Kutch Bulletin: આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઘૃણાસ્પદ દુરુપયોગ કરીને એક કચ્છી યુવતીના લગ્ન તોડાવવાનો અને તેને બદનામ કરવાનું ખતરનાક ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહારાષ્ટ્રના નાલાસોપારામાં રહેતી ૨૩ વર્ષીય કચ્છી યુવતીના લગ્નના ઠીક પહેલા જ આ ઘટના બની છે.
AI નો દુરુપયોગ કરી ફોટા એડિટ કરી વાયરલ કરાયા
મળતી માહિતી મુજબ, આગામી ૨૨ ફેબ્રુઆરીએ લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહેલી આ કચ્છી યુવતીના ભૂતપૂર્વ મિત્ર સાથેના કેટલાક જૂના ફોટા મેળવી, કોઈ અજ્ઞાત શખ્સે તેને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી એડિટ કરી અશ્લીલ સ્વરૂપમાં ફેરવી નાખ્યા હતા. ત્યારબાદ આ વાંધાજનક તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને વાયરલ કરવામાં આવી હતી, જેથી યુવતીને બદનામ કરી તેના લગ્ન તોડાવી શકાય.
મંગેતરના અતૂટ વિશ્વાસને કારણે મોટી દુર્ઘટના ટળી
આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આ એડિટ કરેલી તસવીરો યુવતીના મંગેતર સુધી પહોંચી. મંગેતરે તુરંત યુવતીનો સંપર્ક સાધી સ્પષ્ટતા કરતા, યુવતીએ જણાવ્યું કે આ તમામ તસવીરો બનાવટી છે અને તેને બદનામ કરવા માટે મોર્ફ કરવામાં આવી છે. સદભાગ્યે, યુવતીના મંગેતરને તેના પર સંપૂર્ણ વિશ્વાસ હોવાથી આ કાવતરાખોરો પોતાના મકસદમાં સફળ થયા નથી અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ.
સાયબર ક્રાઈમ ટીમ સક્રિય, આરોપીને પકડવા ચક્રો ગતિમાન
પીડિત યુવતીએ આ મામલે નાલાસોપારા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસની સાયબર ટીમને તપાસમાં જોડી છે. જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ફોટા વાયરલ થયા છે, તેના આઈપી એડ્રેસ મેળવીને આરોપીનું પગેરું દબાવવામાં આવી રહ્યું છે. પોલીસે ખાતરી આપી છે કે ટેકનોલોજીનો દુરુપયોગ કરીને એક યુવતીના જીવન સાથે ચેડા કરનાર ગુનેગારને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વધુ વાંચો:
- ગાંધીધામ-પુરી એક્સપ્રેસમાંથી ₹10.48 લાખનો ગાંજો ઝડપાયો
- રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવનો કચ્છ પ્રવાસ
- આજનું રાશિફળ: ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬
સાયબર ક્રાઈમ અને કચ્છના તમામ સમાચારો માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ