માંડવીમાં પશ્ચિમ કચ્છ LCBનો મોટો સપાટો | દેશી તમંચા અને હથિયારોના જથ્થા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા

Kutch Bulletin Exclusive : સરહદી કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે માંડવીના ભૂકંપ નગરી વિસ્તારમાં એક મોટી અને કડક કાર્યવાહી કરીને ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક દેશી તમંચો, જીવતા કારતૂસ અને અન્ય ઘાતક હથિયારો સાથે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

માંડવીમાં પશ્ચિમ કચ્છ LCB પોલીસે પકડેલા હથિયારો અને આરોપીઓ
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ LCBની સર્જિકલ સ્ટ્રાઈક

કચ્છ બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ SP વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગુનાખોરી નાબૂદ કરવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પગલે LCBના PSI એમ.એચ. શીણોલ, ASI દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે માંડવીના ભૂકંપ નગરી વિસ્તારમાં ફિલ્મી ઢબે દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન એટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે આરોપીઓને ભાગવાનો મોકો જ ન મળ્યો.

બુખારી બંધુઓ પોલીસ સકંજામાં: કોની થઈ ધરપકડ?

પોલીસે ઘટનાસ્થળેથી બે રીઢા શખ્સોને હથિયારોના જથ્થા સાથે દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં અહેજાજ અહેમદ બુખારી (રહે. ભૂકંપ નગરી, માંડવી) અને મુશરફ અહેમદ બુખારી (રહે. ભૂકંપ નગરી, માંડવી) નો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમ રજાકમીયા બુખારીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે.

હથિયારોનો મોટો જથ્થો જપ્ત: જાણે નાનો શસ્ત્રાગાર!

દરોડા દરમિયાન પોલીસ પણ આરોપીઓના ઘરમાંથી મળી આવેલા હથિયારો જોઈને ચોંકી ઉઠી હતી. જાણે કોઈ મોટી વારદાતને અંજામ આપવાની ફિરાકમાં હોય તેમ આરોપીઓ પાસેથી ૧ ગેરકાયદેસર દેશી તમંચો, જીવતો કારતૂસ (લાઈવ કાર્ટીઝ), ૧ એરગન, ૩ તીક્ષ્ણ છરી, ૨ ધારદાર ધારીયા, ૧ કુહાડી, ૧ કરવત, લોખંડના પાઈપો અને ૨ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. હાલમાં મોબાઈલના લોકેશન અને કોલ ડિટેઈલ્સની તપાસ ચાલુ છે.

ચોંકાવનારો ખુલાસો: 'પિતા'એ આપ્યો હતો તમંચો!

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એક અત્યંત ચોંકાવનારી વિગત સામે આવી છે. પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે, જપ્ત કરાયેલો દેશી તમંચો તેમને તેમના પિતા દ્વારા આપવામાં આવ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસ હવે પિતાની ભૂમિકા અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ હથિયાર ક્યાંથી અને કયા હેતુથી લાવવામાં આવ્યું હતું.

ગુનાહિત ઈતિહાસ અને કાયદેસરની કાર્યવાહી

પકડાયેલા આરોપીઓ કોઈ સાધારણ ગુનેગાર નથી. પોલીસ રેકોર્ડ તપાસતા સામે આવ્યું છે કે આ બંને શખ્સો સામે અગાઉ પણ મારામારી, જીવલેણ હુમલા અને ધાકધમકી જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. દરોડા દરમિયાન આરોપીઓ આ હથિયારો રાખવા અંગે કોઈ પણ પ્રકારના કાયદેસરના આધાર-પુરાવા કે લાયસન્સ રજૂ કરી શક્યા ન હતા. આથી, LCB ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) અને જી.પી. એક્ટ (ગુજરાત પોલીસ એક્ટ) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


કચ્છ અને ગુજરાતના તાજા સમાચાર સીધા તમારા વોટ્સએપ પર મેળવો!

WhatsApp વોટ્સએપ ચેનલ જોઈન કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ