Kutch Bulletin Exclusive | Bhuj AAP Internal Political Fraud Case
Political stir in Bhuj: Party's district president defrauds AAP's own female president of ₹9 lakh; police complaint filed.
આમ આદમી પાર્ટી (AAP) ના કચ્છ જીલ્લા મહિલા પ્રમુખ કાન્તાબેન ગાંગજીયાણી સાથે પક્ષના જ જીલ્લા પ્રમુખ સંજય શાંતિલાલ બાપટે વિશ્વાસઘાત કરી ₹૯,૦૦,૦૦૦/- ની છેતરપિંડી આચરી.
નાણાં પરત માંગવા જતાં મહિલા પ્રમુખને ખોટા વ્યાજખોરીના કેસમાં ફસાવી દેવાની અને જેલમાં ફિટ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ.
ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આરોપી સંજય બાપટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી.Kutch Bulletin - ભુજ : કચ્છના રાજકારણમાંથી એક ચોંકાવનારા અને પક્ષની આંતરિક ગૂંચવણો સપાટી પર લાવતા મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) ના જ કચ્છ જીલ્લા મહિલા પ્રમુખ સાથે પક્ષના જીલ્લા પ્રમુખ સંજય શાંતિલાલ બાપટે વિશ્વાસઘાત કરી રૂપિયા ૯ લાખની છેતરપિંડી આચરી હોવાની સત્તાવાર ફરિયાદ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં, મહિલા પ્રમુખે જ્યારે પોતાના હકના પૈસા પાછા માંગ્યા, ત્યારે તેમને ખોટા વ્યાજખોરીના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.
ઓળખાણ કેવી રીતે થઈ? વિશ્વાસ જીતીને ખેલ ખેલાયો
ભુજની મુંદરા રિલોકેશન સાઇટ પર રહેતા અને છેલ્લા ચાર વર્ષથી આમ આદમી પાર્ટીમાં કચ્છ જીલ્લા મહિલા પ્રમુખ તરીકે સક્રિય કાન્તાબેન શશિકાન્તભાઈ ગાંગજીયાણી (ઉં.વ. ૫૨) એ આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પક્ષના વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો દરમિયાન તેમની મુલાકાત 'આપ' ના કચ્છ જીલ્લા પ્રમુખ સંજય શાંતિલાલ બાપટ (રહે. શિવ ટાઉનશીપ, ગુંદાલા રોડ, મુંદરા) સાથે થઈ હતી. માર્ચ ૨૦૨૩ માં સંજય બાપટે કાન્તાબેન પાસે રૂ. ૫ લાખની હાથઉછીની રકમ છ મહિનાની મર્યાદામાં પરત કરવાની શરતે માંગી હતી. પક્ષના જવાબદાર હોદ્દેદાર હોવાના નાતે કાન્તાબેને યશ બેંકના ખાતામાંથી આર.ટી.જી.એસ. (RTGS) મારફતે આ રકમ આપી હતી, જે સંજયભાઈએ સમયસર પરત આપીને કાન્તાબેનનો પૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો.
નવો દાવ: રૂ. ૯ લાખ પડાવ્યા અને બેંકના ચેક આપ્યા
પ્રથમ વખત સમયસર પૈસા ચૂકવીને મોટો વિશ્વાસ કેળવ્યા બાદ, સંજય બાપટે ફરીથી નાણાકીય જરૂરિયાત હોવાનું કહી મોટી રકમની માંગણી કરી હતી. કાન્તાબેને પક્ષના પ્રમુખ પર ભરોસો રાખીને માર્ચ ૨૦૨૪ દરમિયાન અલગ-અલગ તારીખે કુલ રૂ. ૯,૦૦,૦૦૦/- (નવ લાખ) સંજયભાઈના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ વખતે સંજય બાપટે એક વર્ષની અંદર તમામ નાણાં પરત કરવાની પાકી ખાતરી આપી સિક્યોરિટી તરીકે બેંક ઓફ બરોડા, મુંદરા બ્રાન્ચના ત્રણ ચેક લખી આપ્યા હતા.
પૈસા માંગતા જ વ્યાજખોરીના ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર
એક વર્ષનો નિર્ધારિત સમય વીતી ગયા પછી જ્યારે કાન્તાબેને પોતાના નવ લાખ રૂપિયા પરત માંગ્યા, ત્યારે સંજય બાપટે વાયદાઓ અને બહાનાબાજી કરવાનું શરૂ કર્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે સંજય બાપટે પોતાના મળતિયા મિત્ર રજાક ઓસમાણ કુંભાર મારફતે મુંદરા પોલીસ સ્ટેશનમાં કાન્તાબેન વિરુદ્ધ ઉંચા વ્યાજે નાણાં ધીરવાનો ખોટો આક્ષેપ કરતી એક અરજી કરાવી દીધી હતી. જોકે, મુંદરા પોલીસે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરતા કાન્તાબેન સાચા સાબિત થયા હતા અને તે અરજીને ફાઈલે (બંધ) કરવામાં આવી હતી.
ગળપાદર જેલની બહાર જ મહિલા પ્રમુખને ધમકી આપી!
૧૦ માર્ચ ૨૦૨૬ ના રોજ, આમ આદમી પાર્ટીના અન્ય એક પૂર્વ કાર્યકરને મળવા માટે કાન્તાબેન ગળપાદર જેલ ખાતે ગયા હતા. ત્યાં પક્ષના પૂર્વ પ્રમુખ જુજારદાન ગઢવીની હાજરીમાં જ્યારે કાન્તાબેને ફરીથી સંજય બાપટ પાસે પોતાના ૯ લાખ રૂપિયાની કડક ઉઘરાણી કરી, ત્યારે સંજય બાપટે જાહેરમાં ઉશ્કેરાઈને ધમકી આપતા કહ્યું હતું કે, "જો તું મારી પાસે વારંવાર રૂપિયા માંગીશ, તો જેમ રજાક પાસે અરજી કરાવી હતી તેમ જ તારા વિરુદ્ધ વ્યાજખોરીનો ખોટો કેસ કરાવીને તને જેલમાં ફિટ કરાવી દઈશ." સંજય બાપટ અગાઉ પણ પોલીસ ફરિયાદોમાં સંડોવાયેલો હોઈ અને માથાભારે મિજાજનો હોવાનું જણાતા કાન્તાબેને પરિવાર સાથે કાયદાકીય સલાહ લીધા બાદ આખરે ભુજ પોલીસ મથકનો આશરો લીધો છે.
પોલીસે કઈ કલમો હેઠળ ગુનો નોંધ્યો?
ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદી કાન્તાબેનની સત્તાવાર ફરિયાદના આધારે આરોપી સંજય શાંતિલાલ બાપટ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે:
ભારતીય ન્યાય સંહિતા (BNS), ૨૦૨૩ ની કલમો: ૨૧૭, ૨૪૮ અને ૩૧૬(૨) મુજબ ગુનો નોંધાયો છે.
મુખ્ય આક્ષેપો: વિશ્વાસઘાત કરવો, છેતરપિંડી આચરવી, ખોટી માહિતી આપી કાયદાકીય રીતે ફસાવવાનો પ્રયાસ કરવો અને આર્થિક-સામાજિક નુકસાન પહોંચાડવાની ધમકી આપવી.આ હાઈપ્રોફાઈલ અને ચકચારી કેસની આગળની ઝીણવટભરી તપાસ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલદાન ખીમરાજભાઈ સુરુ ચલાવી રહ્યા છે. પક્ષના બે ટોચના હોદ્દેદારો વચ્ચેના આ મોટા આર્થિક વિવાદ અને છેતરપિંડીની આ ઘટનાએ અત્યારે સમગ્ર પૂર્વ અને પશ્ચિમ કચ્છના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ