભાળી હતી.
૪. માઉન્ટ કાર્મેલ હાઇસ્કૂલ, ગાંધીધામ: અહીં ડ્યૂટી મેજિસ્ટ્રેટ તરીકે અંજારના મામલતદાર બી. વી. ચાવડા અને સેન્ટર સુપરીન્ટેન્ડન્ટ તરીકે સિસ્ટર વિમલાએ કામગીરી સંભાળી હતી.

🛡️ મેટલ ડિટેક્ટર ચેકિંગ અને ફ્રિસ્કિંગ બાદ મળ્યો પ્રવેશ

પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા કડક વલણ અપનાવાયું હતું. પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી આપતા પહેલા વિદ્યાર્થીઓનું સઘન ફ્રિસ્કિંગ (શારીરિક તપાસ) તેમજ મેટલ ડિટેક્ટર દ્વારા કડક તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામના બાયોમેટ્રિક વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરાઈ હતી. દરેક સેન્ટર પર ઓબ્ઝર્વર અને આરોગ્ય વિભાગની મેડિકલ ટીમ પણ ખડેપગે હાજર રહી હતી. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છમાં પરીક્ષા કોઈ પણ અનિચ્છનીય ઘટના વિના અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ ગઈ છે.

કચ્છના શિક્ષણ જગત અને બ્રેકિંગ ન્યૂઝની પળેપળની અપડેટ માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ