Kutch Bulletin Special Report | Earthquake Risk Gujarat
Big revelation in research by ISR and German journal: Maximum risk of major earthquake in Kutch, Ahmedabad and Rajkot under risk
વિશ્વના પ્રતિષ્ઠિત ‘જિયોસાયન્સેસ જર્નલ’ માં ૧૪ જૂનના રોજ ગુજરાતના ભૂકંપના જોખમો અંગેનો મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અહેવાલ પ્રકાશિત.
છેલ્લા ૩૫૦ વર્ષમાં આવેલા ૧,૨૮૮ ભૂકંપોના ડેટાના આધારે કરાઈ ગણતરી: જો મોટો ભૂકંપ આવશે તો કચ્છમાં જમીનની સપાટી પર ૦.૫૭g નો અત્યંત જોખમી વેગ જોવા મળી શકે.
નિષ્ણાતોની ગંભીર ચેતવણી: અમદાવાદ-ગાંધીનગર નરમ કાંપવાળી માટી પર વસેલા હોવાથી ત્યાં ધરતીકંપના ઝટકાની તીવ્રતા આપોઆપ વધી જવાનું મોટું જોખમ.
Kutch Bulletin - વિશેષ અહેવાલ : વેનેઝુએલામાં ૨૪ જૂને આવેલા ભયાનક ભૂકંપે ભારે તબાહી મચાવી છે, ત્યારે ભૂકંપ ઝોન-૫ માં આવતા કચ્છ અને સમગ્ર ગુજરાત માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. જર્મનીના વિશ્વપ્રસિદ્ધ ‘જિયોસાયન્સેસ જર્નલ’ માં તાજેતરમાં ૧૪ જૂનના રોજ ગુજરાતમાં આવતા ભૂકંપના જોખમોના મૂલ્યાંકન અંગે એક મોટો વૈજ્ઞાનિક રિપોર્ટ પ્રકાશિત થયો છે. ગાંધીનગરની ભૂકંપ સંશોધન સંસ્થા (ISR), દેહરાદૂનની પેટ્રોલિયમ અને ઊર્જા અભ્યાસ યુનિવર્સિટી તેમજ ટેક્નોલોજી અને મેનેજમેન્ટ યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિકો મદન મોહન રાઉત, વિજય સિંહ ચુફાલ, સંબિત પ્રસન્નજીત નાઈક, સુમેર ચોપરા, બી. સાઈરામ અને ઉદય ભાન દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કચ્છ સૌથી મોટું અને ઘાતક કેન્દ્ર
‘કોમ્પ્રિહેન્સિવ સરફેસ લેવલ સિસ્મિક હેઝાર્ડ એસેસમેન્ટ ફોર ધ સ્ટેટ ઓફ ગુજરાત, ઈન્ડિયા: ઈમ્પ્લિકેશન્સ ફોર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીઝ’ નામના આ રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે કે, ભૂગર્ભીય હિલચાલની દ્રષ્ટિએ કચ્છનો ભૂકંપીય વિસ્તાર સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સક્રિય અને ઘાતક ઉર્જા ધરાવતું મુખ્ય કેન્દ્ર બનેલો છે. વૈજ્ઞાનિકોએ સંભાવના આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને છેલ્લા ૩૫0 વર્ષમાં આવેલા ૧,૨૮૮ ભૂકંપોના ડેટાના આધારે ‘જમીન ધ્રુજવાના સર્વોચ્ચ વેગ’ ની ગણતરી કરી છે.
કુદરતી ગુરુત્વાકર્ષણ બળ કરતાં ૫૭% વધુ વેગથી ધ્રુજશે જમીન
આ મૂલ્યાંકન મુજબ, જો કચ્છમાં કોઈ મોટો ભૂકંપ આવે તો ત્યાં પાયાના ખડકોના સ્તરે ધ્રુજારીનો વેગ 0.૫૧ g અને જમીનની ઉપરની સપાટી પર 0.૫૭ g ના અત્યંત જોખમી સ્તર સુધી પહોંચી શકે છે. આનો સામાન્ય અર્થ એ થાય કે ભૂકંપ આવવા પર જમીનની અંદરના ખડકો પૃથ્વીના કુદરતી ગુરુત્વાકર્ષણ બળ કરતાં અડધાથી પણ વધુ એટલે કે આશરે ૫૧% થી ૫૭% વેગથી આંચકા અનુભવશે. નિષ્ણાતોના મતે 0.૧ g થી ઉપરનો ધ્રુજારીનો વેગ ઇમારતોને ભારે નુકસાન પહોંચાડે છે. વર્ષ ૨૦૦૧ ના વિનાશક ધરતીકંપ વખતે પણ કચ્છમાં આ વેગ 0.૩ થી 0.૬ ની વચ્ચે હતો, જે દર્શાવે છે કે કચ્છ માટે ભવિષ્યનો ખતરો ઘણો ગંભીર છે.
વિવિધ ભૂકંપીય ક્ષેત્રોનું વિભાજન અને શહેરોનું જોખમ
વૈજ્ઞાનિકોએ રાજ્યને મુખ્ય ચાર ક્ષેત્રોમાં વહેંચ્યું છે:
(૧) કચ્છ ફોલ્ટ ક્ષેત્ર જે સૌથી વધુ સક્રિય છે,
(૨) સૌરાષ્ટ્ર ક્ષેત્ર જ્યાં મધ્યમ અને નાના કંપન આવે છે,
(૩) ખંભાત ફોલ્ટ ક્ષેત્ર અને
(૪) નર્મદા ફોલ્ટ ક્ષેત્ર.
અભ્યાસમાં સામે આવ્યું છે કે કચ્છનું મુખ્ય કેન્દ્ર ભુજ ખાસ કરીને મધ્યમ અંતરેથી આવતા ૬ થી ૬.૫ ની તીવ્રતાના ભૂકંપોથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. રાજકોટમાં ભૂકંપનું જોખમ મુખ્યત્વે કચ્છ-સૌરાષ્ટ્રની ભૂગર્ભીય હિલચાલ સાથે જોડાયેલા દૂરના મોટા ભૂકંપોના આધારે નક્કી થાય છે. તેનાથી વિપરીત, અમદાવાદમાં જોખમ સ્થાનિક અને ખંભાતની નજીકની નબળી ફોલ્ટ લાઈનો પરથી આવતા મધ્યમ ભૂકંપોથી નિયંત્રિત થાય છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં ધ્રુજારીનો અંદાજિત વેગ ભલે 0.0૫ g થી 0.0૮ g હોય, પરંતુ આ શહેરો નરમ કાંપવાળી માટી પર વસેલા હોવાથી ત્યાં ધરતીકંપના ઝટકાની તીવ્રતા આપોઆપ વધી જવાનું મોટું જોખમ રહેલું છે.
બહુમાળી ઇમારતોનું સીસ્મિક ઓડિટ અનિવાર્ય
આઇઆઇટી રુડકીના પ્રોફેસર અને ભૂકંપ સંશોધન સંસ્થાના પૂર્વ નિયામક ડૉ. સુમેર ચોપરાએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આવતા તાજેતરના ભૂકંપો સાબિત કરે છે કે પૂર્વ તૈયારીઓ જ નાગરિકોના જીવ બચાવી શકે છે. રાષ્ટ્રીય સ્તરના બિલ્ડિંગ કોડ્સ મોટા વિસ્તારોને એક સમાન ઝોન તરીકે દર્શાવે છે, જે સ્થાનિક સ્તરના ચોક્કસ જોખમને સ્પષ્ટ કરી શકતા નથી. આથી, કચ્છ સહિત ગુજરાતના તમામ ઔદ્યોગિક વિસ્તારો અને અમદાવાદ જેવા મહાનગરોની બહુમાળી ઇમારતોનું કડક ભૂકંપીય પરીક્ષણ (સીસ્મિક ઓડિટ) થવું હવે અનિવાર્ય બન્યું છે.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ