ભુજના ધ્રંગ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત | બે બાઈક સામસામી ટકરાતા પિતા-પુત્ર સહિત ૩ ના કરૂણ મોત

Kutch Bulletin: કચ્છના ભુજ તાલુકાના ધ્રંગ પાસે આજે એક અત્યંત કરૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જતી બે મોટરસાયકલ સામસામી ટકરાતા ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે, જેના કારણે શિવરાત્રીના મેળાના માહોલ વચ્ચે શોકનું મોજું ફરી વળ્યું છે.

Accidental scene near Dhrang Bhuj where three people lost their lives in a bike collision.


પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત

મળતી વિગતો મુજબ, ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતો ગોવિંદ કાળુભાઈ ડામોર તેના પાંચેક વર્ષના પુત્ર અને અન્ય એક વ્યક્તિ સાથે ટ્રીપલ સવારી બાઈક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન ધ્રંગ નજીક સામેથી આવતી અન્ય એક બાઈક સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગોવિંદ ડામોર અને તેના પાંચ વર્ષના માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ત્રીજા મૃતકની ઓળખ મેળવવા તપાસ ચાલુ

આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગોવિંદ અને તેના પુત્ર સિવાય મૃત્યુ પામેલા ત્રીજા શખ્સની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, પોલીસ તેની ઓળખ મેળવવાના પ્રયાસો કરી રહી છે. જ્યારે અકસ્માતમાં ઘવાયેલા અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસ કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રી નિમિત્તે ધ્રંગમાં દર વર્ષે ભવ્ય લોકમેળો યોજાય છે, જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધુ હોય છે. બનાવની જાણ થતા જ માધાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડાભી અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.


વધુ વાંચો:


કચ્છની પળેપળની અપડેટ અને સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ