કોઈને લિફ્ટ આપતા પહેલા ૧૦૦ વાર વિચારજો ! ગાંધીધામના આદિપુરમાં રડતી મહિલાએ લિફ્ટ માંગી વેપારીને ધોળા દિવસે લૂંટ્યો

Kutch Bulletin Crime Alert | Gandhidham Complex

સાવધાન! મુસીબત જોઈને લિફ્ટ આપવી વેપારીને ભારે પડી : આદિપુરમાં રડતી મહિલાએ સાગરિત સાથે મળી ચલાવી ₹૨.૪૫ લાખની લૂંટ

  • નર્મદા ભવન પાસે મોઢે દુપટ્ટો બાંધેલી મહિલાએ રડતા-રડતા કાર રોકાવી ભાડાના પૈસા ન હોવાનું નાટક કર્યું
  • જુમાપીર ફાટક પાસે પહોંચતા જ બાઇક સવાર સાગરિતે કારમાં ઘૂસી વેપારીના ગળા પર છરી ઝીંકી દીધી
  • વેપારીએ હિંમત દાખવી આરોપીઓની મોટરસાઇકલ અને ફોટા પાડી લેતા આદિપુર પોલીસે તપાસ તેજ કરી

Kutch Bulletin - આદિપુર : ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલમાં ગુનેગારો કેટલા બેફામ બન્યા છે, તેનો જીવતો જાગતો કિસ્સો આદિપુરમાં સામે આવ્યો છે. અહીં એક અજાણી મહિલાએ રડતા-રડતા લિફ્ટ માંગી વેપારીની માનવતાનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. ત્યારબાદ પોતાના સાગરિત સાથે મળી ધોળા દિવસે વેપારીની કારમાં જ તેના ગળા પર છરી મૂકી રૂપિયા ૨.૪૫ લાખની સનસનાટીપૂર્ણ લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે.

Adipur Gandhidham Car Lift Robbery Case Kasam Chawda Kutch Bulletin
પ્રતિકાત્મક તસ્વીર 

🛑 રડતી મહિલાએ ભાડાનું બહાનું કાઢી લિફ્ટ માંગી

મળતી વિગતો અનુસાર વરસામેડીની બાગેશ્રી ટાઉનશિપમાં રહેતા અને ગાંધીધામમાં પ્લાયવૂડની દુકાન ચલાવતા વેપારી શનિ ગુપ્તા પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન આદિપુર નર્મદા ભવન પાસે મોઢે દુપટ્ટો બાંધેલી એક અજાણી મહિલાએ રડતા-રડતા તેમની કાર અટકાવી હતી. પોતે મોટી મુસીબતમાં છે અને બસ-રિક્શાના ભાડાના પૈસા પણ નથી તેમ કહી જુમાપીર ફાટક સુધી લિફ્ટ આપવા આજીજી કરતા વેપારીએ દયા ખાઈને તેને કારમાં બેસાડી હતી.

⚔️ કારમાં જ ગળા પર છરી રાખી સોનાની ચેન-રોકડની લૂંટ

ગાડી જેવી જુમાપીર ફાટક પાસે પહોંચી કે તરત જ મહિલાએ અગાઉથી ફોન કરીને ગોઠવણ મુજબ બોલાવેલો તેનો સાગરિત મોટરસાઇકલ લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. તે સીધો વેપારીની કારમાં ઘૂસી ગયો હતો અને ગળા પર છરી રાખી સોનાની ચેન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૨.૪૫ લાખની લૂંટ ચલાવી હતી. ગભરાયેલા વેપારીએ હિંમત કરીને બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિક યુવાનો દોડી આવ્યા હતા, જેથી બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

🚨 "મારું નામ કાસમ ચાવડા છે, કિડાણામાં પૂછી લેજે" - ધમકી આપી

ભાગતા પહેલા લૂંટારુ શખ્સે વેપારીને ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે, "મારું નામ કાસમ ચાવડા છે, કિડાણામાં પૂછી લેજે, જો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ." જોકે વેપારીએ ભારે સમયસૂચકતા વાપરી આરોપીની બાઇક (જીજે-૩૯-એચ-૬૫૫૨) અને બંનેના ફોટા પાડી લીધા હતા. ધોળા દિવસે બનેલી આ ગંભીર ઘટનાની ફરિયાદ કોઈ કારણોસર ૧૦ દિવસ બાદ નોંધાઈ છે. હાલ આદિપુર પોલીસે ઓફિશિયલ ગુનો નોંધી ફોટા અને બાઇક નંબરના આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કચ્છના ગુનાખોરી અને સનસનાટીપૂર્ણ ક્રાઈમના સમાચારો સીધા તમારા વોટ્સએપ પર મેળવો:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ