ભચાઉના ચોબારીમાં LCB અને પોલીસનું મેગા ઓપરેશન | રૂ. ૧૫.૨૧ લાખના મુદ્દામાલ સાથે ૪ ઝડપાયા, ૪ ફરાર

 Kutch Bulletin Crime Roundup | Bhachau News

Movie-style operation in Bhachau's Chobari: In a joint action of LCB and police, 4 arrested with valuables worth Rs. 15.21 lakh, 4 absconding

LCB પીઆઈ જે.એમ. વાળા અને ભચાઉ પોલીસની ટીમે ચોબારી ગામમાં વાહનો કોર્ડન કરી ૨૭૩૧ દારૂ-બિયરની બોટલો જપ્ત કરી.

સ્થળ પરથી કિયા અને હ્યુન્ડાઈ ક્રેટા જેવી લક્ઝુરિયસ ગાડીઓ સાથે ૪ સાગરીતો ઝડપાયા, મુખ્ય સૂત્રધાર સહિત ૪ બુટલેગરો ફરાર.

Kutch Bulletin - ભચાઉ : પૂર્વ-કચ્છમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ભચાઉ પોલીસની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વિદેશી દારૂની હેરાફેરીનો એક મોટો ગુનો શોધી કાઢ્યો છે. ચોબારી ગામમાં ફિલ્મી ઢબે વાહનોને કોર્ડન કરી પોલીસે વિદેશી દારૂ અને લક્ઝુરિયસ ગાડીઓ સહિત કુલ રૂપિયા ૧૫,૨૧,૧૫૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ૪ આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય ૪ શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

Kutch Bulletin Crime Roundup | Bhachau News

પાયલોટિંગ કાર અને ક્રેટા ગાડીનો ફિલ્મી પીછો

એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાની આગેવાની હેઠળની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે એક ચોક્કસ અને પાકી બાતમી મળી હતી કે, જિગર ઉર્ફે ઘાયલ તરસી કોલી નામના શખ્સે સફેદ સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો, જેનું ભીમાસર સ્થિત એક ખેતરમાં કટિંગ કરવામાં આવ્યું હતું. ત્યાંથી આ દારૂનો જથ્થો કાળા કલરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડીમાં ભરીને વેચાણ માટે રવાના કરાયો હતો. આ દારૂ ભરેલી ગાડી પકડાઈ ન જાય તે માટે તેની આગળ સફેદ કલરની કિયા (KIA) કાર દ્વારા પાયલોટિંગ કરવામાં આવી રહ્યું હતું. બાતમીના આધારે એલ.સી.બી. અને ભચાઉ પોલીસની ટીમોએ તુરંત જ વાહનોનો પીછો શરૂ કર્યો હતો.

ચોબારી ગામમાં રસ્તો બંધ થતાં આરોપીઓ ફસાયા

પોલીસ ટીમો સતત આ વાહનોની પાછળ હતી. દરમિયાન, આ બંને વાહનો ચોબારી ગામમાં પહોંચ્યા ત્યારે આગળ રસ્તો બંધ હોવાથી અચાનક અટકી ગયા હતા. પોલીસે સમયસૂચકતા વાપરી તુરંત જ બંને લક્ઝુરિયસ વાહનોને ચારેય તરફથી ઘેરી લીધા હતા અને ગાડીઓમાં સવાર ચાર ઇસમોને દબોચી લીધા હતા. ક્રેટા ગાડીની ઝીણવટભરી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓ અને નાસી છૂટેલા બુટલેગરો

પોલીસે સ્થળ પરથી (૧) અકબર જુમાજી સમા (રહે. સામખિયાળી), (૨) દિપક ઉર્ફે ડાલો મોહનભાઈ કોલી (રહે. રાપર), (૩) ભાવેશભાઈ પ્રતાપભાઈ ઠાકોર (રહે. રાપર) અને (૪) અજયસિંહ નોઘુભા વાઘેલા (રહે. ભીમાસર) ની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ગુનાના મુખ્ય આરોપીઓ જેવા કે જિગર ઉર્ફે ઘાયલ તરસી કોલી (સામખીયાળી), જેઠા રબારી (પાથાવાડા), હરદેવસિંહ ઉર્ફે વડી દીલુભા વાઘેલા (ભીમાસર) અને દશરથસિંહ પથુભા વાઘેલા (રાપર) પોલીસ રેઇડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

કુલ રૂ. ૧૫.૨૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આ ઓપરેશન દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૨,૭૩૧ બોટલો/ટીન (કિંમત રૂ. ૩,૭૬,૧૫૫/-) જપ્ત કરી છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કિયા કાર (કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-), હ્યુન્ડાઈ ક્રેટા કાર (કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-) અને ૪ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૪૫,૦૦૦/-) મળીને કુલ રૂપિયા ૧૫,૨૧,૧૫૫/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળ કામગીરી બદલ ભચાઉ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ ડી.જી. પટેલ અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ