Kutch Bulletin Weather Update | Gujarat News
Good signs of monsoon advancing in Gujarat: Know from which date in July the intensity of rain will increase across the state
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: જુલાઈ મહિનાની શરૂઆતથી જ આખા ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરશે.
ઉત્તર ગુજરાતની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ચોમાસું ઝડપથી આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની આશંકા.
Kutch Bulletin - અહેવાલ : ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસું વધુ ગતિ પકડે તેવા મજબૂત સંકેતો દેખાઈ રહ્યા છે. હાલમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવોથી સામાન્ય વરસાદ પડી રહ્યો છે, પરંતુ જુલાઈ મહિનાની શરૂઆતમાં જ વરસાદનું જોર બમણું વધે તેવું હવામાન વિભાગનું સત્તાવાર અનુમાન છે. ગુજરાતમાં હાલમાં જોઈએ એટલો વરસાદ પડ્યો ન હોવાથી ખેડૂતો વાવણી માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, ત્યારે સાનુકૂળ બનેલી સિસ્ટમને કારણે હવે આખા રાજ્યમાં વાવણીલાયક વરસાદ થવાની પૂરી શક્યતા વર્તાઈ રહી છે.
ચોમાસાની લાઈન ક્યાં પહોંચી? સર્જાયું સાયક્લોનિક સર્ક્યુલેશન
ભારતીય હવામાન વિભાગ (IMD) ના લેટેસ્ટ બુલેટિન અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસ ચોમાસાને આગળ વધવા માટે હવામાન એકદમ અનુકૂળ રહેશે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઉત્તરીય સીમા સુરત, ઇન્દોર, માંડલા અને દલતોનગંજ થઈને પસાર થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાતની આસપાસ એક શક્તિશાળી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનશે અને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી પ્રક્રિયા ભારે વેગ પકડશે.
આગામી ૨૮ અને ૨૯ જૂને ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૮ અને ૨૯ જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડી શકે છે. આ તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ વરસવાની સંભાવના છે. જ્યારે ૩૦ જૂને આણંદ સહિત દક્ષિણના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.
૧ થી ૩ જુલાઈ વચ્ચે આખું ગુજરાત ધમરોળાશે, ભારે વરસાદનું એલર્ટ
ચોમાસું પૂરજોશમાં આગળ વધતાં પહેલીથી ત્રીજી જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા સહિત સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં સારો વરસાદ થશે. અગાઉ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી હતી પરંતુ નવી સિસ્ટમથી ત્યાં પણ એલર્ટ અપાયું છે. આ જ ગાળામાં સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને વલસાડ આસપાસના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
તાપમાનની વાત કરીએ તો હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ગરમી યથાવત છે, જેમાં વલ્લભવિદ્યાનગરમાં સૌથી વધુ ૪૧.૩ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ