Kutch Bulletin, ભુજ: કચ્છમાં સાયબર માફિયાઓનો આતંક સતત વધી રહ્યો છે. ભુજ શહેરમાં એક ૬૦ વર્ષીય નિવૃત્ત મહિલાને છેલ્લા બે મહિનાથી ડિજિટલ એરેસ્ટમાં રાખી તેમની પાસેથી ટુકડે-ટુકડે ૮૩.૪૪ લાખ રૂપિયા પડાવી લેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જોકે, ભુજ સાયબર પોલીસે સમયસર દરમિયાનગીરી કરીને વૃદ્ધાને આ ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે.
ટ્રાઈ અને સીબીઆઈના નામે ડરાવ્યા
ભુજના કોડકી રોડ પર રહેતા રાજલક્ષ્મી જોશીને ૨૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ ઠગોએ ફોન કર્યો હતો. ઠગોએ પોતાની ઓળખ 'ટ્રાઈ' (TRAI) ના અધિકારી તરીકે આપી જણાવ્યું હતું કે તેમનું સિમ કાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં વપરાયેલું છે. ત્યારબાદ વિડીયો કોલ પર પોલીસ યુનિફોર્મ પહેરેલા ઠગોએ સીબીઆઈ ચીફ અને જજ હોવાનો સ્વાંગ રચી વૃદ્ધાને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
બે મહિના સુધી હોમ એરેસ્ટ અને ૮૩ લાખની લૂંટ
આરોપીઓએ વૃદ્ધાને એટલી હદે ડરાવ્યા હતા કે તેમને સતત વિડીયો કોલ ચાલુ રાખવાની ફરજ પાડી હતી. વૃદ્ધા જ્યારે બેંકમાં નાણાં ઉપાડવા જાય ત્યારે પણ આરોપીઓ વિડીયો કોલથી નજર રાખતા હતા. કેસના સેટલમેન્ટના નામે ઠગોએ નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન કુલ ૮૩,૪૪,૦૦૦ રૂપિયા અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
સાયબર પોલીસની સતર્કતાથી છુટકારો
પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસને આ ઘટનાની જાણ થતાં ટીમ તુરંત મહિલાના ઘરે પહોંચી હતી અને તેમને આ નકલી ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા. છેલ્લા ૨૬ દિવસમાં પશ્ચિમ કચ્છમાં સાયબર ક્રાઈમની આ ચોથી ફરિયાદ છે, જે ચિંતાનો વિષય છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સાવધાન: કોઈપણ અધિકારી તમને વિડીયો કોલ પર 'એરેસ્ટ' ન કરી શકે. આવા કૉલ્સ આવે તો તુરંત ૧૯૩૦ પર સંપર્ક કરો.
કચ્છના સાચા અને સચોટ સમાચાર મેળવવા માટે આજે જ જોડાવો.
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ