ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬: ઈરાને અમેરિકામાં રમવાનો ઈનકાર કર્યો, મેચો મેક્સિકો શિફ્ટ કરવાની જીદ પકડી
ક્રિકેટના ટી૨૦ વર્લ્ડ કપ જેવો વિવાદ હવે ફૂટબોલના મેદાનમાં: ઈરાને સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
વોશિંગ્ટન - કચ્છ બુલેટિન: ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ના આયોજન પૂર્વે ફૂટબોલ જગતમાં એક મોટો વિવાદ વકર્યો છે. આગામી ૧૧ જૂનથી શરૂ થનારા આ રમત ગમતના મહાકુંભ પહેલા ઈરાનની ફૂટબોલ ટીમે અમેરિકાની ધરતી પર મેચ રમવા સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી સાફ ઈનકાર કરી દીધો છે.
🛑 સુરક્ષાનો હવાલો અને મેક્સિકોની ઓફર
ઈરાનનું માનવું છે કે વર્તમાન ભૌગોલિક અને રાજકીય સ્થિતિને જોતા અમેરિકામાં તેમના ખેલાડીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. આ વિવાદમાં હવે મેક્સિકોએ ઝંપલાવ્યું છે અને ઈરાનની તમામ મેચોનું પોતાના યજમાન પદે આયોજન કરવાની સત્તાવાર ઓફર રજૂ કરી છે.
ટી૨૦ વર્લ્ડ કપના વિવાદની યાદ તાજી થઈ
આ ઘટનાક્રમે રમત જગતને તાજેતરમાં સંપન્ન થયેલા ટી૨૦ વર્લ્ડ કપની યાદ અપાવી દીધી છે. જે રીતે બાંગ્લાદેશે સુરક્ષાના કારણોસર ભારત આવવાની આનાકાની કરી ન્યુટ્રલ વેન્યુની માંગ કરી હતી, બરાબર એ જ રીતે હવે ફૂટબોલના મેદાનમાં પણ રાજકીય અને સુરક્ષાના સમીકરણો રમત પર હાવી થઈ રહ્યા હોય તેવું જણાય છે.
ફિફા માટે માથાનો દુખાવો
ફિફા વર્લ્ડ કપ ૧૧ જૂનથી શરૂ થઈને ૧૯ જુલાઈ સુધી ચાલવાનો છે. ઈરાનની આ જીદ ફિફા આયોજકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે, કારણ કે મેચો શિફ્ટ કરવાથી સમગ્ર શિડ્યુલ, લોજિસ્ટિક્સ અને બ્રોડકાસ્ટિંગ વ્યવસ્થા પર તેની સીધી અસર પડી શકે છે.

0 ટિપ્પણીઓ