Kutch Bulletin: અંજાર તાલુકાના વરસાણા ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે એક મોટી કાર્યવાહી કરીને ૨ કરોડથી વધુની કિંમતનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. હોટલના પાર્કિંગમાં રેઢી પડેલી ટ્રકમાંથી મળેલો આ જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઓપરેશન બાદ સ્થાનિક પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ છે.
ચોખાની બોરીઓ નીચે છુપાવ્યો હતો શરાબ
વરસાણા ઓવરબ્રિજ પાસે આવેલી આશાપુરા હોટલના પાર્કિંગમાં એક રાજસ્થાન પાસિંગની ટ્રક (RJ 17 GB 1477) શંકાસ્પદ હાલતમાં પડી હોવાની બાતમી SMC ને મળી હતી. પોલીસે જ્યારે ટ્રકની તપાસ કરી ત્યારે ઉપરના ભાગે ચોખાની બોરીઓ ભરેલી હતી, પરંતુ બોરીઓ હટાવતા જ નીચેથી વિદેશી દારૂની પેટીઓનો ખજાનો નીકળ્યો હતો. ટ્રકમાંથી નાની-મોટી કુલ ૩૦,૦૪૫ બોટલો મળી આવી છે, જેની બજાર કિંમત અંદાજે ₹૨,૦૬,૭૨,૦૦૦ જેટલી થાય છે.
બુટલેગરોની નવી તરકીબ: બેચ નંબર ચેકી નાખ્યા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરોએ પકડાઈ જવાની બીકે દારૂની બોટલો પરથી બેચ નંબર અને અન્ય લખાણો ચેકી નાખ્યા હતા, જેથી આ માલ ક્યાંથી આવ્યો છે તેની માહિતી મળી ન શકે. ટ્રકમાંથી બારગઢથી ગાંધીધામની બિલ્ટી અને અન્ય કાગળો પણ મળી આવ્યા છે. હોટલ સંચાલકના જણાવ્યા મુજબ આ ટ્રક ૧૪ ફેબ્રુઆરીની સવારથી ત્યાં રેઢી પડી હતી.
સ્થાનિક પોલીસમાં ફફડાટ
ગાંધીધામ-ભચાઉ હાઈવે પર થયેલી આટલી મોટી કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ૨ કરોડનો દારૂ સ્થાનિક પોલીસની નજરમાં કેમ ન આવ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ કેસમાં કોની સામે પગલાં લેવાશે તેના પર સૌની નજર છે. હાલમાં અંજાર પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનાર બુટલેગરો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ વાંચો:
કચ્છની આવી જ સનસનાટીપૂર્ણ ખબરો માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp


0 ટિપ્પણીઓ