Kutch Bulletin : આજરોજ કચ્છના ભુજોડી ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે અંજાર વિધાનસભા ક્ષેત્રના રૂ. ૩ કરોડના ખર્ચે વિવિધ ૪ રસ્તાના વિકાસ કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
કચ્છી હસ્તકલા અને ભુજોડીનું આંતરરાષ્ટ્રીય ગૌરવ
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, હસ્તકલા અને વણાટ કામના કારણે ભુજોડીને દુનિયાના તમામ લોકો જાણતા થયા છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભુજોડી કચ્છ અને ગુજરાતનું ગૌરવ છે. ગામના વિકાસનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે, તેઓએ હસ્તકલાને પારખીને દેશ અને દુનિયામાં ઉજાગર કરી છે જેના કારણે દેશના લાખો કારીગરોને લાભ પ્રાપ્ત થયો છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સાંપ્રત સમયમાં દુનિયામાં ભારતને જે ગૌરવભેર સ્થાન મળ્યું છે તેનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. વિકસિત ભારતની નેમ સાથે હજુ પણ લોકલક્ષી વિકાસના કાર્યો કરવાની તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વણાટ કામના કેન્દ્રને મળ્યું નવું બળ: સાંસદ વિનોદભાઈ ચાવડા
કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રોડ અને રસ્તાના વિકાસ માટે કટિબદ્ધ છે. ગુજરાતના મુખ્યમંત્રી પદે જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ સ્થાન મેળવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી હસ્તકલાના ક્ષેત્રે ખાસ કરીને કચ્છમાં ભુજોડીને સૌથી વધુ લાભ પ્રાપ્ત થયો છે. કચ્છમાં આવતા મહેમાનોના સ્વાગત માટે કચ્છી શાલની પરંપરા વડાપ્રધાનશ્રીએ શરૂ કરી હતી, જેનો સૌથી વધુ ફાયદો સ્થાનિક કારીગરોને થયો છે.
કયા ૪ રસ્તાઓનું થશે કામ?
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નીચે મુજબના રસ્તાઓના રિસર્ફેશીંગ કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું:
- ભૂજોડી એપ્રોચ રોડ: રૂ. 86.13 લાખના ખર્ચે
- લેર એપ્રોચ રોડ: રૂ. 33.46 લાખના ખર્ચે
- પૈયા એપ્રોચ રોડ: રૂ. 83.22 લાખના ખર્ચે
- નાના બંદરા - મોટા બંદરા રોડ: રૂ. 95.89 લાખના ખર્ચે
આજના આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ જાટીયા, પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા, એપીએમસી ચેરમેન શંભુભાઈ જરૂ, ભુજોડી સરપંચ શિવજીભાઈ મંગરિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વાંચો:
#Bhujodi #KutchDevelopment #TrikumbhaiChhanga #VinodChavda #KutchNews #RoadProject #GujaratDevelopment #KutchBulletin #Handicraft


0 ટિપ્પણીઓ