Kutch Bulletin | Railway Infrastructure Update
ભુજ સ્ટેશન બનશે એરપોર્ટ જેવું આધુનિક : કામ અંતિમ તબક્કામાં, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં નવી ટ્રેનો માટે ચર્ચા
▶ મુન્દ્રા પોર્ટથી લઈને ભુજ-નલિયા-વાયરો રેલખંડ સુધી વ્યાપક નિરીક્ષણ, એરપોર્ટ જેવું બની રહેલું ભુજ સ્ટેશન નવનિર્માણના અંતિમ તબક્કામાં
Kutch Bulletin - ગાંધીધામ/ભુજ : કચ્છ જિલ્લામાં રેલવેના માળખાકીય વિકાસ અને પરિવહનને વધુ વેગ આપવા માટે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (GM) શ્રી રામાશ્રય પાંડેએ ૨૨ અને ૨૩ મે, ૨૦૨૬ના રોજ કચ્છ ક્ષેત્રનો વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેમણે રેલવેની વિવિધ પરિયોજનાઓ, અધોસંરચના વિકાસ કાર્યો તથા ભાવી યોજનાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે ગાંધીધામ-મુન્દ્રા પોર્ટ સેક્શનનું નિરીક્ષણ યાન દ્વારા તેમજ ભુજ-નલિયા-વાયરો રેલખંડનું ગહન નિરીક્ષણ કર્યું હતું.
Sponsored Content
🚢 મુન્દ્રા પોર્ટ ખાતે અદાણી પોર્ટ્સના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ બેઠક
પોતાના પ્રવાસના પ્રથમ દિવસે મહાપ્રબંધકે ગાંધીધામ વિસ્તારમાં ચાલી રહેલા રેલવે પ્રોજેક્ટ્સની પ્રગતિ તપાસી હતી. મુન્દ્રા પોર્ટની મુલાકાત દરમિયાન તેમણે APSEZ ના સીઈઓ સુજલ શાહ સાથે ટ્રેન કનેક્ટિવિટી અને સંચાલન સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પોર્ટના મોડલ રૂમમાં APSEZ ના સીઓઓ મનોજ કતર દ્વારા મુન્દ્રા પોર્ટના વિકાસ અને છેલ્લા ૧૩ વર્ષની રેકોર્ડબ્રેક સિદ્ધિઓની વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ઉપરાંત બોટ દ્વારા રો-રો ટર્મિનલનું પણ અવલોકન કરાયું હતું.
🏗️ ભુજ-આદિપુર ડબલ ટ્રેકનો સર્વે અને ભુજ સ્ટેશનનું આધુનિકીકરણ
ભુજ-દિલ્હી દૈનિક ટ્રેનના શુભારંભ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતા જીએમ શ્રી પાંડેએ જણાવ્યું કે, કચ્છમાં રેલવે સુવિધાઓ માટે આગામી વર્ષો ખૂબ મહત્વના છે. ભુજ-આદિપુર વચ્ચે ડબલ રેલવે ટ્રેક માટે સર્વેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે પૂર્ણ થતાં જ પરિવહન અત્યંત ઝડપી બનશે. વળી, અમદાવાદ મંડળના ડીઆરએમ વેદ પ્રકાશે માહિતી આપી કે ભુજ રેલવે સ્ટેશનનું પુનર્વિકાસ એરપોર્ટ જેવી લક્ઝુરિયસ સુવિધાઓ સાથે કરાઈ રહ્યું છે, જેનું કામ હવે અંતિમ તબક્કામાં છે. આ સિવાય ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનોના આધુનિકીકરણનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે.
💼 ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેઠક અને ઉદ્યોગ જગતની માંગણીઓ
ગાંધીધામ ખાતે ઉદ્યોગપતિઓ અને વેપારી સંગઠનો સાથે આયોજિત બેઠકમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓએ વેપારીઓની સમસ્યાઓ સાંભળી હતી. ચેરમેન અને ચેમ્બર ઓફ કચ્છના પ્રતિનિધિઓ દ્વારા નીચે મુજબના મહત્વના મુદ્દાઓ અને નવી ટ્રેનોની માંગણી રજૂ કરવામાં આવી હતી:
- માંડવી શહેરને બ્રોડગેજ રેલવે નેટવર્ક સાથે સીધું જોડવામાં આવે.
- કચ્છ માટે પૂર્વ સ્વીકૃત રેલવે કોચ ફેક્ટરી વહેલી તકે શરૂ કરાય.
- નમો ભારત રેપિડ ટ્રેન ને સિંગલને બદલે ડબલ રેક સાથે ચલાવવામાં આવે.
- લાંબા સમયથી પડતર એવી ભુજ-હરિદ્વાર, ભુજ-વારાણસી, ભુજ-ભાગલપુર અને ભુજ-અમૃતસર ટ્રેનોને પ્રથમ અગ્રતા આપવામાં આવે.
- DP વર્લ્ડ દ્વારા જૂન ૨૦૨૭ સુધીમાં પ્રસ્તાવિત મેગા કન્ટેનર ટર્મિનલને ધ્યાને રાખીને વધારાની રેલવે લાઈનોનું આયોજન થાય.
🛤️ ભુજ-નલિયા-વાયરો રેલખંડની સમીક્ષા
પ્રવાસના બીજા દિવસે ૨૩ મેના રોજ મહાપ્રબંધકે ભુજ-નલિયા-વાયરો રેલખંડની મુલાકાત લીધી હતી. તેમણે ભુજ-નલિયા સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કરવાની સાથે નલિયા સ્ટેશન તેમજ નલિયાથી વાયરો સુધી લંબાઈ રહેલી નવી રેલવે લાઇન પરિયોજનાના બાંધકામની પ્રગતિની સમીક્ષા કરી એન્જિનિયરોને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. રેલવેના આ આધુનિકીકરણથી કચ્છના સામાજિક અને આર્થિક વિકાસને અભૂતપૂર્વ બૂસ્ટ મળશે.
વધુ વાંચો:
કચ્છના રેલવે પ્રોજેક્ટ્સ, નવી ટ્રેનોની અપડેટ અને લોકલ ડેવલપમેન્ટના ન્યૂઝ માટે જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp.jpeg)
.jpeg)


0 ટિપ્પણીઓ