Kutch Crime Roundup | પોલીસમાંથી બાતમીદારનું નામ લીક થયું? બુટલેગરોના ખૌફથી પોલીસ બેડામાં ગણગણાટ | અંજારમાં લાખોની છેતરપિંડી અને પરિણીતાનો આપઘાત

 Kutch Bulletin Crime Desk | પૂર્વ અને પશ્ચિમ કચ્છ ક્રાઈમ રાઉન્ડઅપ

Kutch Crime Roundup: Sensation in Dudhai over murder of youth who tipped off about liquor worth Rs 79 lakh; Fraud and suicide in Anjar, mother dies after drowning in pond

દુધઈ પોલીસ મથકની હદમાં ટપ્પર વાડી વિસ્તારમાંથી ઝડપાયેલા ૭૯ લાખના દારૂની બાતમી આપનાર આડેસરના યુવાનનું નામ લીક થતાં બુટલેગરોએ રાજસ્થાન લઈ જઈ મરણતોલ માર માર્યો, અમદાવાદમાં સારવાર દરમિયાન મોત.

અંજારના અજાપરમાં બંધ કંપની ભાડે રાખવાના બહાને ૫.૭૦ લાખથી વધુની એલ્યુમિનિયમ પ્લેટો બારોબાર પધરાવી દઈ છેતરપિંડી આચરાઈ.

લખપત તાલુકાના યાત્રાધામ માતાના મઢના રૂપરાઇ તળાવમાં ડૂબી જવાથી ૪૨ વર્ષીય પ્રફુલ દેવજીભાઇ વાળંદનું કરૂણ મોત.

અંજારના વરસામેડીમાં સાસરિયાના માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ માતાને મોબાઈલમાં ૩૫ લાઈનની સ્યૂસાઈડ નોટ મોકલી ગળેફાંસો ખાધો.

Kutch Bulletin Crime Desk | પૂર્વ અને પશ્ચિમ કચ્છ ક્રાઈમ રાઉન્ડઅપ

Kutch Bulletin - ગાંધીધામ/ભુજ : પૂર્વ કચ્છમાં દુધઈ પોલીસ મથકની હદમાં આવતા ટપ્પર વાડીવિસ્તારમાંથી એલસીબીએ ૭૯ લાખનો દારૂ પકડી પાડ્યો હતો. આ દારૂ અંગે પોલીસને બાતમી આપનાર યુવાનની ભાળ બુટલેગરો પાસે પહોંચી જતાં તેને રાજસ્થાન લઈ જઈ તેને મરણતોલ માર મારવામાં આવ્યો હતો જેના પગલે તેણે અમદાવાદમાં છેલ્લા શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું હતું. બાતમીદારોના નામ જો જાહેર થઈ જતાં હોય તો ભવિષ્યમાં પોલીસને કોઈ બાતમી નહીં આપે તેવો ગણગણાટ ખુદ પોલીસ બેડામાં સાંભળવા મળ્યો હતો.

આ ચકચારી બનાવ અંગે અંતરંગ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ થોડા સમય પહેલાં ટપ્પરની સીમમાંથી પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડયો હતો. પોલીસને બાતમી આપનારા યુવાનનું નામ ગમે તે રીતે લીક થઈ જતાં બુટલેગરોના માણસોએ આ આડેસરના યુવાનને રાજસ્થાન બોલાવ્યો હતો અથવા તેને ફરવા લઈ ગયા હતા તેવું બહાર આવ્યું હતું જ્યાં બાદમાં અચાનક આ યુવાનને મરણતોલ માર મારવામાં આવ્યો હતો. બાદમાં આ યુવાનનું અકસ્માત થયું હોવાની વાત ફેલાવવામાં આવી હતી. દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેણે સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. આ પ્રકરણ અંગે મોડી રાત્રે આડેસર પોલીસ મથકે ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી ચાલુ હોવાનું અને તે ફરિયાદ રાજસ્થાન મોકલવાની હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું.

અંજારના અજાપરમાં કંપની ભાડે રાખવાના બહાને લાખ્ખોની છેતરપિંડી 

ગાંધીધામના અંજાર તાલુકાના અજાપરમાં બંધ પડેલી કંપની ભાડે રાખવાનું કહી કંપનીમાંથી રૂા. ૫,૭૦,૩૬૦ની પ્લેટો લઇ જઇ અન્યને પધરાવી દઇ બાદમાં કંપની ચાલુ ન કરતાં શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. અજાપરમાં આવેલી સુરાણી પ્લાય નામની કંપની મુંબઇના શૈલેશ પટેલની છે જે તેમના ભત્રીજા હિતેન પટેલ સંભાળતા હતા. કંપનીના માર્કેટિંગ હેડ તથા બનાવના ફરિયાદી હરેશ ઉર્ફે હર્ષ શામજી શાહએ આ કંપની ગાંધીધામના હરીશ ગોયલને મહિને રૂા. ૩,૭૫,૦૦૦ ભાડાંના હિસાબે ભાડે આપવા વાત કરી હતી. આ વાત ચાલી રહી હતી દરમ્યાન ફરિયાદી કંપનીમાં આવતાં પ્લાય બનાવવાની એલ્યુમિનિયમની ૮૪ પ્લેટ નજરે પડી નહોતી. તપાસ કરતા બહાર આવ્યું હતું કે હરીશ ગોયલ ટ્રેક્ટર લઇને આવ્યો હતો અને પોતે આ કંપની ભાડે રાખી હોવાથી પ્લેટો લઇ ગયો હતો અને બાદમાં આ પ્લેટો ઉમેશ આહીર, વિપુલ આહીરને આપી દીધી હોવાનું ફરિયાદીના ધ્યાને આવ્યું હતું. આરોપીએ કંપની ચાલુ કરી નહોતી અને પ્લેટો પણ પરત ન કરી છેતરપિંડી આચરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માતાના મઢના રૂપરાઇ તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત 

ભુજ તાલુકાના લખપત વિસ્તારમાંથી કરૂણ સમાચાર સામે આવ્યા છે. લખપત તાલુકાના યાત્રાધામ માતાના મઢમાં તળાવમાં ડૂબી જવાથી ગામના ૪૨ વર્ષીય રાઠોડ પ્રફુલ દેવજીભાઇ વાળંદનું મોત થતાં ગામમાં અરેરાટી વ્યાપી હતી. માતાના મઢના રૂપરાઇ તળાવમાં બપોરથી સાંજ દરમ્યાન પ્રફુલ રાઠોડ ડૂબી ગયાનું સામે આવતાં તળાવમાંથી બહાર કાઢી દયાપર સરકારી હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વરસામેડીમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત 

ગાંધીધામના અંજારના વરસામેડીની હરસિદ્ધિ પાર્ક સોસાયટીમાં યુવાન પરીણીતાના આપઘાત પ્રકરણે તેના સાસરીયા વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વરસામેડીની હરસિદ્ધિ પાર્કમાં સોસાયટીમાં રહેનાર રાજલબા ઉર્ફે અવનીબા શિવરાજસિંહ સોઢાએ પોતાના માતાને મોબાઈલમાં સ્યૂસાઈડ નોટ મોકલાવી બાદમાં ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પડાણાની આ દિકરીના લગ્ન વરસામેડી ખાતે બે વર્ષ પહેલા થયા હતા તેના દામ્પત્ય જીવનમાં સંતાન ન થતાં તેના સાસુ રૂપાબા, સસરા ભરતસિંહ અને નણંદ નિશાબા તથા પુજાબા સતત દબાણ કરી માનસિક ત્રાસ આપતા હતા. આ યુવતીએ ૩૫ લાઈનમાં સ્યૂસાઈડ નોટ લખી હતી જેમાં પોતાને ટોર્ચર કરાતી હોવાનું લખાણ લખ્યું હતું. પોલીસે આ બનાવ અંગે જુદી-જુદી કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ