Kutch Bulletin Desk | Gandhidham Mithirohar Mega Demolition
Illegal encroachment worth crores of rupees removed in Gandhidham: Authorities take major action against an individual with a criminal history.
ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામ નજીક સરકારી જમીન પર ખડકી દેવાયેલા અંદાજે ૬,૦૦૦ થી ૬,૫૦૦ ચોરસ મીટર વિસ્તારના પાકા કોમર્શિયલ બાંધકામો તોડી પડાયા.
હાલના જંત્રી દર મુજબ જમીનદોસ્ત કરાયેલા આ ગેરકાયદેસર દબાણની અંદાજિત કિંમત ₹૧,૧૬,૩૫,૦૦૦/- જેટલી હોવાનું સામે આવ્યું છે.
જુગાર, પ્રોહિબિશન અને મારામારી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા સ્થાનિક શખ્સ મુસ્તાક મામદ સોઢા દ્વારા સરકારી જમીન પચાવી પાડી ઊભી કરાઈ હતી હોટલ અને ઓફિસો.Kutch Bulletin - ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામ નજીક સરકારી જમીન પર કરવામાં આવેલા વિશાળ ગેરકાયદેસર દબાણ સામે તંત્રએ શનિવારે કડક હાથે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ મેગા ડીમોલીશન ઓપરેશન દરમિયાન હજારો ચોરસ મીટર વિસ્તારમાં સરકારી આદેશોના લીરેલીરા ઉડાડીને ઊભા કરાયેલા પાકા કોમર્શિયલ બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. તંત્રની આ આકરી કાર્યવાહીથી પૂર્વ કચ્છના ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
૬,૫૦૦ ચોરસ મીટર સરકારી જમીન પર બુલડોઝર ફર્યું
અધિકૃત વિગતો મુજબ, મીઠીરોહર નજીક આ મસમોટું ગેરકાયદેસર દબાણ સ્થાનિક ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ મુસ્તાક મામદ સોઢા (રહે. મીઠીરોહર, તા. ગાંધીધામ) દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સરકારી જમીન પર વિવિધ પ્રકારના મોટા કોમર્શિયલ બાંધકામો ઊભા કરી તેનો આર્થિક લાભ મેળવવા ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે મહેસૂલ વિભાગ અને પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત સાથે અંદાજે ૬,૦૦૦ થી ૬,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં જેસીબી અને બુલડોઝર ફેરવી દેવાયા હતા. ચાલુ જંત્રી દર મુજબ આ સરકારી જમીન અને દબાણની કિંમત ₹૧,૧૬,૩૫,૦૦૦ જેટલી આંકવામાં આવી છે.
દબાણ હેઠળથી કયા-કયા બાંધકામો હટાવાયા?
તંત્ર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, મુસ્તાક સોઢાએ સરકારી જમીન પર નીચે મુજબનું સામ્રાજ્ય ખડકી દીધું હતું જેને તોડી પાડવામાં આવ્યું છે:
'રામદેવ આઈમાતા' હોટલ: જેમાં નીચેના ભાગે એક મોટો હોલ અને બે રૂમ તેમજ ઉપરના માળે એક રૂમનું પાકું બાંધકામ હતું.
વાહન સર્વિસ સ્ટેશન: જેમાં કોમર્શિયલ હેતુ માટે બે મોટા રૂમ બનાવવામાં આવ્યા હતા.
પાર્કિંગ વ્યવસ્થા: કોમર્શિયલ વાહનોના હોલ્ટ માટે વિશાળ ગેરકાયદેસર પાર્કિંગ સ્પેસ બનાવાયો હતો.
બે માળનું પાકું કોમ્પ્લેક્સ: કાયદાનો ડર રાખ્યા વિના બે માળનું પાકું બાંધકામ કરી ઓફિસ પ્રકારના કુલ ૧૦ રૂમ ઊભા કરી દેવાયા હતા.
તંત્રએ સવારથી જ ઓપરેશન શરૂ કરીને આ તમામ ગેરકાયદેસર દબાણો તોડી પાડી સરકારી જમીનને સંપૂર્ણપણે મૂળ સ્થિતિમાં પરત મેળવવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
આરોપીનો ચોંકાવનારો ગુનાહિત ઇતિહાસ
સરકારી જમીન દબાવનાર મુસ્તાક મામદ સોઢા કોઈ સાધારણ વ્યક્તિ નથી પરંતુ પૂર્વ કચ્છ પોલીસ ચોપડે ચડી ચૂકેલો રીઢો ગુનેગાર છે. સરકારી રેકોર્ડ મુજબ આરોપી સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે: ૧. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો. ૨. દૂધઈ પોલીસ સ્ટેશનમાં લોહીલુહાણ મારામારી, સરકારી/ખાનગી મિલકતને નુકસાન અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો. ૩. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ (દારૂબંધીના કાયદા) હેઠળ ગુનો. ૪. વર્ષ ૨૦૨૪ દરમિયાન ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ વધુ એક ગુનો નોંધાયેલ છે.
સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે તંત્રનો કડક સંદેશ
તાજેતરના સમયમાં ગુજરાતભરમાં સરકારી અને ગૌચરની જમીનો પરના ગેરકાયદેસર દબાણો તેમજ ભૂમાફિયાઓ સામે રાજ્ય સરકારના આદેશથી તંત્ર દ્વારા સતત 'મેગા બુલડોઝર ડ્રાઈવ' ચલાવવામાં આવી રહી છે. ગાંધીધામ તાલુકામાં થયેલી આ કરોડોની કાર્યવાહી પણ તે જ મહા-અભિયાનનો એક ભાગ છે. તંત્રએ આ એક્શન દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ સહન કરવામાં આવશે નહીં અને કાયદાનું ઉલ્લંઘન કરનારા ગુનાહિત તત્વો સામે આ જ પ્રકારે કડક પગલાં ચાલુ રહેશે.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ