કચ્છમાં પ્રથમ વખત વિકાસ સત્તામંડળોનું 'માઈક્રો પ્લાનિંગ' | ગાંધીધામ બનશે મોડેલ સિટી અને ભુજમાં આઈકોનિક રોડ | જાણો તમારા શહેરને બજેટમાં શું મળ્યું?

કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના નેતૃત્વમાં જિલ્લાના વિકાસ સત્તામંડળોમાં પ્રથમ વખત બજેટ આધારિત સુયોજિત આયોજન

"બજેટ આધારિત સુયોજિત આયોજનથી નાગરિકોને ઝડપથી ઉત્તમ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે" : કચ્છ કલેક્ટર

Kutch Buleetin - Kutch Latest News

ભુજ - કચ્છ બુલેટિન: કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લાના વિવિધ વિસ્તાર સત્તામંડળના ચેરમેન શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિકાસાત્મક ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. ભુજ (ભાડા), ભચાઉ-ભાડા, રાપર (રાડા), અંજાર અને ગાંધીધામ વિકાસ સત્તામંડળો માટે પ્રથમ વખત સુયોજિત આયોજન સાથે આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટેના અંદાજપત્રો (બજેટ) રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ બજેટમાં વહીવટી ખર્ચ કરતા વિકાસલક્ષી કાર્યો પર વધુ ભાર મૂકીને જનહિતના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.

📍 ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (BHADA): ૨૫૧૦ લાખનું આયોજન

ભુજ શહેરના સર્વાંગી વિકાસ માટે કુલ રૂ. ૨૫૧૦.૦૦ લાખના આવક અને ખર્ચના લક્ષ્યાંક સાથેનું બજેટ મંજૂર કરાયું છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબના કામો થશે:

  • પીવાનું પાણી: વોર્ડ નં. ૧, ૭, ૮, ૯, ૧૧ અને GIDC વિસ્તારમાં નર્મદા વોટર સંપ, ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશન માટે રૂ. ૬૦૭.૦૦ લાખની જોગવાઈ.
  • ડ્રેનેજ સુવિધા: ભુજ શહેરમાં ૮૦% કામ માટે રૂ. ૫૧૫.૦૦ લાખ અને માધાપર વિસ્તારમાં ૫૦% કામ માટે રૂ. ૨૫૦.૦૦ લાખ ફાળવાયા.
  • ગ્રીન ભુજ: રિલોકેશન સાઈટના અનામત પ્લોટમાં ૫ નવા આધુનિક ગાર્ડન વિકસાવવા માટે રૂ. ૫૦.૦૦ લાખ.
  • આઈકોનિક રોડ: શહેરના સુશોભન માટે 'ભાડા આઈકોનિક રોડ' (રૂ. ૧૦૦ લાખ) અને 'ભાડા સર્કલ' (રૂ. ૨૫ લાખ) નું નિર્માણ થશે.
  • રમત-ગમત: રિલોકેશન સાઈટ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ૮૫% કામ માટે રૂ. ૩૮૦.૦૦ લાખની ફાળવણી.

📍 ગાંધીધામ (GDA): ૭૨ કરોડનું બજેટ અને 'મોડેલ સિટી' વિઝન

ગાંધીધામ શહેરને આધુનિક બનાવવા માટે આશરે રૂ. ૭૨ કરોડનું બજેટ મંજૂર કરાયું છે. જે અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકાને રૂ. ૩૦ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવાયો છે. આ રકમનો ઉપયોગ આઈકોનિક રોડ, ગ્રીન સ્પેસ, ફૂટપાથ અને પહોળા રસ્તાઓના નિર્માણ માટે થશે. ઉપરાંત શહેરને ડસ્ટ-ફ્રી બનાવવા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.

📍 અંજાર (AADA): ૨,૩૯૨ લાખનું આધુનિકીકરણ

અંજાર શહેરના રમતવીરો માટે સ્ટેડિયમ ડેવલપમેન્ટ (ફેઝ-૧) માટે રૂ. ૨૦૭ લાખ ફાળવાયા છે. ટી.પી. સ્કીમ નં. ૨ માં મેમોરિયલ પાર્ક માટે રૂ. ૫૦ લાખ અને બગીચાઓના વિકાસ માટે રૂ. ૨૫ લાખની જોગવાઈ કરાઈ છે. કચેરીના કામકાજને વેગ આપવા નવી વેબસાઈટ અને આધુનિક કોમ્પ્યુટર સેટ પણ વસાવવામાં આવશે.

📍 રાપર (RADA) અને ભચાઉ સત્તામંડળ

રાપર શહેર માટે રૂ. ૧૪૧.૬૪ લાખનું બજેટ મંજૂર થયું છે, જેમાં ડાભુંડા સર્કલથી મામલતદાર કચેરી સુધીના રસ્તાને રૂ. ૫૦ લાખના ખર્ચે આઈકોનિક રોડ તરીકે વિકસાવાશે. ભચાઉ માટે રૂ. ૧૬૨.૩૦ લાખનું બજેટ ફાળવાયું છે, જેમાં ચિલ્ડ્રન પાર્કને રિવાઈવ કરવા માટે રૂ. ૫૦ લાખ ખર્ચવામાં આવશે.

"કચ્છના સત્તામંડળ ધરાવતા તમામ શહેરોને વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવા બજેટથી આયોજનબદ્ધ વિકાસનો નિર્ણય પાયારૂપ સાબિત થશે. પ્રથમવખત ચોક્કસ લક્ષ્યાંક સાથે કામગીરી થવાથી લોકોને ઝડપથી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે." - કલેક્ટર આનંદ પટેલ

કચ્છના વિકાસ અને સ્થાનિક વહીવટી તંત્રના તમામ અપડેટ્સ માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો:

Join WhatsApp Channel

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ