Kutch Bulletin: કચ્છના અંજાર તાલુકાના ચંદિયા ગામે પ્રેમ પ્રકરણનો એક કરુણ અને પથ્થર દિલ માનવીની ક્રૂરતા દર્શાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન માટે દબાણ કરતી ગર્ભવતી પ્રેમિકાને રસ્તામાંથી હટાવવા માટે પ્રેમીએ તેના મિત્ર સાથે મળીને ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી.
મળતી માહિતી મુજબ, ચંદિયા ગામની 18 વર્ષીય રાધા સથવારા અને મિંદીયાળા ગામના રાજેશ રબારી વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. રાધા ગર્ભવતી થતા તેણે રાજેશ પર લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. જોકે, રાજેશ તેને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નહોતો અને તેણે રાધાને પતાવી દેવાનું ક્રૂર કાવતરું ઘડ્યું હતું.
ગળેટૂંપો આપી હત્યા કરી, લાશને પથ્થર બાંધી કૂવામાં ફેંકી
બે-ત્રણ દિવસ અગાઉ રાજેશ લગ્ન કરવાના બહાને રાધાને ઘરેથી ભગાડીને સીમાડે લઈ આવ્યો હતો. અહીં તેણે તેના મિત્ર રાહુલ રબારીની મદદથી રાધાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી. પાપ છુપાવવા માટે આરોપીઓએ મૃતદેહને વજનદાર પથ્થર સાથે બાંધી ઊંડા કૂવામાં ફેંકી દીધો હતો જેથી લાશ ઉપર ન આવે.
પોલીસ તપાસમાં ખુલ્યું રહસ્ય
દીકરી ગુમ થતાં પરિવારે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંજાર પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ રાજેશ રબારીની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો. ભુજ ફાયર બ્રિગેડની મદદથી કૂવામાંથી રાધાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.
અંજાર પોલીસે મુખ્ય આરોપી રાજેશ અને તેના સાગરીત રાહુલ વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર કચ્છમાં ચકચાર મચાવી દીધી છે.
વધુ વાંચો:
- કચ્છમાં SMCનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો: ₹4 કરોડનો શરાબ પકડાયો
- હોળી 2026: 100 વર્ષ પછી સર્જાશે દુર્લભ સંયોગ, જાણો વિગતે
કચ્છના ક્રાઈમ સમાચાર અને અપડેટ્સ માટે:
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ