કચ્છમાં શાળા પ્રવેશોત્સવ કે 'ફોટો સેશન'નો ઉત્સવ ? | સરહદી વિસ્તારમાં શિક્ષકોની ભારે અછત વચ્ચે સરહદી બાળકોના ભવિષ્ય સાથે ક્રૂર મજાક

Kutch Bulletin Special Report | Education Crisis

વિશેષ અહેવાલ: સરહદી કચ્છમાં ગુરુજનોની ભારે ઘટ વચ્ચે તંત્રની ઉઘાડી આંખે ઊંઘ

  • ઝાકઝમાળ અને ઢોલ-નગારાના અવાજ પાછળ સરહદી કચ્છના સરકારી શિક્ષણનો આક્રંદ છુપાયો
  • લખપત, અબડાસા અને ભુજના સીમાવર્તી ગામડાઓમાં ભાષાની દીવાલ નડતા શિક્ષણનું નિકંદન નીકળ્યું
  • TET-TAT પાસ હજારો સ્થાનિક યુવાનો બેરોજગાર, 'જ્ઞાન સહાયક' યોજનાના નામે માત્ર ૧૧ મહિનાનું શોષણ
  • સરકાર ‘ગુરુજનોનો પ્રવેશોત્સવ’ ક્યારે ઉજવશે? : જાગૃત કચ્છીઓનો વેધક સવાલ

Kutch Shala Praveshotsav Government School Teachers Shortage Kutch Bulletin
પ્રતિકાત્મક તસ્વીર 

Kutch Bulletin - ભુજ : સમગ્ર ગુજરાત રાજ્યની સાથે આજથી સરહદી અને વિસ્તારની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં પણ ત્રણ દિવસીય ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’નો ધામધૂમથી પ્રારંભ થઈ ચૂક્યો છે. સરકારી આદેશો છૂટ્યા છે, શાળાઓને તોરણોથી શણગારવામાં આવી છે, અને કુંકુમ તિલક કરીને ભૂલકાઓને શાળાના ઉંબરે આવકારવામાં આવી રહ્યા છે. પરંતુ, આ ઝાકઝમાળ અને ઢોલ-નગારાના અવાજ પાછળ કચ્છના સરકારી શિક્ષણનો આક્રંદ છુપાયેલો છે. ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ એસી ગાડીઓ દોડાવીને કચ્છના ખૂણે-ખૂણે અને છેવાડાના અંતરિયાળ ગામો સુધી પહોંચી રહ્યા છે. જાગૃત નાગરિકો અને વાલીઓ આ સમગ્ર આયોજન સામે ભારે રોષ સાથે સવાલ ઉઠાવી રહ્યા છે કે, આ ખરેખર બાળકોના ભવિષ્યને સુધારવાનો ઉત્સવ છે કે પછી નેતાઓ અને અધિકારીઓ માટે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું અને સોશિયલ મીડિયા પર ફોટો સેશન કરવાનું એક માત્ર માધ્યમ?

 વાસ્તવિકતાથી જોજનો દૂર નેતાઓના ભાષણો અને સરકારી ગુણગાન

આજથી શરૂ થયેલા ત્રણ દિવસના આ મહોત્સવમાં મંત્રીઓ, ધારાસભ્યો અને સનદી અધિકારીઓ ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં જઈને રાજ્ય સરકારની શિક્ષણ નીતિના મોટા-મોટા ગુણગાન ગાઈ રહ્યા છે. સરકારી મંચ પરથી વિકાસના દાવાઓની હેલી અવિરત વરસી રહી છે. પરંતુ જમીની હકીકત એ છે કે કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણની હાલત અત્યંત દયનીય અને ચિંતાજનક છે.

કચ્છની સરકારી શાળાઓમાં શિક્ષકોની કાયમી અને મોટી ઘટ એ એક એવો સડો છે જેને સરકારી તંત્ર વર્ષોથી છાવરી રહ્યું છે. પ્રવેશોત્સવના નામે દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ જેમના ભરોસે શિક્ષણનો આખો ચણતર ઊભો છે, તે ગુરુજનો જ શાળાઓમાંથી ગાયબ છે. આવામાં માત્ર પ્રવેશોત્સવ ઉજવી દેવાથી શિક્ષણનું સ્તર કેવી રીતે સુધરશે, તે સૌથી મોટો સવાલ છે.

કચ્છ માત્ર ‘નિમણૂકનું કેન્દ્ર’: વતનની વાટ પકડતા બિન-કચ્છી શિક્ષકો

કચ્છ જિલ્લામાં બહારથી આવતા શિક્ષકો માટે શિક્ષણ વિભાગની નીતિ એક મજાક સમાન બની ગઈ છે. અન્ય જિલ્લાના લાયકાત ધરાવતા શિક્ષકો માટે કચ્છ જિલ્લો માત્ર સરકારી નોકરીમાં પ્રવેશ મેળવવાનું એક સાધન કે ‘લોન્ચિંગ પેડ’ બની ગયો છે.

 * તાલીમી ગાળો અને બદલી: બહારના જિલ્લાના શિક્ષકો અહીં નિમણૂક મેળવીને થોડો સમય સરહદી વિસ્તારોમાં નોકરી કરે છે અને જેવો મોકો મળે કે તુરંત ‘જિલ્લા ફેર બદલી’ કરાવીને પોતાના વતનની વાટ પકડી લે છે.

 * ઠેરની ઠેર સમસ્યા: આ આખી પ્રક્રિયાના કારણે કચ્છમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ક્યારેય ભરાતી જ નથી અને શિક્ષકોની ઘટની ક્રોનિક સમસ્યા ઠેરની ઠેર જ રહે છે.

 * ભોગ બનતું બાળપણ: આ સરકારી ઉદાસીનતા અને શિક્ષકોની પલાયન વૃત્તિનો સીધો ભોગ કચ્છના ગરીબ, પછાત અને શ્રમિક વર્ગના માસૂમ બાળકો બની રહ્યા છે.

ભાષાની દીવાલ: સરહદી વિસ્તારોમાં 'બોલી' ન સમજાતા શિક્ષણનો ઉડ્યો છેદ 

કચ્છના સરહદી અને છેવાડાના તાલુકાઓ જેવા કે લખપત, અબડાસા અને ભુજના સીમાવર્તી ગામડાઓમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે. બહારથી આવતા બિન-કચ્છી શિક્ષકો અને સ્થાનિક બાળકો વચ્ચે ભાષાકીય તાલમેલનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે.

 કડવી વાસ્તવિકતા: લખપત અને અબડાસાના છેવાડાના ગામોના બાળકો ઘરે કે મોહલ્લામાં માત્ર અને માત્ર સ્થાનિક કચ્છી બોલી જ બોલે છે. તેઓ શુદ્ધ ગુજરાતી ભાષા સમજી શકતા નથી. બીજી તરફ, બહારથી આવેલા શિક્ષકો કચ્છી બોલીથી તદ્દન અજાણ હોય છે. પરિણામે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કોઈ સીધો સંવાદ કે ભાવાત્મક સંબંધ સ્થાપિત થઈ શકતો નથી.

આ ભાષાકીય ખાઈનું અત્યંત આઘાતજનક અને કડવું પરિણામ એ આવ્યું છે કે, આજે કચ્છના સરહદી વિસ્તારોમાં સાત-સાત ધોરણ પાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને પોતાનું નામ પણ સરખું લખતા આવડતું નથી! અક્ષરજ્ઞાનના નામે અહીં મીંડું સાબિત થઈ રહ્યું છે.

 ‘ફરજિયાત પાસ’ના નિયમે શિક્ષણની ગુણવત્તાનું નિકંદન કાઢ્યું

શિક્ષણની આ પડતી પાછળ રાજ્ય સરકારની ‘બધાને ફરજિયાત પાસ’ કરવાની નીતિ પણ એટલી જ જવાબદાર છે. પ્રાથમિક વિભાગમાં કોઈપણ બાળકને નાપાસ ન કરવાના સરકારી નિયમને કારણે શાળાઓ અને શિક્ષકો જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છે. બાળક વર્ગખંડમાં કંઈ શીખે છે કે નહીં, તેને અક્ષરજ્ઞાન કે ગણિતનું પ્રાથમિક જ્ઞાન મળે છે કે નહીં, તેનું કોઈ મૂલ્યાંકન જ થતું નથી. બસ, કાગળ પર સંખ્યા બતાવીને તેમને આગળના ધોરણમાં ધકેલી દેવામાં આવે છે.

દેશના એક જાણીતા પ્રખર વિચારક અને પ્રજ્ઞાચક્ષુ મહાનુભાવે શિક્ષણ વ્યવસ્થા પર કટાક્ષ કરતા બહુ સચોટ કહ્યું હતું કે, "આપણી એજ્યુકેશન સિસ્ટમમાં માત્ર બે જ વસ્તુનો અભાવ છે - એક 'એજ્યુકેશન' (શિક્ષણ) અને બીજું 'સિસ્ટમ' (વ્યવસ્થા)." સરહદી કચ્છ જિલ્લાની વર્તમાન શાળાઓની સ્થિતિ જોતાં આ વિધાન અક્ષરશઃ સાચું અને બંધબેસતું સાબિત થાય છે.

બેરોજગારીનો આક્રોશ: TET-TAT પાસ ઉમેદવારો લાચાર, ‘જ્ઞાન સહાયક’ના નામે શોષણ

એક તરફ કચ્છની શાળાઓ શિક્ષકો વિના સુની પડી છે, તો બીજી તરફ કચ્છના જ હજારો સ્થાનિક યુવાનો TET (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) અને TAT (ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ) જેવી કઠિન પરીક્ષાઓ પાસ કરીને સરકારી ભરતીની રાહ જોઈને બેઠા છે. વારંવારની રજૂઆતો છતાં સરકાર કાયમી ભરતી કરતી નથી.

 * ખાસ ભરતીનો ફિયાસ્કો: રાજ્ય સરકારે ભૂતકાળમાં કચ્છ જિલ્લા માટે 'ખાસ શિક્ષક ભરતી'ની જાહેરાત કરી મોટી-મોટી વાહવાહ લૂંટી હતી, પરંતુ અંતે એ આખી યોજના માત્ર કાગળ પર રહી ગઈ અને તેનો ઘોર ફિયાસ્કો થયો.

 * મજબૂરીમાં ખાનગી નોકરીઓ: યોગ્ય લાયકાત અને ઉચ્ચ ડિગ્રી ધરાવતા કચ્છના સ્થાનિક ઉમેદવારો આખરે થાકી-હારીને પોતાનું ગુજરાન ચલાવવા માટે ખાનગી ફાઈનાન્સ કંપનીઓ, મોલ કે બેન્કિંગ સેક્ટરમાં નજીવા પગારે મજબૂરીમાં નોકરીઓ કરવા મજબૂર બન્યા છે.

 * જ્ઞાન સહાયકના નામે શોષણ: કાયમી ભરતી કરવાના બદલે સરકાર દ્વારા ૧૧ મહિનાના કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ યોજના લાવીને શિક્ષકોની કામચલાઉ ભરતી કરવામાં આવી રહી છે. આ નીતિ લાયકાત ધરાવતા યુવાનોના ભવિષ્ય સાથે ક્રૂર મજાક અને શિક્ષણનું આર્થિક તથા માનસિક શોષણ જ છે.

જાગૃત કચ્છીઓનો વેધક સવાલ: સરકાર ‘ગુરુજનોનો પ્રવેશોત્સવ’ ક્યારે ઉજવશે?

કચ્છમાં શિક્ષણની આ કથળેલી સ્થિતિ વચ્ચે શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ વહીવટી તંત્રની ઉદાસીનતા અને ક્રૂરતા પર મીઠું ભભરાવવા સમાન છે. આજે સમયની માંગ એ છે કે કચ્છ જિલ્લામાં બાળકોના ‘શાળા પ્રવેશોત્સવ’ના તહેવારો અને નાટકો કરવાના બદલે, શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી શિક્ષકો મૂકીને ‘ગુરૂજનોનો પ્રવેશોત્સવ’ ઉજવવામાં આવે.

કચ્છના જાગૃત નાગરિકો, બુદ્ધિજીવીઓ અને ચિંતિત વાલીઓ આજે એક થઈને ગાંધીનગર બેઠેલી સરકારને અને સ્થાનિક વહીવટી તંત્રને રોષે ભરાઈને એક જ વેધક સવાલ પૂછી રહ્યા છે: "અમારા બાળકોને શાળાના પગથિયાં ચડાવનારા નેતાઓ, એ શાળાઓમાં જ્ઞાનના દીવડા પ્રગટાવનારા કાયમી ગુરુજનો ક્યારે આપશે?" શું સરકાર આ બાબતે કોઈ નક્કર પગલાં ભરીને સરહદી કચ્છના બાળકોના ભવિષ્યને અંધકારમાંથી ઉગારશે ખરી?

"આપણી એજ્યુકેશન સિસ્ટમમાં માત્ર બે જ વસ્તુનો અભાવ છે - એક 'એજ્યુકેશન' (શિક્ષણ) અને બીજું 'સિસ્ટમ' (વ્યવસ્થા)."

આજે સમયની માંગ એ છે કે કચ્છ જિલ્લામાં બાળકોના ‘શાળા પ્રવેશોત્સવ’ના નાટકો કરવાના બદલે, શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી શિક્ષકો મૂકીને ‘ગુરૂજનોનો પ્રવેશોત્સવ’ ઉજવવામાં આવે. કચ્છના જાગૃત નાગરિકો અને ચિંતિત વાલીઓ આજે એક થઈને ગાંધીનગર બેઠેલી સરકારને પૂછી રહ્યા છે કે, "અમારા બાળકોને શાળાના પગથિયાં ચડાવનારા નેતાઓ, એ શાળાઓમાં જ્ઞાનના દીવડા પ્રગટાવનારા કાયમી ગુરુજનો ક્યારે આપશે?"

કચ્છના શૈક્ષણિક પ્રશ્નો અને સચોટ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ